ભારતના કેટલાક કટ્ટર હિન્દુઓ આજે પણ બાબરી મસ્જિદનું નામ સાંભળીને ભડકી જાય છે, પણ કદાચ તેમને ખબર નથી કે બાબરી મસ્જિદના બદલામાં અયોધ્યામાં ભવ્ય મસ્જિદનું નિર્માણ કરવા માટેની જમીન ઉત્તર પ્રદેશની સરકારે જ ફાળવી છે. અયોધ્યામાં રામ મંદિરનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 25 નવેમ્બરના રોજ ધ્વજ ફરકાવીને તેના પૂર્ણ થવાની જાહેરાત કરી હતી, પરંતુ નવી મસ્જિદનું બાંધકામ હજુ શરૂ થયું નથી.2019ના અયોધ્યા વિવાદના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે અયોધ્યામાં મસ્જિદ માટે જગ્યા ફાળવવી જોઈએ.
ત્યારબાદ, 2020 માં ઉત્તરપ્રદેશ સરકારે અયોધ્યાથી આશરે 20-25 કિલોમીટર દૂર ધન્નીપુર ગામમાં પાંચ એકર જમીન ફાળવી હતી. સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડે મસ્જિદના બાંધકામની યોજના બનાવવા માટે ઈન્ડો-ઈસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન નામના ટ્રસ્ટની રચના કરી હતી. જોકે, હજુ સુધી બાબરી મસ્જિદના વિકલ્પ તરીકે બંધાનારી મસ્જિદના કોઈ પાયાનું કામ શરૂ થયું નથી. મસ્જિદ ન બનવાનાં અનેક કારણો જણાવવામાં આવી રહ્યા છે, જેમાં અયોધ્યાથી અંતર, ટ્રસ્ટમાં મતભેદો અને આર્થિક ભંડોળનો અભાવ સામેલ છે. ટ્રસ્ટના ચેરમેન ઝફર અહેમદ ફારૂકીએ જણાવ્યું કે ટ્રસ્ટ પાસે પૈસા નથી, તેથી કામ શરૂ થઈ શકતું નથી.
અયોધ્યા કેસ અંગે સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડે 18 ડિસેમ્બર 1961ના રોજ કોર્ટનો સંપર્ક કર્યો હતો. બોર્ડે દાવો કર્યો હતો કે 1949 સુધી બાબરી મસ્જિદમાં નમાજ અદા કરવામાં આવતી હતી. જોકે, 22-23 ડિસેમ્બર, 1949 ના રોજહિન્દુ પક્ષે ત્યાં મૂર્તિઓ મૂકી હતી, જેના પગલે સરકારે તેને તાળુ મારી દીધું હતું. આ વિવાદના કેન્દ્રમાં 16મી સદીની બાબરી મસ્જિદ હતી, જેના પર હિન્દુ પક્ષે દાવો કર્યો હતો કે મસ્જિદ એક હિન્દુ મંદિર તોડીને બનાવવામાં આવી હતી. 6 ડિસેમ્બર, 1992ના રોજ બાબરી મસ્જિદને ટોળાંએ તોડી પાડી હતી. 30 સપ્ટેમ્બર, 2010ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડના દાવાને સ્વીકાર્યો હતો. તેમને વિવાદિત 2.77 એકર જમીનનો એક તૃતીયાંશ ભાગ આપવામાં આવ્યો હતો. બાકીની જમીન હિન્દુ પક્ષોને મળી હતી. આ નિર્ણયને તમામ પક્ષોએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
સુપ્રીમ કોર્ટે 2019માં સમગ્ર જમીન રામ લલ્લા વિરાજમાનને સોંપી દીધી હતી. કોર્ટે સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડને મસ્જિદના નિર્માણ માટે અયોધ્યામાં પાંચ એકર વૈકલ્પિક જમીન ફાળવવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે 1993માં સંપાદિત કરેલી જમીનમાંથી સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડને પાંચ એકર જમીન આપવી જોઈએ અથવા રાજ્ય સરકારે અયોધ્યામાં કોઈ મુખ્ય સ્થળે જમીન ફાળવવી જોઈએ, પરંતુ સરકાર દ્વારા ફાળવવામાં આવેલી જમીન અયોધ્યાથી લગભગ 25 કિલોમીટર દૂર સોહાવલ તાલુકાના ધન્નીપુર ગામમાં છે. અયોધ્યાના સ્થાનિક લોકોનું કહેવું છે કે સામાન્ય લોકો આટલી દૂર આવેલી મસ્જિદમાં નમાજ પઢવા માટે નહીં જાય. RTI કાર્યકર્તા ઓમ પ્રકાશ સિંહે જણાવ્યું હતું કે, અયોધ્યા શહેરની હદમાં જમીન આપવાનો આદેશ હતો, પરંતુ જમીન ધન્નીપુરમાં આપવામાં આવી હતી, જે 25 કિલોમીટર દૂર છે. મેં આ અંગે RTI દાખલ કરી છે.
અંજુમન મુહાફિઝ મસ્જિદ વા મકબીર કમિટી અયોધ્યાના મહાસચિવ મોહમ્મદ આઝમ કાદરીએ જણાવ્યું હતું કે, અયોધ્યાના લોકો નમાજ પઢવા માટે 25 કિલોમીટર દૂર જશે નહીં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે કહ્યું હતું કે જમીન મ્યુનિસિપલ હદની અંદર અથવા તેની નજીક આપવી જોઈએ, પરંતુ આદેશનો અનાદર કરવામાં આવ્યો હતો. સરકાર જ્યારે ઇચ્છે ત્યારે વિકાસ લાવે છે. રામ મંદિર તેનું ઉદાહરણ છે. જો સરકાર ઇચ્છતી હોત, તો મસ્જિદ પણ બનાવી શકી હોત. જોકે, સુન્ની વક્ફ બોર્ડના અધ્યક્ષ ઝુફર અહેમદ ફારૂકી કહે છે કે તે સમયે બધાએ આ નિર્ણય સ્વીકાર્યો હતો.
તેથી, જે જમીન સંપાદિત કરવામાં આવી છે તેનો કોઈ પ્રશ્ન નથી. ધન્નીપુરમાં મુસ્લિમ વસ્તી છે અને લોકો નમાજ અદા કરશે. ધન્નીપુરના આ વિસ્તારમાં પહેલાથી જ એક ડઝનથી વધુ મસ્જિદો છે. સુપ્રીમ કોર્ટે મસ્જિદ માટે જમીન અયોધ્યાના લોકોને આપી હતી, ધનીપુરના લોકોને નહીં. બાબરી મસ્જિદ વિવાદના ભૂતપૂર્વ વાદી ઇકબાલ અંસારી કહે છે કે આખા દેશે સુપ્રીમ કોર્ટના નિર્ણયને સ્વીકાર્યો છે અને અમે પણ તેને સ્વીકાર્યો છે. આપણો ધર્મ આ જ કહે છે કે તમે જે દેશમાં રહો છો તેના કાયદાનું પાલન કરો. તેમનું કહેવું છે કે દલીલ કરવાનો કોઈ અર્થ નથી, કારણ કે જ્યાં પણ જમીન સંપાદિત કરવામાં આવી છે, ત્યાં જૂના સમયમાં બંધાયેલી મસ્જિદો પણ છે.
2020માં ઉત્તરપ્રદેશ સરકારે લખનૌ-અયોધ્યા હાઇવે પર રૌનાહી પોલીસ સ્ટેશનથી લગભગ 200 મીટર દૂર મસ્જિદ માટે પાંચ એકર જમીન ફાળવી હતી. મસ્જિદ સ્થળની નજીક એક પ્રાચીન દરગાહ પણ છે, જે ઐતિહાસિક હોવાનો દાવો કરવામાં આવે છે. ટ્રસ્ટે મસ્જિદ અને તેના પરિસરનો વિગતવાર નકશો તૈયાર કર્યો હતો, પરંતુ બાંધકામ હજુ શરૂ થયું નથી. આ મામલે RTI કાર્યકર્તા ઓમ પ્રકાશ સિંહે માહિતી માંગી હતી. તેના જવાબમાં અયોધ્યા વિકાસ સત્તામંડળે કહ્યું કે નકશો રદ કરવામાં આવ્યો હતો, કારણ કે ટ્રસ્ટે ફાયર વિભાગ, PWD અને વન વિભાગ સહિત 14-15 વિભાગો પાસેથી જરૂરી NOC સબમિટ કર્યા ન હતા.
પરંતુ ચેરમેન ઝુફર અહેમદ ફારૂકીએ કહ્યું કે અમે મસ્જિદ શરૂઆતથી નવી બનાવવાના હતા, તેથી કોઈપણ વિભાગ પાસેથી NOC માંગવામાં આવી ન હતી. અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટીના વાઇસ ચેરમેન અનુરાગ જૈને આ બાબતે અજ્ઞાનતા વ્યક્ત કરી હતી અને ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. ટ્રસ્ટે હવે મસ્જિદ માટે ગુંબજ આકારની નવી ડિઝાઇન તૈયાર કરી છે. ટ્રસ્ટનો દાવો છે કે નવો નકશો 31 ડિસેમ્બર સુધીમાં અયોધ્યા વિકાસ સત્તામંડળને સુપરત કરવામાં આવશે. ઝફર ફારૂકીએ કહ્યું કે મસ્જિદની નવી ડિઝાઇન લગભગ તૈયાર છે. આ મસ્જિદ 1,400 ચોરસ મીટરના વિસ્તારમાં બનાવવામાં આવશે અને બાકીનું સંકુલ પછીથી વિકસાવવામાં આવશે.
આ વિલંબને કારણે ધન્નીપુરના રહેવાસીઓમાં મૂંઝવણ ફેલાઈ છે અને ગામ અને આસપાસના વિસ્તારોના રહેવાસીઓ આ મુદ્દા પર ચર્ચા કરવામાં અચકાય છે. ધન્નીપુર ગામમાં મીઠાઈની દુકાન ચલાવતા માજિદ કહે છે કે શરૂઆતમાં ઘણો ઉત્સાહ હતો, પણ હવે પૂછનાર કોઈ નથી. હવે અમે સાંભળીએ છીએ કે બધું રદ થઈ ગયું છે. ગામ તરફ જતી વખતે ઘણા લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે લોકોએ કહ્યું કે ધન્નીપુર ગામમાં જ બે મસ્જિદો છે. ફક્ત મીડિયાના લોકો જ આવે છે અને અમે તેમને જવાબ આપીને કંટાળી ગયા છીએ. ફક્ત ગુરુવારે જ યાત્રાળુઓ દરગાહ પર આવે છે. મંદિરના નિર્માણ પછી મસ્જિદ બનાવવામાં વિલંબ અંગે વિપક્ષ સરકાર પર સવાલ ઉઠાવી રહ્યો છે. સમાજવાદી પાર્ટીનો આરોપ છે કે સરકારનો અભિગમ શરૂઆતથી જ ભેદભાવપૂર્ણ રહ્યો છે.
પાર્ટીના પ્રવક્તા મોહમ્મદ આઝમે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે મસ્જિદ માટે જગ્યા અયોધ્યામાં એક મુખ્ય સ્થળે આપવી જોઈએ, પરંતુ સરકારે તેને 20 કિલોમીટર દૂર આપી દીધી. સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ સરકારી મશીનરીની જેમ કામ કરી રહ્યું છે અને મસ્જિદના નિર્માણમાં સુસ્તી દાખવી રહ્યું છે.BJPનું કહેવું છે કે આ સમગ્ર મામલામાં સરકારની કોઈ સંડોવણી નથી. BJPના લઘુમતી સેલના પ્રમુખ કુંવર બાસિત અલીએ કહ્યું કે લોકો મંદિર પ્રત્યે ઉત્સાહી હતા, પરંતુ તેઓ મસ્જિદ પ્રત્યે ઉત્સાહી નથી. જાહેર સમર્થનનો અભાવ છે અને વક્ફ બોર્ડ સતત પ્રયાસ કરી રહ્યું છે. ટ્રસ્ટીઓ પણ ભંડોળના અભાવ અંગે ફરિયાદ કરી રહ્યા છે અને દાવો કરી રહ્યા છે કે લોકો દાન આપવામાં કોઈ રસ દાખવી રહ્યા નથી.
આ મસ્જિદનું નામ મોહમ્મદ બિન અબ્દુલ્લાહ રાખવામાં આવ્યું છે, જે પયગંબર મુહમ્મદનું નામ છે. મસ્જિદ પહેલાં બનાવવામાં આવશે અને ત્યારબાદ અન્ય પ્રોજેક્ટો બનાવવામાં આવશે. ADA દ્વારા નકશો મંજૂર થયા પછી ટ્રસ્ટ મસ્જિદ માટે દાન એકત્રિત કરવાની યોજના ધરાવે છે. ટ્રસ્ટનું કહેવું છે કે કોઈ કાનૂની અવરોધો નથી અને સરકાર તરફથી કોઈ દબાણ નથી. ટ્રસ્ટ જમીન પર એક હોસ્પિટલ અને કોમ્યુનિટી કિચન બનાવવાની પણ યોજના ધરાવે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.