Comments

શમણું આવે આવે ને સરી જાય..!

જગતમાં એક પણ એવો જણ ના મળે કે, જે  ક્યારેય હસ્યો ના હોય એવું હાસ્યેન્દ્ર જ્યોતીન્દ્રભાઈ દવે કહી ગયેલા. એમ એક પણ માણસ એવો નહિ હોય કે જેને સ્વપનું ના આવ્યું હોય. ઊંઘમાં પડે એટલે સ્વપનું ટપકે જ..! શમણાંની ખાસિયત એવી કે, માણસ જે મલકનો હોય એ જ ભાષામાં શમણાં પણ ચોપડા ખોલે. મદ્રાસીને ગુજરાતીમાં કે ગુજરાતીને ભોજપુરી ભાષામાં બયાનબાજી નહિ કરે. બાળક હોય તો ઊડતી પરીનાં દૃશ્યો બતાવે, યુવાન હોય તો દીપિકા પાદુકોણ બતાવે અને કાંઠે આવી ગયેલો હોય એને યમરાજનાં દર્શન કરાવે. 

આજે તમામ ભાષાનો  જાણકાર માણસની ન્યાતમાં નહિ મળે. પણ સ્વપ્નું  દરેક ભાષાનું નિષ્ણાત..! આ તો આપણે કાંદો કાઢવામાં  આળસુ એટલે, બાકી જેમ હૃદયના સ્પેશ્યાલીસ્ટ હોય, આંખ-નાક-ગળા-ચામડી કે મગજના સ્પેશ્યાલીસ્ટ હોય, એમ ‘સ્વપ્ના’ ના સ્પેશ્યાલીસ્ટ પણ થવા જેવું. સાલો રોજિંદો ધંધો છે, છતાં કોઈએ આ ધંધામાં માથું માર્યું નથી…! પેપરમાંથી એકાદ ફરફરીયું પણ એવું નીકળ્યું નથી કે, ‘ફળદાયી સુંદર શમણાં લાવવા  માટે, કે નબળાં સ્વપ્નાઓથી છુટકારો પામવા માટેના,  નિષ્ણાત Dream Doctor તમારા ગામમાં આવી ગયા છે..!’  બોલ્લો, ધંધો  ઉપાડી લેવા જેવો લાગે કે નહિ મામૂ…! 

કલાકાર, ચડ્ડી બનિયાનધારી, રાતપાળીના વોચમેન અને આ સ્વપ્નાંઓ એટલે રાતોના રાજા..! ઊંઘમાં જ ધંધા કરે. અમુક સ્વપ્નાંઓ તો એવા ઉજમણી વહુ જેવા કે, બંદો ચોખા આડા પાડવા હિંચકે ઝૂલતો હોય ને વામકુક્ષીની સાધનામાં હોય, તો ત્યાં પણ હરખપદુડી બનીને ટપકે..! પણ થાય એવું કે, સ્વપ્નાંઓ અંધારામાં જેટલા જામે, એટલા અજવાળામાં જામતાં નથી. પ્લાસ્ટીકના ફૂલ ઉપર મધમાખી માળો બાંધતી હોય એવું લાગે..! બપોરિયા સ્વપ્નના તો મિજાજ જ અલગ. ભરબપોરે એક દિવસ અમારી શૈલીને, શમણાંએ ઝાપટમાં લીધેલી..!  ઊંઘમાં જ લવારે ચઢી ગયેલી. 

“ 40,000… 40,000 એક વાર 40,000 બે વાર. 50,000…. 50,000 એક વાર 50,000 બે વાર…! મેં ખંખેરીને પૂછ્યું કે, તું આ 40,000 50,000 નો શેનો લવારો કરે છે?  મને કહે, “તમે મારા સ્વપ્નાની પથારી ફેરવી નાંખી. વરરાજાની હરાજી ચાલતી હતી, તેમાં  હું જોડાઈ ગયેલી..! તારા કપાળમાં કાંદા ફોડું, એ વરરાજામાં હું હતો કે નહીં..?  મને કહે, “તમે તો પાંચ રૂપિયાવાળી ઢગલીમાં પડ્યા હતા, એમાં કોણ હાથ નાંખે..?”  ત્યારે મને બ્રહ્મજ્ઞાન લાધ્યું કે, ‘પરણેલાંઓને પોતાની પત્નીનાં સ્વપ્નાં કેમ આવતાં નથી?

 પણ સ્વપ્નાં એટલે ઈચ્છાધારી નાગણ જેવાં. સાલાં રોજનાં નવાં-નવાં Plot કાઢે..!  ક્યારેક મુલાયમ-મુલાયમ, તો ક્યારેક ચુડેલ બતાવીને ચમકાવે..!  હરામ્મ બરાબર જો કોઈ સ્વપ્નું સાચું પડતું હોય તો..? એકેય વાર એવું સ્વપ્નું આવ્યું નથી કે,  “કાલે ટ્રમ્પદાદા શેરબજારની પથારી ફેરવવાના છે, માટે જે કંઈ  ફેરવ-ચારવ કરવાના હોય તે કરી નાંખ.!”  સાલા કાચિંડા જેવા, ક્યારે રંગ બદલે ભરોસો નહિ.  ક્યારેક તો શમણાંનો એવો સ્ટોક કાઢે કે, ૭૦ વરસનો ભાભો હોય કે, ભાભી,  (ભાભાની વાઈફને ભાભી નહિ કહેવાય ને? સોરી..! ) કે પછી જેના મોંઢે મૂછ ફૂટું ફૂટું થતી હોય એની પણ રાત બગાડી નાંખે. જેના માંડ ગણીને શ્વાસ બચ્યા હોય, એને સુંદરીનાં સ્વપ્નાં આવે ત્યારે, ચણા ચાવવામાં દાંતે  ભલે હથિયાર હેઠાં  મૂકી દીધાં  હોય, પણ  ડોહું ઉધરસ ખાતું-ખાતું પણ ભાંગડે  ચઢી જાય..!  સ્વીત્ઝર્લેન્ડ કે મલેશિયાની માનુની સાથે ગઠબંધન કરવામાં એવો તલ્લીન થઇ જાય કે, ખાટ પરથી  ક્યારે ગબડ્યો એ પણ ભૂલી જાય..! યાર…!

જાહેરાત પ્રમાણેનો માલ નહિ નીકળે તો છંછેડાય તો ખરો ને..? કાનમાં મધમાખી ઘૂસી ગઈ હોય એમ બળતરા પણ કાઢે ..! એક વાત છે, સ્વપ્નાંઓને  માન-મરતબા કે મલાજાના ટોલનાકાં આડાં આવતાં નથી.  મૂછના દોરા ફૂટું ફૂટું થતા હોય, એને ચુડેલનાં દ્રશ્યો પણ બતાવે ને ૧૦૮ ની એમ્બ્યુલન્સમાં અસ્પતાલની સફર પણ કરાવે, એનું નામ   સ્વપ્નાં..! દિવસના ઘરવાળા નહિ જંપવા દે, ને રાતે સ્વપ્નાં..! આદમી જાયે તો જાયે કહાં..! ક્યારેક તો એમ થાય કે, સ્વપ્નાં માટે પણ  ‘ટ્રમ્પગીરી’ જેવી દાદાગીરી રાખીને વિઝા  સિસ્ટમ રાખવી જોઈએ..! જેથી ફાલતુ મસાલો લઈને જો કોઈ  સ્વપ્નું આવે તો,  Deport કરાય..!

દોસ્ત..! આખા  શરીરે કેસુડો ફૂટી નીકળે તેવાં  લીલાંછમ્મ સ્વપનાં  આવે તો કોને નહિ ગમે? રાત લાંબી થાય તો સારું એવું ફીઈઈઈલ પણ થાય. પઅઅઅણ, સ્વપ્નાં એટલે  માયાવી રાક્ષસ જેવાં..! સ્વપ્નાં અને મૃગજળનાં નખરાં, બન્ને છેતરવાના ધંધા કરે. બંને  દેખાય ખરાં પણ, હોય નહિ.. ભગવાન અને આ બંને વચ્ચે એટલો જ ફેર કે, ભગવાન હોવા છતાં, દેખાય નહિ, ને  આ નહિ હોવા છતાં દેખાયા કરે. Fatherની જાગીર હોય એમ, ઊંઘતાં જ ઝડપે..! સારું છે કે, સ્વપ્નાંઓની સુપર માર્કેટ હોતી નથી. નહિતર આપણો  ગુજરાતી સ્વપ્નાંઓનાં પણ મોલ કાઢે. તંઈઈઈઈ..?

લાસ્ટ બોલ
ત્રણ જીગરજાન મિત્રો હતા. ત્રણેય એકબીજા માટે વફાદાર. એક દિવસ ખાવા માટે કોઈ ત્રણ  લાડવા આપી ગયું. ત્રણેય જણા લાડવા ખાવાના શોખીન. ત્રણેય લાડવા એક જ મિત્રે ખાવા હતા, એટલે શરત રાખી કે, રાતે જેને સારું સ્વપ્નું આવે, એ બધા લાડવા ખાઈ જાય. સવારે ઊઠીને બધાએ પોતપોતાનાં સ્વપ્નાં  કહેવા  માંડ્યાં. એકે કહ્યું કે, “હું તો રાતના વૃંદાવન ગયો અને રાધાકૃષ્ણનો રાસ ચાલતો હતો એમાં જોડાઈ ગયો. બીજો કહે, ‘હું તો અયોધ્યા ગયો અને ભગવાન શ્રી રામે મને તેમના દરબારનો મંત્રી બનાવી  દીધો.

ત્રીજો પૂરો ગુજરાતી. એણે તરત કહ્યું, ‘મને તો તમે પૂછતા જ નહિ કે, તને કેવું સ્વપ્નું આવ્યું? હનુમાન જયંતીનો દિવસ હતો અને રાતે સ્વપ્નામાં મને હનુમાનજી આવ્યા. ગદા બતાવી મને કહે, ‘ ચાલ ઊઠ..! ઊભો થા અને બધા લાડવા હમણાં ને હમણાં ખાઈ જા..! મેં ના કહી કે, ‘પ્રભુ, મારાથી આવું ના થાય. એ મારા વફાદાર મિત્રો છે. અમારી  શરત પ્રમાણે હું ના ખાઈ શકું. ત્યાં તો હનુમાનજીએ મારા બરડા ઉપર ગદા ઝીંકી. મને કહે કે, ‘ખાય છે કે, પછી ગદાવાળી ચાલુ કરું..?  ને મારે બધા લાડવા ખાઈ જવા પડ્યા..! એક કહે, ‘ તારે મને ઉઠાડવો તો હતો. પેલો કહે, ક્યાંથી ઉઠાડું, તું તો અયોધ્યા હતો અને આ વૃંદાવનમાં રાસ રમવા ગયો હતો. પછી મારે એકલાએ જ લાડવા ઝાપટી જવા પડ્યા…!
તારા કપાળમાં કાંદા ફોડું..!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top