Sports

T-20 વર્લ્ડકપ 2024 પર મેચ ફિક્સિંગનો કાળો પડછાયો પડ્યો, બુકીએ ખેલાડીને ફોન કર્યો અને..

અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝની મેજબાનીમાં ચાલી રહેલાં T20 વર્લ્ડ કપ 2024 પર મેચ ફિક્સિંગનો કાળો પડછાયો પડ્યો છે. વર્લ્ડ કપમાં રમી રહેલાં એક યુગાન્ડાના એક ખેલાડીએ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ને ફરિયાદ કરી છે કે તેને અજાણ્યા નંબર પરથી અનેક કોલ આવ્યા છે. આ કોલ્સ મેચ ફિક્સિંગ સંબંધિત હોવાનું માનવામાં આવે છે. આઈસીસીએ આ મામલે તપાસ શરૂ કરી છે.

ક્રિકેટમાં મેચ ફિક્સિંગ હજુ પણ ICC માટે મોટો માથાનો દુ:ખાવો બની રહી છે. T20 વર્લ્ડ કપમાં ફરી એકવાર આ મામલો સામે આવ્યો છે. કેન્યાના ભૂતપૂર્વ ક્રિકેટરે યુગાન્ડાના ખેલાડીને અલગ-અલગ નંબરથી ફોન કરીને ફિક્સિંગની ઓફર પણ કરી હોવાનું બહાર આવ્યું છે. જો કે, ICCના એન્ટી કરપ્શન યુનિટ (ACU) એ તરત જ મામલો થાળે પાડ્યો હતો.

પીટીઆઈને જાણવા મળ્યું છે કે આ ઘટના ગયાનામાં વર્લ્ડ કપ લીગ સ્ટેજની મેચો દરમિયાન બની હતી, જ્યાં કેન્યાના ભૂતપૂર્વ ઝડપી બોલરે યુગાન્ડાની ટીમના સભ્યનો અલગ-અલગ નંબર પરથી વારંવાર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો.
યુગાન્ડાના ખેલાડીએ આઈસીસીના ભ્રષ્ટાચાર વિરોધી પ્રોટોકોલનું પાલન કર્યું અને ત્યાં હાજર ACU અધિકારીઓને જાણ કરી હતી. અધિકારીઓએ આના પર તાત્કાલિક કાર્યવાહી કરી અને તમામ સહયોગી ટીમોને કેન્યાના આ ભૂતપૂર્વ ખેલાડી વિશે સતર્ક રહેવા સૂચના આપી દીધી હતી.

એક સૂત્રએ પીટીઆઈને જણાવ્યું કે, આ મામલો આશ્ચર્યજનક નથી. સટોડિયાએ યુગાન્ડાની નેશનલ ટીમના ખેલાડીને નિશાન બનાવ્યા છે. કારણ કે મોટી ટીમો કરતાં નાના દેશોની ટીમના ખેલાડીઓ ઈઝી ટાર્ગેટ છે, પરંતુ આ કિસ્સામાં ખેલાડીએ તરત જ ICCને જાણ કરીને સારું કામ કર્યું. ભ્રષ્ટ ઓફરની જાણ કરવામાં નિષ્ફળતા એ ICC ભ્રષ્ટાચાર વિરોધી સંહિતા હેઠળ ગુનો છે. અન્ય ગુનાઓમાં મેચ ફિક્સિંગ, રમત પર સટ્ટો રમવો, અંદરની માહિતીનો દુરુપયોગ અને તપાસમાં અસહકારનો સમાવેશ થાય છે.

યુગાન્ડાએ T20 વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત પાપુઆ ન્યૂ ગિની સામેની જીત સાથે કરી હતી પરંતુ તે પછી તેને અફઘાનિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. તેણે ગયાનામાં તેની ચારમાંથી ત્રણ મેચ રમી હતી.

Most Popular

To Top