નવી દિલ્હી,: ભારતના સર્વિસ સેક્ટરમાં ફેબ્રુઆરીમાં પાછલા એક વર્ષમાં સૌથી મોટો વધારો નોંધાયો છે. જો કે, નોકરીઓના મામલે હજી રાહતના સમાચાર મળી શક્યા નથી. એક માસિક સર્વેમાં એવું કહેવામાં આવ્યું છે. આ સર્વે પ્રમાણે સર્વિસ સેક્ટરમાં વધારો થયો હોવા છતાં રોજગારની તકોમાં કમી નોંધવામાં આવી છે. સર્વે પ્રમાણે, કંપનીઓના કુલ ખર્ચમાં આવેલા અચાનક વધારાને કારણે રોજગારની તકો ઘટી છે. આઇએચએસ માર્કિટના ઇન્ડિયા સર્વિસિઝ બિઝનેસ એક્ટિવિટી ઇન્ડેક્સ ફેબ્રુઆરીમાં 55.3 પર પહોંચી ગયો છે જે આ પહેલા જાન્યુઆરીમાં 52.8 પર હતો. માગમાં સુધીરો અને બજારની પરિસ્થિતિઓ અનુકુળ થવાથી આ વિકાસ જોવા મળી રહ્યો છે.
કોવિડ -19 રસી ઝુંબેશને કારણે વ્યવસાયમાં વિશ્વાસ પુન:સ્થાપિત થયો છે. તેની મજબૂતી પર, ઈન્ડેક્સ સતત પાંચમા મહિને ફેબ્રુઆરીમાં 50 પોઇન્ટની ઉપર રહ્યો. નોંધનીય છે કે પીએમઆઈ 50થી ઉપર વૃદ્ધિ દર્શાવે છે.
નવા ઓર્ડરમાં પણ સતત પાંચમા મહિનાનો વિકાસ જોવા મળ્યો હતો, પરંતુ પેનલિસ્ટ્સે સંકેત આપ્યા હતા કે કોવિડ -19 રોગચાળા અને મુસાફરી સંબંધિત પ્રતિબંધોને કારણે સેવાઓ માગ એક સ્તર સુધી મર્યાદિત છે.
સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, નિકાસને લગતા નવા ઓર્ડરમાં સતત 12મો ઘટાડો જોવાયો છે. જો કે, માર્ચ 2020 થી અત્યાર સુધી, નિકાસ ઓર્ડર્સમાં ઘટાડો થવાની ગતિ ફેબ્રુઆરી, 2021 માં સૌથી ઓછી હતી.