SURAT : સુરત સહિત સમગ્ર રાજ્ય અને દેશમાં હાલ કોરોના ( CORONA ) ના હાહાકાર વચ્ચે રેમડેસિવિર ઇન્જેક્શન ( REMDESIVIR INJECTION) ની જબરજસ્ત માંગ ઉઠી છે. લોકો તેના સ્વજનોને બચાવવા ઉંચી કિંમતે પણ ઇન્જેક્શન ખરીદી રહ્યા છે. ત્યારે શહેરમાં આજે એક દર્દીના સંબંધીને ડુપ્લીકેટ ( DUPLICATE) ઇન્જેક્શન પધરાવી દેવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. પુણાગામ ખાતે રહેતા યુવકને એક્સપાયરી ડેટના અને તે પણ પાણી ભરીને 42000 રૂપિયામાં 6 ઇન્જેક્શન આપી દીધા હતા.
સમગ્ર ઘટના અંગે મળતી માહિતી મુજબ શહેરના પુણાગામ ખાતે પ્રમુખપાર્ક સોસાયટીમાં રહેતા જીજ્ઞેશભાઈ જયસુખભાઈ માલાણીએ સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. જીજ્ઞેશભાઈના મામાનો દિકરો અશોક હાલ ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહ્યો છે. અશોકને રેમડેસિવિર ઇન્જેક્શનની જરૂર હોવાથી તબીબે તે લઈ આવવા માટે કહ્યું હતું. જેથી જીજ્ઞેશ બે દિવસથી ઇન્જેક્શનની શોધમાં હતો. ત્યારે ગઈકાલે સાંજે તેનો સંપર્ક દિવ્યેશ સંજય પટેલ (રહે, આનંદવાટીકા એપાર્ટમેન્ટ, અડાજણ) ની સાથે થયો હતો.
દિવ્યેશએ એક ઇન્જેક્શનના 7 હજાર લેખે 6 ઇન્જેક્શનના 42000 રૂપિયા નક્કી કર્યા હતા. જીજ્ઞેશભાઈને ગઈકાલે સાંજે સાત વાગે અઠવાલાઈન્સ વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ પાસે ઇન્જેક્શન લેવા માટે બોલાવ્યા હતા. જીજ્ઞેશભાઈ ઘરે પહોંચીને જોતા ઇન્જેક્શન એક્સપાયરી ડેટના હતા. તેના ઉપર છેકીને 2020 ની જગ્યાએ 2021 કરી દેવાયું હતું. સાથે જ ઇન્જેક્શન ખોલીને જોતા અંદર પાઉડર ફોમની જગ્યાએ લીક્વીડ નીકળ્યું હતું. જે માત્ર સામાન્ય પાણી હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી જીજ્ઞેશભાઈએ તાત્કાલિક દિવ્યેશભાઈને ફોન કરતા તેમને સોરી કહીને લીધેલા 42000 રૂપિયા ગુગલ પે થકી પાછા આપી દીધા હતાં.
જીજ્ઞેશભાઈએ આરોપીને આ ઇન્જેક્શન પાછા લઈ જવા માટે બોલાવ્યા હતા. દિવ્યેશ પોતાની કાર લઈને આવ્યો ત્યારે જીજ્ઞેશભાઈએ તેને પકડી લીધો હતો. અને ઇન્જેક્શન તથા દિવ્યેશને સરથાણા પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા. સરથાણા પોલીસે પહેલા ઇન્જેક્શન ઉમરા પોલીસની હદમાં લીધો હોવાનું કહી ઉમરા પોલીસ સ્ટેશન મોકલી આપ્યા હતા. ઉમરા પોલીસે સરથાણા પોલીસમાં મોકલી આપ્યા હતા. જીજ્ઞેશભાઈ તેમનું સ્વજન દાખલ હોવા છતાં દિવસભર બંને પોલીસ સ્ટેશનની ખો-ખોની રમતમાં ફસાયા હતા. અંતે સરથાણા પોલીસે ફરિયાદ દાખલ કરી હતી.
નવી સિવિલ કેમ્પસમાં ઇન્જેક્શન માટે અનેક દલાલ ફરતા હોવાની સંભાવના
જીજ્ઞેશભાઈ નવી સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શન લેવા માટેની લાઈનમાં ઉભા હતા. ત્યારે તેમનો સંપર્ક એક વ્યક્તિ જોડે થયો હતો જે બ્લેકમાં બહારથી ઝડપી ઇન્જેક્શન મેળવી આપતો હતો. આ વ્યક્તિ થકી વાયા વાયા જીજ્ઞેશભાઈનો ગઈકાલે દિવ્યેશ સાથે સંપર્ક થયો હતો. નવી સિવિલમાં ઇન્જેક્શનના કાળાબજારી ફરતા હોવાની સંભાવનાઓ ઉઠવા પામી છે