આજે રાષ્ટ્રપતિ (President) રામનાથ કોવિંદે (Ramnath Kovind) આ વર્ષના પદ્મ પુરસ્કાર (Padma Awards 2020) વિજેતાઓમાં એવોર્ડનું વિતરણ કર્યું હતું. મહાન નેતાઓ અને સેલિબ્રિટીઓની વચ્ચે એક સામાન્ય વ્યક્તિને મળેલો પદ્મશ્રી (Padmashree) એવોર્ડે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું. મેંગ્લોરનો આ સંતરા વેચનાર વ્યક્તિને આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાના હાથે પદ્મશ્રી એનાયત કર્યો હતો. આ પ્રસંગે સંતરા વેચનાર ચપ્પલ પહેર્યા વિના સાવ સાદા કપડાં પહેરીને રાષ્ટ્રપતિ પાસે પહોંચ્યો હતો. તેને એવોર્ડ અપાયો ત્યારે ભવન તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યો હતો.
તમને જણાવી દઈએ કે દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્ન બાદ સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ પુરસ્કારનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ ભવનના ઐતિહાસિક દરબાર હોલમાં એક ભવ્ય સમારોહમાં પદ્મ એવોર્ડ સમારોહ યોજાયો હતો. આ દરમિયાન સુષ્મા સ્વરાજ અને અરુણ જેટલી જેવા રાજનેતાઓને મરણોત્તર પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.
રાષ્ટ્રપતિ કોવિંદે આજે હરેકલા હજબાને સામાજિક કાર્ય માટે પદ્મશ્રી અર્પણ કર્યું હતું. કર્ણાટકના મેંગલોરના એક સંતરા વેચનારે તેમના ગામમાં એક શાળા બનાવવા માટે તેમના વ્યવસાયમાંથી નાણાં બચાવ્યા હતા. તેઓ મેંગલોર શહેરથી લગભગ 40 કિમી દૂર હરેકલા ગામમાં સંતરા વેચે છે. તેણે પોતાના ધંધામાંથી પૈસા બચાવ્યા અને ગામના બાળકો માટે શાળા બનાવી.
ગામમાં શાળા ન હોવાથી હરકેલાનું ભણતર થઈ શક્યું ન હતું. તેથી તેણે પોતાના ગામમાં એક શાળા બંધાવી હતી. તેમણે વર્ષ 1995થી રૂપિયા બચાવવાનું શરૂ કર્યું હતું. 2000ના વર્ષમાં હરેકલા હજબાએ તેમની બધી બચતનું રોકાણ કર્યું અને એક એકર જમીનમાં શાળા શરૂ બનાવી હતી.
નોંધનીય છે કે, વર્ષ 2020 માટે વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર 141 લોકોનું આજે સન્માન કરવામાં આવ્યું હતું. મંગળવારે એટલે કે આવતીકાલે 2021 માટે 119 લોકોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરી સ્વરાજને આ એવોર્ડ એનાયત કર્યો હતો. એવોર્ડ સમારોહમાં પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પણ હાજર રહ્યા હતા.