Comments

‘સેલ્ફી’સંહિતાઃ સમજણ અને સંવેદનાનો સંગમ

માત્ર કેમેરા વડે છબિઓ લેવાનું ચલણ હતું ત્યારે ઘણા કેમેરામાં ‘સેલ્ફ ટાઈમર’ની સુવિધા આવતી, જેને કારણે છબિ ખેંચનાર ‘ક્લીક’નું બટન દબાવ્યા પછી ઝડપભેર કેમેરાની સામે આવીને ગોઠવાઈ જતું અને તેની છબિ આપોઆપ ખેંચાઈ જતી. કેમેરા પૂર્વેના યુગમાં ચિત્રકારો અરીસામાં જાઈને પોતાનું ચિત્ર ચીતરતા, જે ‘સેલ્ફ પોર્ટ્રેટ’તરીકે ઓળખાતું. મોબાઈલ ફોનના આગમનને પગલે તેમાં અનેકવિધ સુવિધાઓ અનિવાર્યપણે આવતી થઈ, જેમાં કેમેરા લગભગ આવશ્યક બની ગયો.

આ કેમેરાનો લૅન્સ સરળતાથી આગળપાછળ ફરી શકતો હોવાથી સ્વછબિ ખેંચવી અત્યંત સુગમ બની ગઈ. ૨૦૦૨માં નેથન હોપ નામના એક ઓસ્ટ્રેલિયને પોતે ખેંચેલી પોતાની છબિ માટે ‘સેલ્ફી’શબ્દનો પહેલી વાર પ્રયોગ કર્યો. આ સુવિધા અને આ શબ્દ જાણે કે મોબાઈલ ફોન દ્વારા આવેલી ક્રાંતિ અને તેના ઉપયોગના અતિરેકના પ્રતિક સમો બની રહ્યો. હવે તો આ શબ્દ અને પ્રથાનું ચલણ એ હદે વ્યાપક બની ચૂક્યું છે કે લોકો કોઈ પણ સ્થળે અને સમયે ‘સેલ્ફી’ખેંચીને તેને સામાજિક નેટવકિ*ગનાં માધ્યમો પર મૂકતા થઈ ગયા છે.

જાણેઅજાણે તેઓ પોતાની અંગત અને વ્યક્તિગત ક્ષણોને આ રીતે જાહેર કરી રહ્યા છે. આ પ્રથાનું વળગણ એટલું પ્રસરી ચૂક્યું છે કે તે ‘ન્યૂ નોર્મલ’બની રહી છે. તેમાં સામાન્ય વિવેકનો સૌથી વધુ ભોગ લેવાઈ રહ્યો છે. પોતે અમુક સ્થળે હાજર છે એ દર્શાવવાની લ્હાયમાં ઝટપટ ‘સેલ્ફી’ખેંચતા લોકો ભાન ભૂલી જાય છે, અને ઘણી વાર તો પોતાના જાનને જાખમમાં મૂકતાં ખચકાતા નથી. વિવિધ વન્ય પશુઓ સાથે ‘સેલ્ફી’ખેંચવાનો પ્રયાસ કરતાં એ પશુના હુમલાનો ભોગ બનીને મોતને ભેટવાના અનેક કિસ્સા બનતા રહ્યા છે.

જાનનું જાખમ હોય ત્યાં ‘સેલ્ફી’ખેંચવાનો પ્રયાસ કરવો સાહસ નહીં, મૂર્ખામીયુક્ત વળગણ છે, પણ એ સિવાયનાં કેટલાંક સ્થળોએ ‘સેલ્ફી’ખેંચવાનો પ્રયાસ મૂર્ખામી કરતાંય વધુ તો વિવેકહીનતા અને સંવેદનવિહીનતા કહી શકાય. એપ્રિલ, ૨૦૨૩માં વધુ એક વાર આવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો અને તેની ઘણી ટીકા થઈ.

યુરોપના પોલેન્ડમાં આવેલું શહેર ઓશવિત્સ ત્યાંના સ્મારક માટે અતિ જાણીતું છે. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જર્મન સરમુખત્યાર હીટલરના નાઝી સૈન્ય દ્વારા અહીં કોન્સન્ટ્રેશન કેમ્પ ઊભા કરવામાં આવ્યા હતા. માનવજાતના ઈતિહાસમાં કલંકરૂપ કહી શકાય એવો જઘન્ય હત્યાકાંડ અહીં આચરવામાં આવ્યો હતો, જેમાં લાખો નિર્દોષ યહૂદી મહિલાઓ, પુરુષો તેમજ બાળકોની નિર્મમપણે હત્યા કરવામાં આવી હતી. આવા શરમજનક ઈતિહાસનું પુનરાવર્તન ન થાય અને ભાવિ પેઢી સમક્ષ તેની સ્મૃતિ તાજી રહે એ બાબતને ધ્યાનમાં લઈને અહીં એક સંગ્રહાલય તેમજ સ્મારક ઊભું કરવામાં આવ્યું. વરસેદહાડે લાખો પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત લે છે અને એ હત્યાકાંડની ભયાનકતાને આટલા દાયકાઓ પછી પણ અનુભવે છે.

આ સ્થળે પણ કેટલાક ઉત્સાહી પ્રવાસીઓ ‘સેલ્ફી’લેવાના ધખારા રાખે છે. જથ્થાબંધ યહૂદીઓને આ સ્થળે યાતના માટે લાવનાર ટ્રેનના પાટા પર મારીઆ મર્ફી નામની એક યુવતીએ એપ્રિલ, ૨૦૨૩માં ‘સેલ્ફી’ખેંચી અને તેને પ્રસિદ્ધ કરી. આ તસવીર મૂકાતાં જ સામાજિક નેટવકિ*ગનાં માધ્યમ પર લોકોએ તેની પર ફિટકાર વરસાવ્યો. અલબત્ત, આ પ્રકારનો બનાવ કંઈ પહેલી વારનો નથી. આ પહેલાં પણ સમયાંતરે અમુક પ્રવાસીઓ આ સ્થળે ‘સેલ્ફી’લઈને તેને જાહેર માધ્યમ પર મૂકતા આવ્યા છે. તેનું પ્રમાણ ઓછું છે, છતાં એમ થાય છે ખરું.

‘સેલ્ફી’ખેંચવા અને તેને જાહેર માધ્યમ પર મૂકવા પાછળની માનસિકતા કંઈક એવી કહી શકાય કે પોતે અન્યોથી વિશેષ છે અને દુનિયાને તેઓ બતાવવા માગે છે કે કેવા વિશિષ્ટ સ્થળ સુધી પોતે પહોંચ્યા છે. ‘સેલ્ફી’કોઈ પણ સ્થળની હોય, એને જાહેરમાં મૂકવા પાછળની માનસિકતા મોટે ભાગે આનાથી અલગ હોતી નથી. આ માનસિકતાને કારણે જે તે સ્થળની ગરિમા જળવાતી નથી.

આપણા દેશના પંજાબમાં આવેલા અમૃતસરમાંના જલિયાંવાલા બાગ સાથે પણ ભયાનક સ્મૃતિઓ સંકળાયેલી છે. એક મેદાનમાં ઉપસ્થિત નિઃશસ્ત્ર લોકો પર જનરલ ડાયરના હુકમથી અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. ગોળીબારમાં અનેક લોકો મોતને ભેટ્યા હતા, અને કેટલાય લોકોએ કૂવામાં કૂદીને આત્મહત્યા કરી હતી. આ સ્થળે પણ લોકો ‘સેલ્ફી’ખેંચતા જાવા મળે છે. કોઈક સ્થળની મુલાકાતની યાદગીરી તરીકે ત્યાં તસવીર ખેંચાવવી અને કોઈ સ્થળે ‘સેલ્ફી’લેવી એ બન્નેમાં થોડો તફાવત છે. ‘સેલ્ફી’માં કેન્દ્રસ્થાને ‘સેલ્ફ’એટલે કે ‘સ્વ’હોય છે, અને તેનો મુખ્ય હેતુ અંગત યાદગીરી નહીં, પણ ઘોષણા માટે હોય છે. અનેક લોકોને કોઈ ને કોઈ જાણીતી વ્યક્તિ સાથે ‘સેલ્ફી’ખેંચવાનો શોખ હોય છે. આવી તસવીરોમાં ઘણી બધી વાર એ જાણીતી વ્યક્તિનું ધ્યાન સુદ્ધાં ન હોય અને તેમની સાથે તસવીર ખેંચીને તેને જાહેર માધ્યમમાં મૂકવામાં આવે છે. એ તસવીર ‘સેલ્ફી’લેનારની મૂર્ખામીને જ ઉજાગર કરે છે. ગમે તે સ્થળે, પોતે પોતાની તસવીર ખેંચવાની લ્હાયમાં ઘણી બધી વાર સામાન્ય વિવેક અને સામાન્ય બુદ્ધિ કોરાણે મૂકાઈ જાય છે. સંવેદનશૂન્યતા અને દેખાડાબાજી આવી તસવીરોમાં સાફ ઝલકે છે. હવે ઘણા લોકો સ્વજનનું મૃત્યુ થાય ત્યારે તેમના શબની તેમજ અગ્નિદાહની તસવીરો સુદ્ધાં પ્રકાશિત કરતા જાવા મળે છે, જે સામાન્ય વિવેકનો અભાવ દર્શાવે છે.નાગરિકધર્મના કેટલાક પાઠ કદાચ નવેસરથી શીખવાનો આ સમય છે, કેમ કે, નવિન આવિષ્કારોએ સુવિધા ઉપલબ્ધ કરાવી દીધી, પણ વિવેક તો આપણે જ કેળવવો પડશે.

         – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top