કપડવંજ : કપડવંજના નડીઆદ રોડ ઉપર બિયારણ વૃધ્ધિ કેન્દ્ર છેલ્લા ઘણા વર્ષોથી છે.વિશાળ ક્ષેત્રફળમાં પથરાયેલ આ કેન્દ્રમાં સગવડતા અભાવે જાણે મૃતપાય સ્થિતિમાં હોય તેવો ઘાટ ઘડાયો હતો.ખેડૂતોના લાભ માટે સરકારી યોજના કાર્યાન્વિત તો થઈ છે પણ સદર કેન્દ્રની વર્તમાન સમયમાં દયનીય સ્થિતિના કારણે ડચકા ખાઈ રહી હતી.હંગામી સ્ટાફ અને ટાચા સાધનોના કારણે સોનાના મોલથી પણ કિંમતી સરકારી જમીનની હાલત બદતર છે.
સંબંધિત તંત્ર આ દિશા તરફ ધ્યાન કેન્દ્રિત કરી સગવડ સભર કેન્દ્રનો વિકાસ કરવાની સાથે અથવા તો અન્ય કોઈ ખેડૂતપયોગી કાર્ય માટે ખેડૂતોની સુખાકારી વધારવા તંત્ર દ્વારા માત્ર ટૂંકા ગાળામાં ત્વરિત નિર્ણય લેવામાં આવ્યો હતો અને ખેડા જીલ્લા પંચાયત હસ્તકનું બિયારણ વૃધ્ધિ કેન્દ્ર ખેડૂતોના વિકાસ અર્થે બાગાયતી ખેતી માટે રાજ્ય સરકારમાં સુપરત કરતા પંથકના ખેડૂતોમાં આનંદની લાગણી પ્રવર્તી હતી.પરંતુ આનંદની લાગણી જાણે વિસરાઈ ગઈ હોય તેમ બિયારણ વૃધ્ધિ કેન્દ્રની વૃદ્ધિ જ અટકી ગઈ છે અને બદતર દશામાં છે.કારણ કે બજેટમાં નાણાંની તો જોગવાઈ થઈ ગઈ પરંતુ નાણાં નહી ફાળવવાને કારણે ખેડૂતોમાં આક્રોશ છે.
આ અંગે વધુ માહિતિ આપતા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ખેડૂત આગેવાન નીતિન પટેલ (દાણાવાળા)એ જણાવ્યું છે કે ખેડા જીલ્લા પંચાયત હસ્તક સમગ્ર ખેડા જીલ્લામાં બિયારણ વૃધ્ધિ કેન્દ્રો નડીઆદ,કપડવંજ, માતર, મહીજ અને ઠાસરામાં છે.જ્યારે કપડવંજનું કેન્દ્ર કપડવંજ નડીઆદ રોડ ઉપર મહંમદપુરા પાટિયા પાસે તાલુકા સીડ્સ ફાર્મમાં બિયારણ વૃધ્ધિ કેન્દ્ર હાલ સગવડતાના અભાવે કફોડી દશામાંથી પસાર થઇ રહ્યું છે.ગત વર્ષે બજેટમાં અમદાવાદ, જામનગર અને ખેડા જીલ્લામાં બાગાયતી પાકોના સેન્ટર ઓફ એક્સલેન્સ ઉભા કરવા 7 કરોડની જોગવાઈ કરી હતી.
રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા ખેડા જીલ્લા પંચાયત હસ્તકની સંપાદિત કરેલી જમીન તાલુકા ખેતીવાડી સીડફાર્મ અંદાજીત 10.50 હેક્ટર જમીન સેન્ટર ફોર એક્સલન્સ બનાવવા માટે નાયબ બાગાયત વિભાગને હેતુફે૨ કરવાની કાર્યવાહી મંજુર કરી હતી.જેથી તાલુકાના ખેડૂતોને બાગાયતી પાકો અને શાકભાજીના પાકોમાં વૈજ્ઞાનિક પધ્ધતિથી ઉછેર કરેલા રોપાઓ તથા હાઈટેક પ્લગ નર્સરીમાં ઉત્પાદિત થયેલ રોગ જીવાત મુક્ત હાઇબ્રિડ સીડ્સના રોપા ખેડૂતોને ઉપલબ્ધ થવાની સાથે કેન્દ્ર કાર્યરત થાય તો શાકભાજી પકવતા ખેડૂતોને દૂર સુધી રોપાઓ લેવા જવું પડતું હતું.
તે હવે કપડવંજ માંથી જ મળશે તેમજ બાગાયતી પાક માટે ખેડૂતોને માર્ગદર્શન અને પ્રોત્સાહન સરકાર દ્વારા પ્રશિક્ષણ પણ આપવામાં આવશે તેવો આશાવાદ હાલ ઠગારો નિવડ્યો છે.બજેટમાં નાણાંની ફાળવણી કરી પરંતુ તે માત્ર કાગળ ઉપર જ રહી ગઈ છે.છેલ્લા ઘણા વર્ષોથી કપડવંજનું બિયારણ વૃધ્ધિ કેન્દ્રનો વિકાસ રૂંધાઈ ગયો છે જે દુઃખની બાબત છે. કેન્દ્રના વિકાસ માટે સરકાર સત્વરે કાર્યવાહી કરે તો કપડવંજ- કઠલાલ ના ખેડૂતોને તેનો સીધો લાભ મળી શકે તેમ છે.