Charchapatra

સફળ અને સુખી વ્યક્તિનાં જીવનનાં રહસ્ય

સફળ અને સુખી વ્યક્તિનાં જીવનનાં રહસ્ય એક ચિંતકે અનેક અનુભવ પરથી  તારવેલું સત્ય રજૂ કરું છું. સુખી અને સફળ વ્યક્તિ હંમેશા વિચારે છે કે “આ કામ હું શું કામ ન કરું?” જ્યારે નિષ્ફળ અને દુ:ખી લોકોનું નિષ્કર્ષ હોય છે,”આ કામ હું શું કામ કરું?” એક સફળ વ્યક્તિ પોતાના કામમાં તો પારંગત જ હોય છે. પછી તે, ડોક્ટર, એંજીન્યર કે ચિંતક હોઈ શકે, પણ સાથે નાનામાં નાના કામ જેવાં કે શાક કે ફળ સમારવાનું કે વાસણ માંજવાનું  કે સફાઈ કરવાની હોય, તો તેમાં પણ સંપૂર્ણતા લાવી આ કામ “આ કામ હું શું કામ ન કરું?”

એમ વિચારીને સારી રીતે પાર પાડે છે. તેમને માટે કોઈ કામ નાનું,નકામું કે અઘરું નથી હોતું. બીજાનાં કામમાં પણ તે હંમેશા મદદ કરવા તત્પર રહે છે. જ્યારે એક સામાન્ય વ્યક્તિ, ધારો કે શિક્ષક હોય તો કહેશે,મારે જ પ્રોક્સીમાં જવાનું? ગૃહિણી કહેશે, મારે જ રોજ રાંધવાનું? મારે જ આ કામ કરવાનું? પરંતુ સફળ વ્યક્તિ બધા જ કામમાં મઝા માણે છે. આપણા કામમાં થોડો પ્રેમ, આવડત કેળવીએ તો, બધાં કામ સરળ બને છે.સફળ લોકોને કામમાં જ મઝા લાગે છે. તેથી સૌનાં માનીતા બને છે. તેઓ વિચારે છે, ‘કોઈ તો આ કામ કરવાનું જ છે, તો હું શું કામ ન કરું? લાવ ને હું કરી લઉં. ‘ તેથી તેનો વિકાસ થાય છે.

સફળ વ્યક્તિ કહે છે, “whatever others can do I can do it better.” પછી તે પોતાનાં ધંધાનું, ઘરકામ હોય કે સમાજનાં નાનાં-મોટાં કામ, તે વ્યવસ્થિત રીતે કરી સુખી અને સફળ બને છે. આ જ રીતે સુખી અને સફળ વ્યક્તિના જીવનમાંથી તારવેલું બીજું સત્ય છે. નરસિંહ મહેતાનું જાણીતા ભજનનું વાક્ય,’પીડ પરાઈ જાણે રે’! એ વાક્ય સફળ લોકોનાં જીવનમાં આત્મસાત થયેલું સત્ય છે. તેઓમાં એટલી સંવેદના હોય છે કે બીજાનાં દુ:ખને પોતીકી રીતે સમજવાનો પ્રયત્ન કરે છે અને આ સમભાવથી સામેવાળાને પોતાનું દુ:ખ હળવું લાગે છે અને સફળ વ્યક્તિને પણ બીજાનાં મોટાં દુ:ખ આગળ પોતાનાં દુ:ખ હળવાં લાગે છે.

ક્યારેક બીજાનાં દુ:ખ હળવા કરતાં પોતાનાં દુ:ખનો ઉકેલ મળી આવે છે. આવી વ્યક્તિને સૌ તરફ  સહાનુભૂતિ હોવાથી સૌની માનીતી બને છે અને સફળ વ્યક્તિને સૌનો સહકાર મળવાથી એનું કાર્ય સફળ અને સરળ બને છે. આવી વ્યક્તિને પોતાનાં દુ:ખ હળવાં લાગવાથી સુખી અને આનંદિત રહે છે. આવી સુખી અને સફળ વ્યક્તિનો સાથ કોને ન ગમે? તો આજથી જ આપણે વિચારીએ, “ લાવ કોઈએ તો કરવાનું જ છે તો આ કામ હું શું કામ ન કરું? લાવ ને કોઈનાં દુ:ખ સમજું ,લાવ ને કોઈનાં સુખ વધાવું” મારા  મતે આ સફળ અને સુખી થવાના રસ્તા છે.                                                                                                                              
સુરત          -આશા દલાલ      – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top