રાજકોટ: રાજકોટના (Rajkot) ઉપલેટા (Upleta) શહેરમાં એક હ્રદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક સાવકા પિતાએ (Stepfather) તેની 3 વર્ષની પુત્રીને ઢોર માર માર્યો હતો. 3 વર્ષની પુત્રીને બેરેહમીથી માર મારતા ઉપલેટાની કોટેજ હોસ્પિટલમાં (Hospital) દાખલ કરવામાં આવી છે. 3 વર્ષની પુત્રીના શરીરે, પેટના ભાગે લાત મારી હતી તેમજ કપાળના ભાગે પણ ઇજા પહોંચાડી હતી. એટલું જ નહીં બાળકીને ગુપ્તભાગે પણ ચિમટી ભરી હતી. જેથી બાળકીને ગુપ્તભાગે ઇજા પહોંચી હતી. ગંભીર ઈજાના નિશાન જોવા મળ્યા હતા. પૂર્વ પતિની બાળકી હોવાથી બીજા પતિને ગમતું ન હતું તેથી બાળકીને બેરેહમીથી માર માર્યો હતો. સાવકા પતિ સહિત નંણદોઈએ પણ બાળકીને માર માર્યો હતો. જ્યારે લોકોને આ વાતની જાણ થઈ તો સાવકા પિતા પર ફિટકાર વરસાવ્યો હતો. ગંભીર ઈજાના કારણે બાળકીને સારવાર અર્થે ખસેડતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.
હાલમાં ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત બાળકીની સારવાર ચાલી રહી છે. આ ઘટનાની જાણ થતા પોલીસે પતિ અને પત્નીની ઉલટ તપાસ શરૂ કરી છે. તપાસમાં જાણાવા મળ્યું છે કે મહિલા પ્રેમ લગ્ન કરી હાલમાં બીજા પતિ સાથે રહેતી હતી. પરંતુ છેલ્લા ઘણા સમયથી તેનો હાલનો પતિ ત્રણ વર્ષની સાવકી દીકરીને માર મારતો હતો. ઉપલેટાના સમઢીયાળાના દંપતી બાળકી સાથે પાટણવાવ ગામે નણંદના ઘરે ગયા હતા ત્યારે આ ઘટના બની હતી. સમગ્ર મામલે પાટણવાવ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર અંજનાબેન ધર્મેશભાઈ ચુડાસમા નામમની મહિલા પ્રેમ લગ્ન કરી સાસરે રહેતી હતી. તે તેની 3 વર્ષની દીકરી ક્રિષ્ના ધર્મેશભાઈ ચુડાસમાને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ આવી હતી. જ્યાં દીકરીના શરીરના ભાગે અનેક ઈજાના નિશાન હતા. અંજનાબેનની ઉલટ તપાસ કરતા ખબર પડી કે સાવકો પિતા દ્વારા બાળકીને શરીર, પેટના ભાગો અને ગુપ્તાંગ વગેરે ભાગોમાં માર મારવામાં આવ્યો હતો. તેમજ તેના માથાના વાળ પણ ખેંચવામાં આવતા હતા. સાવકો પિતા તેને ઢોર માર મારતો હતો. અંજનાબેનના બીજા પ્રેમ લગ્ન છે અને દીકરી તેના પહેલા પતિની છે.
પ્રાથમિક તપાસમાં મહિલાના જણાવ્યાં પ્રમાણે પોતાના આ તેના બીજા લગ્ન છે અને તેના આગલા ઘરની બાળકી તેના પતિને ગમતી ન હોવાથી આવું કરતો હોવાનો આક્ષેપ અંજનાબેને કર્યો હતો. જણાવ્યા અનુસાર 7 ફેબ્રુઆરીના રોજ પતિ ધર્મેશ ચુડાસમા અને નણદોયા સંજય મૂછડિયાએ બાળકીને માર માર્યો હતો. પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.