Columns

કર્ણાટકમાં ચૂંટણી ટાંકણે પક્ષપલટાની મોસમ પૂરબહારમાં છે

ભારતમાં જ્યારે જ્યારે ચૂંટણી નજીક આવે ત્યારે રાજકીય પક્ષોમાં પક્ષપલટામાં ભરતી આવતી હોય છે. ટિકિટો કાયમ મર્યાદિત હોય છે, પણ ટિકિટવાંચ્છુઓની વાસના અમર્યાદિત હોય છે. જે રાજકીય નેતાને પક્ષની ટિકિટ ન મળે તે બળવો કરીને વિપક્ષમાં જોડાઈ જાય છે અને તેને ટિકિટ મળી પણ જાય છે. જેમને ટિકિટ મળે છે તેઓ પક્ષના વફાદાર સેવકો બની રહે છે, પણ જેમને ટિકિટ નથી મળતી તેમનો અંતરાત્મા જાગી જતો હોય છે અને પક્ષ પ્રત્યેની વફાદારી હવામાં ઓગળી જતી હોય છે.

રાજકીય પક્ષોની ટિકિટો વહેંચનારાઓ પણ એટલા ક્રૂર અને મતલબી હોય છે કે તેમની ગણતરીમાં ફીટ ન બેસે તેવા દિગ્ગજ નેતાની ટિકિટ કાપવામાં પણ તેમને સંકોચ થતો નથી. વળી ટિકિટની વહેંચણી કરતી વખતે તેઓ નીતિમત્તાનાં કાટલાં તડકે મૂકી દેતા હોય છે. ક્યા ઉમેદવાર પર કેટલા ક્રિમિનલ કેસો છે, તેનો વિચાર કરવાને બદલે તે કેટલા મતો ઘસડી લાવે તેમ છે, તેનો જ વિચાર નિર્ણાયક પરિબળ બની રહે છે. ટિકિટ ન મળતાં પક્ષપલટો કરનારા ઉમેદવારો ક્યારેક પોતાની તાકાત પર ચૂંટણી જીતી જાય છે અને ચૂંટણી પછી પાછા પક્ષમાં જોડાઈ પણ જાય છે.

કર્ણાટક વિધાનસભાની ચૂંટણી તા. ૧૦ મેના નક્કી કરવામાં આવી છે. ભાજપ તરફથી ઉમેદવારોની બે યાદીઓ બહાર પાડવામાં આવી છે. તેમાં જે જૂના જોગીઓને ટિકિટો નકારવામાં આવી તેમની વિકેટો પડવા લાગી છે. સૌથી મોટી વિકેટ ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન લક્ષ્મણ સવાડીની પડી છે, જેઓ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બી.એસ. યેદિયુરપ્પાની નજીક મનાતા હતા. લક્ષ્મણ સવાડી મહારાષ્ટ્ર સરહદ પર આવેલી લિંગાયત અને મરાઠા કોમના નેતા હોવાથી તેમના મતો મેળવવા તેમનો ઉપયોગ કરાયો હતો. લક્ષ્મણ સવાડીની ઇચ્છા અથાણી બેઠક પરથી ભાજપ વતી ચૂંટણી લડવાની હતી. ભાજપે તેમને અથાણી બેઠક પરથી ટિકિટ આપવાનો ઇનકાર કરતાં તેઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે અને કોંગ્રેસે તેમને અથાણી બેઠક પરથી જ ટિકિટ આપી દીધી છે.

ભાજપમાં બળવો કરીને કોંગ્રેસમાં જોડાયેલા લક્ષ્મણ સવાડી પક્ષપલટાનો લાંબો ઇતિહાસ પણ ધરાવે છે. ૨૦૧૨માં કર્ણાટકમાં ભાજપની સરકાર હતી અને સદાનંદ ગોવડા મુખ્ય પ્રધાન હતા ત્યારે લક્ષ્મણ સવાડી તેમની કેબિનેટમાં સહકારી ખાતાના પ્રધાન હતા ત્યારે તેઓ ચાલુ વિધાનસભામાં પોર્ન ક્લિપ જોતાં પકડાઈ ગયા હતા. તે વખતે વિપક્ષી નેતા રહેલાં કોંગ્રેસના સીદ્ધારામૈયાએ તેમને ગેરલાયક ઠરાવવાની માગણી કરી હતી, જેને પગલે તેમણે પ્રધાન તરીકે રાજીનામું ધરી દેવું પડ્યું હતું. ૨૦૧૭માં જ્યારે સીદ્ધારામૈયાએ વિધાનસભામાં આ વિવાદનો ઉલ્લેખ કર્યો ત્યારે તેમણે સીદ્ધારામૈયા પર આક્ષેપ કર્યો હતો કે તેઓ પણ તેમના પ્રધાનમંડળના સભ્યો સાથે પોર્ન ફિલ્મ જોતા હોય છે. લક્ષ્મણ સવાડીને ૨૦૧૮માં અથાણી બેઠક પરથી ભાજપની ટિકિટ આપવામાં આવી હતી, પણ તેઓ કોંગ્રેસના મહેશ કુમથલ્લીના હાથે હારી ગયા હતા.

મહેશ કુમથલ્લી ભૂતપૂર્વ પ્રધાન રમેશ જર્કીહોલીના વફાદાર છે, જેઓ ૨૦૧૯માં ૧૬ વિધાનસભ્યો સાથે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા હતા અને તેમણે ભાજપને સરકાર રચવામાં મદદ કરી હતી. મહેશ કુમથલ્લીએ પક્ષપલટો કર્યા પછી રાજીનામું આપી દીધું હતું અને તેઓ ભાજપની ટિકિટ પર ચૂંટણી જીતીને ફરી પાછા વિધાનસભ્ય બન્યા હતા. ત્યારે લક્ષ્મણ સેવાડી વિધાનસભ્ય નહોતા તો પણ તેઓ બી.એસ. યેદિયુરપ્પાના વિશ્વાસુ હોવાથી તેમને કેબિનેટમાં લેવામાં આવ્યા હતા અને નાયબ મુખ્ય પ્રધાન પણ બનાવવામાં આવ્યા હતા. ૨૦૨૧માં યેદિયુરપ્પાએ મુખ્ય પ્રધાન તરીકે રાજીનામું આપ્યું તે સાથે લક્ષ્મણ સવાડીનું પ્રધાનપદું પણ છીનવાઈ ગયું હતું. હવે ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયેલા લક્ષ્મણ સવાડી અને કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા મહેશ કુમથલ્લી વચ્ચે અથાણીને બેઠક પરથી ચૂંટણી જંગ જામશે.

ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન લક્ષ્મણ સવાડીની જેમ ભૂતપૂર્વ વિધાનપરિષદ સભ્ય આર. શંકરને ભાજપે ટિકિટ ન આપતાં તેમણે ભાજપમાંથી રાજીનામું આપીને અપક્ષ તરીકે લડવાનો નિર્ણય કર્યો છે. આર. શંકર લોલક શંકર તરીકે જાણીતા છે, કારણ કે તેઓ વારંવાર પક્ષપલટો કરવાની આદત ધરાવે છે. ૨૦૧૮માં તેઓ નાનકડા પક્ષના વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા, પણ પાછળથી પક્ષપલટો કરીને કોંગ્રેસમાં જોડાયા હતા. ૨૦૧૯માં તેઓ ભાજપમાં જોડાયા હતા. ૨૦૧૯માં તેમને પક્ષની ટિકિટ આપવામાં નહોતી આવી પણ વિધાનપરિષદના સભ્ય બનાવવામાં આવ્યા હતા. આર. શંકરને ભાજપે ટિકિટ નકારતાં તેમણે રાજીનામું આપી દીધું છે.

ભાજપની ટિકિટ મેળવવામાં નિષ્ફળ ગયેલા કોઈ નેતા કોંગ્રેસમાં જોડાઈ જાય છે, કોઈ અપક્ષ લડવાનો ઇરાદો જાહેર કરે છે, તો કોઈને અકાળે નિવૃત્તિ લેવાની પણ ફરજ પડે છે. કર્ણાટકના વર્તમાન પ્રધાનમંડળના સભ્ય અને ૬ વખત વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા ૫૮ વર્ષના વફાદાર સભ્ય એસ. અંગારાને સુલિયા બેઠક પરથી ટિકિટ નકારવામાં આવતાં તેમણે હતાશામાં આવીને રાજકારણમાંથી નિવૃત્ત થવાની જાહેરાત કરી છે. અંગારાએ પક્ષના નેતાને વિનંતી કરી હતી કે તેઓ છેલ્લી વખત ચૂંટણી લડીને પછી નિવૃત્ત થવા માગે છે.

તેમને ટિકિટ આપવાનું આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું; પણ છેલ્લી ઘડીએ બીજા ઉમેદવારને ટિકિટ આપી દેવામાં આવી હતી. એસ. અંગારા કહે છે કે તેઓ ઇમાનદાર હતા અને તેમણે ક્યારેય ટિકિટ માટે લોબિંગ કર્યું નહોતું. કદાચ તેમની ઇમાનદારી જ તેમની ગેરલાયકાત બની ગઈ છે. રાજકીય પક્ષોની ટિકિટો પણ વેચાતી હોય છે. તેનો ભાવ કરોડોમાં હોય છે. તેમાં બેઈમાન ઉમેદવારો મેદાન મારી જતા હોય છે.

ભાજપમાં એક બાજુ ઇમાનદાર અને વફાદાર વિધાનસભ્યોની ટિકિટો કાપવામાં આવી રહી છે તો બીજી બાજુ પક્ષપલટો કરીને આવેલા ગુનાહિત ભૂતકાળ ધરાવતા ઉમેદવારોને ટિકિટો આપવામાં આવી રહી છે, કારણ કે તેઓ યેનકેનપ્રકારેણ ચૂંટણી જીતવાની તાકાત ધરાવે છે. ભાજપે ચિત્તપુર બેઠક પરથી મણિકાંતા રાઠોડ નામના ગુંડાને ટિકિટ આપી છે, જેના પર ૩૦થી વધુ ક્રિમિનલ કેસો કરવામાં આવ્યા છે. આ કેસોમાં હત્યાનો પ્રયાસ, નશાકારક દ્રવ્યોની દાણચોરી, ગેરકાયદે શસ્ત્રો ધારણ કરવા, સરકારી પુરવઠાના અનાજની ગોલમાલ, ધાકધમકી આપવી વગેરેનો સમાવેશ થાય છે. તેમણે ગયા વર્ષના નવેમ્બરમાં કોંગ્રેસના નેતા પ્રિયાંક ખડગેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. કાલાબુર્ગીના કલેક્ટરે તેમને ગયા વર્ષના સપ્ટેમ્બર મહિનામાં એક વર્ષ માટે તડીપાર કર્યા હતા, પણ તેઓ હાઈ કોર્ટમાં જઈને તેની સામે મનાઈહુકમ લઈ આવ્યા હતા.

ભાજપે મધુગિરિની બેઠક પરથી ભૂતપૂર્વ કેએએસ અધિકારી એલ. સી. નાગરાજને પક્ષની ટિકિટ આપી છે, જેમની પર ૪,૦૦૦ કરોડ રૂપિયાની પોન્ઝી સ્કિમ ચલાવવાનો કેસ ચાલી રહ્યો છે. આ કૌભાંડમાં સીબીઆઈ દ્વારા નાગરાજની ધરપકડ પણ કરવામાં આવી હતી. કોઈ પણ કૌભાંડી નેતા કે અધિકારી ભાજપમાં જોડાઈ જાય ત્યારે તેનાં બધાં પાપો માફ કરી દેવામાં આવે છે. ભાજપમાં અને કોંગ્રેસમાં હવે કોઈ તાત્ત્વિક તફાવત રહ્યો નથી. મતદારોએ પહેલાં કોંગ્રેસને દેશને લૂંટવાની તક આપી હતી; હવે ભાજપ તે તક માગી રહ્યો છે. મતદારો સમક્ષ ત્રીજો કોઈ વિકલ્પ નથી.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top