સાવલી: બોટાદ લઠ્ઠાકાંડમાં સંડોવાયેલા તમામ લિસ્ટેડ બૂટલેગરો સહિતના આરોપીઓને પકડી પાડવા માટે ગુજરાતભરની પોલીસે સફાળી ઊંઘ માથી જાગી હોય તેમ દોડતી થઈ ગઈ છે. કેમિકલ મિશ્રિત ઝેરી દારૂની અસરથી 50થી બધુ નિર્દોષો કરુણ મોત ને ભેટ્યા હતા. રાજ્ય સરકારની આબરૂનું ચીર હરણ થાય તેવા બનાવ બાદ પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું. સીટની રચના કરાતા જ તંત્ર એકશનમાં આવી ગયુ હતુ.
વડોદરા જીલ્લા પોલીસ અધિક્ષક રોહન આનંદને બાતમી મળી હતી કે બોટાદના ઝેરી લઠ્ઠાકાંડમાં સીધો સંડોવાયેલો મનાતો કુખ્યાત જટુભા લાલુભા રાઠોડ સાવલી તાલુકામાં છુપાયો છે તે સાવલી પોલિસ મથકનાં પીએસઆઈ અલ્પેશ મહીડાને સૂચનાઓ આપતા 42 ચુનંદા પોલીસ જવાનો સાથનો સ્ટાફ સતર્ક બનીને આરોપીની શોધખોળમાં લાગી ગયો હતો. હ્યુમન સર્વેલન્સ અને ટેકનિકલ સોર્સિસ ના આધારે આરોપીનું લોકેશન પરથમપુરા ગામનું મળતા પોલીસ કાફલો ધસી ગયો હતો જ્યાં રહેતો આરોપીનો સબંધી બિપીન ઉદેસિંહ રાઠોડના ઓટલા પર બેઠો હતો. ઓળખ આધારે પોલીસ ટીમે તુરંત આરોપીને દબોચી લીધો હતો.
આરોપીની અંગઝડતી લેતા ત્રણ મોબાઇલ અને રોકડ સહિત 22 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. લિસ્ટેડ બૂટલેગરની પ્રાથમિક પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસાથી પોલિસ પણ ચોકી ઊઠી હતી. સમગ્ર મામલામાં કેમીકલનો જથ્થો પુરો પાડનાર બેની ધરપકડ કરાઇ અને અન્યની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જિલ્લા એસપી સુદર્શનસિંહ વાળાએ જટુભાની ધરપકડ અંગે સમર્થન આપતાં જણાવ્યું હતું કે લિસ્ટેડ બૂટલેગરના વિરૂદ્ધમાં બરવાળા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે.જેથી પોલીસ ધરપકડ ટાળવા માટે તે સાસરીમાં પ્રથમપુરા ગામે બપોરે આવી ગયો હતો. ત્યાંથી ઝડપીને બોટાદ પોલિસને જાણ કરાતા પોલીસ દોડી આવી હતી તેમને વધુ કાર્યવાહિ અર્થે વિધિવત સોંપી દેવામાં આવ્યો હતો.