સનાતન ધર્મની રક્ષા કરવી, પ્રચાર-પ્રસાર કરવો કે ચુસ્તપણે અનુસરવો એવું માત્ર આપણા ઋષિ – મુનિઓ કે વિદ્વાનો અને બ્રાહ્મણો માટે જ નહોતું. ખરા અર્થમાં જોઇએ તો ક્ષત્રિયો, રજપૂતો અને ભારતભરના વિવિધ રાજયોના રાજાઓ પણ યશના પૂર્ણ ભાગીદાર છે. વિક્રમ સંવત પહેલાના પાંચસો વર્ષ દરમ્યાન બૌધ્ધધર્મનો એટલો બધો ફેલાવો હતો કે અડધા વિશ્વ પર બૌધ્ધધર્મીઓનો જબરદસ્ત પ્રભાવ હતો. આજે પણ તિબેટ, નેપાળ, ચીન અને જાપાન ઉપરાંત સિંગાપોર, બેંગકોક, પટાયા સુધી ફેલાયેલા આ ધર્મની મજબૂત પકડ છે.
જોકે ભારતમાં સમ્રાટ અશોકના મૃત્યુ પછીના સમયમાં જ સમ્રાટ વિક્રમાદિત્યએ સનાતન ધર્મને લોકાભિમુખ કરવા અને ભૂલાતી રહેલી સનાતન સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિનો અવિશ્વસનીય સંચાર થયેલો.. જે અગાઉ આ કોલમમાં ખૂબ વિગતવાર વાતો પ્રગટ થયેલી. સમયાંતરે ગુપ્તકાળ, મૌર્ય રાજાઓ, મરાઠા તેમજ રાજસ્થાની રાજપૂત શૂરવીરોએ પોતાની રાજયોની સાથે સનાતન ધર્મની પણ રક્ષા અને પ્રચાર-પ્રસાર પ્રત્યે કૌશલ્ય દાખવી ઇતિહાસના સુવર્ણપૃષ્ઠોમાં અંકિત થયા છે.
એવા જ એક પરમાર રાજા, પરમવિક્રમી, વિદ્વાન રાજાભોજને અહીં યાદ કરી સનાતન ધર્મ પ્રત્યેની તેમની અદ્વિતિય ભકિત, સેવા અને ઉત્તમ કાર્યોને જાણવાનો પ્રયત્ન કરવો છે. પરમાર રાજા ભોજ એવું કહેવાય છે તેમના શાસન પૂર્વે ૧૦૦૦ વર્ષ પહેલા થઇ ગયેલા વિક્રમાદિત્યના તેઓ વંશજ હતા. ભોજપ્રબન્ધ નામના ગ્રંથમાં વર્ણન મુજબ ધારાનગરીના સિન્ધુલ નામના રાજાના પુત્ર હતા. તેમની માતાનું નામ સાવિત્રીદેવી હતું.
તે પાંચ વર્ષની ઉંમરના હતા ત્યારે રાજા સિન્ધુલ બિમાર પડયા અને તેના ભાઇ મુંજની પર ભોજની જવાબદારી નાખી સ્વર્ગવાસી થઇ ગયા. મુંજ રાજય અને સત્તા હસ્તગત કરી લેવા ભોજની હત્યા કરવા ઇચ્છતા હતા તેથી બંગાળથી મિત્ર રાજા વત્સરાજને બોલાવી ભોજની હત્યા કરવાની જવાબદારી સોંપી. વત્સરાજ ભોજને દેવીના દર્શને લઇ જવાને બહાને જંગલમાં લઇ ગયા ત્યાં ભોજને ખબર પડી કે તેની હત્યા માટે તેને લાવવામાં આવેલ છે ત્યારે તેને સાથળમાં કટાર મારી રકત વડે એક શ્લોક મોટા પાન પર લખીને આપ્યો અને કહ્યું કે મારી હત્યા પછી આ શ્લોક મુંજ સુધી પહોંચાડજો.
વત્સરાજ પણ બાળક ભોજની બહાદુરી અને વિદ્વતા જોઇને હત્યા નહિ કરી તેના પોતાના મહેલમાં પહોંચાડી દઇ નકલી મસ્તક લઇ મુંજ પાસે આવ્યો અને પેલો શ્લોક પણ આપ્યો. વાંચીને મુંજને ઘણો પસ્તાવો થયો કે ભાષાના વિદ્વાન ભત્રીજા ભોજની મેં હત્યા કરાવી. તે ઘણો દુ:ખી થયો ત્યારે વત્સરાજે હકીકત જણાવી કે ભોજ હજુ જીવે છે. બાળ ભોજને મહેલમાં લાવી રાજય તેને જ સોંપી તે સંન્યાસી બની ચાલી નીકળ્યા.
ઇતિહાસના આધારે ઇ.સ. ૯૮૦ માં જન્મેલા રાજા ભોજને માત્ર ૧૫ વર્ષની કિશોરાવસ્થામાં જ રાજયાભિષેક સાથે રાજકારભાર સોંપાયેલો. બાળવયથી શૂરવીર અને જ્ઞાની રાજા ભોજે ઇ.સ. ૧૦૬૦ સુધી શાસન કર્યુ હતું. મહાપ્રતાપી, શૂરવીર, ધર્મપ્રિય, ન્યાયપ્રિય, વિદ્વાન રાજા તરીકે ખૂબ વિખ્યાત થયેલા રાજા ભોજની મુખ્ય નગરી ઉજજૈન હતી. શાસન દરમ્યાન ભોજપુર અને ભોજપાલ એમ અન્ય નગર પણ વસાવ્યા જેમા ભોજપાલ આજ ભોપાલના નામે ઓળખાય છે.
ભોપાલમાં તેમણે ખૂબ મોટા તળાવનું નિર્માણ કરાવેલું. જેનું ક્ષેત્રફળ ૨૫૦ વર્ગ માઇલથી પણ વધુ હતું. ઉજજૈનના મહાકાલેશ્વર મંદિરનું નવનિર્માણ ઉપરાંત ભોજપુરના વિખ્યાત શિવમંદિરનું નિર્માણ કરાવેલું. કેદારનાથ સિવાય પણ રામેશ્વરમ, સોમનાથ તથા મુણ્ડીર મંદિરોને પણ જીર્ણોધ્ધાર સાથે ધાર, માંડવ અને ઉજજૈનમાં સરસ્વતી મંદિરોના નિર્માણ પણ કરાવેલ. ધારનું સરસ્વતી મંદિર ખૂબ જ ખ્યાતિ પામેલું પણ મોગલકાળ દરમ્યાન મંદિર પરિસરમાં જ મસ્જીદ બનાવી દેવાતા દેવીની મૂર્તિ અંગ્રેજોએ હસ્તગત કરી લીધેલ જે આજે પણ બ્રિટનના મ્યુઝિયમમાં છે.
ગુજરાતમાં મહમુદ ગઝનવીએ ઇ.સ. ૧૦૨૫ ની આસપાસ સોમનાથને ધ્વંસ કરી દીધેલું જે સમાચાર રાજા ભોજ સુધી પહોંચતા સપ્તાહો લાગી ગયા હતા એ ઘટનાથી દુ:ખી થઇ રાજા ભોજે સન – ૧૦૨૬ માં વિશાળ સેના સાથે ગઝનવી પર હુમલો કરી દીધો. એક મહિનો ચાલેલી એ લડાઇમાં ગઝનવી તો સિંઘના રણપ્રદેશ તરફ ભાગી ગયો પણ તેના પુત્ર સાલાર મસૂદને મારી નાખી સોમનાથનો બદલો લીધો હતો. એ ઘટના પછી વારંવાર મુસ્લિમ આક્રાંતાઓએ હુમલા કર્યા પણ સમ્રાટ ભોજના શાસન દરમ્યાન કયારેય ફાવ્યા નહોતા.
સન ૧૦૧૦ થી ૧૦૫૫ સુધીના કેટલાંય તામ્રપત્ર, શિલાલેખ અને મૂર્તિલેખ મળી આવેલ છે જેના થકી જાણવા મળતી માહિતી મુજબ હિમાલયથી માંડી ઉત્તરભારત, મધ્યભારત, રાજસ્થાન તથા દક્ષિણના કેટલાક રાજયો સુધી રાજા ભોજનું શાસન ફેલાયેલુ હતું. તેલંગ રાજય નાનું હતુ પણ ત્યાંનો રાજા ગાંગેવ પહેલા રાજા ભોજનો સમર્થક હતો પણ રાજય મેળવી લેવાની લાલસાથી ઉજજૈન પર ચઢાઇ કરી પણ સમ્રાટ રાજા ભોજની વિશાળ સેના સામે હારી ગયો ત્યારથી એક કહેવત પણ અસ્તિત્વમાં આવી કે ‘ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગેવ તેલંગ’ જે અપભ્રંશ થતા ‘ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગુ તૈલી’ થઇ ગઇ.
સમ્રાટ રાજા ભોજ એક સફળ રાજવી હોવા સાથે કાવ્યશાસ્ર, સાહિત્ય અને વ્યાકરણના ખૂબ જાણકાર વિદ્વાન હોવા ઉપરાંત ધર્મ, જયોતિષ, આયુર્વેદ,વાસ્તુ – શિલ્પશાસ્ત્ર, વિજ્ઞાન, કલા, નાટયશાસ્ત્ર, સંગીતકલા, યોગશાસ્ત્ર વગેરેમાં નિપુણ હતા. એક માન્યતા મુજબ ૬૪ પ્રકારની સિધ્ધિ પ્રાપ્ત કર્યા બાદ વિવિધ વિષયો પર ૮૪ ગ્રંથો લખ્યા હતા પણ દુર્ભાગ્યે આજે ૨૧ જેટલા ગ્રંથો વિવિધ સ્થળે સચવાયેલા છે. સમરાંગણ સૂત્રધાર, સરસ્વતી કંઠાભરણ, સિધ્ધાંત સંગ્રહ, રાજકાર્તંડ, યોગ્ય સૂત્રવૃત્તિ, વિદ્યાવિનોદ, યુકિત કલ્પતરુ, ચારુ ચર્ચા, આદિત્ય પ્રતાપ સિધ્ધાંત, આયુર્વેદ સર્વસ્વ શૃંગારપ્રકાશ, પ્રાકૃત વ્યાકરણ, કૂર્મશતક, શૃંગારમંજરી, ભોજચમ્પુ, કૃત્ય કલ્પતરુ, તત્વપ્રકાશ, શબ્દાનુશાસન, અને ચમ્પુ રામાયણ જેવા કેટલાંય ગ્રંથોની રચના સાથે ભોજ પ્રબંધનમ નામની આત્મકથા પણ લખી હતી.
તેના રાજયમાં ૫૦૦ થી વધુ વિદ્વાનો રાજયસભા શોભાવતા હતા જેમાં પણ વિશેષ નવરત્ન સમાન નવ વિદ્વાનો મુખ્ય સહાયક રહ્યા હતા. તેમણે તેના કેટલાંક ગ્રંથોમાં જાતજાતના યંત્રો બનાવવા સાથે વિમાન બનાવવાની ટેકનીકનું વિસ્તૃત વર્ણન પણ કરેલું મળે છે. તો નાવથી માંડી મોટા જહાજ બનાવવાની વિધિ વિસ્તારપૂર્વક જણાવી છે. રોબોટ ટેકનીક પર તેણે જે કામ કર્યુ છે તે એક હજાર વર્ષ પૂર્વે કેવી રીતે શકય છે તેવા વિચારમાત્રથી આપણે તેની મહાનતા સ્વીકારવી પડે. અસંભવ લાગે તેવી તેની સફળતા અને ગ્રંથો પર વિશ્વરભરની અનેક યુનિવર્સિટીના સંશોધકો આજે પણ શોધકાર્ય કરી રહ્યાં છે.
માત્ર બત્રીસ પૂતળીના સિંહાસન સાથે જોડાયેલી રાજા ભોજની વાતથી આપણે પરિચિત છીએ. અહિં સ્થળસંકોચને કારણે માત્ર સંક્ષિપ્ત વાતો કરી છે પણ ભારતીય સંસ્કૃતિ, સનાતન ધર્મના ઉધ્ધારક અને અનેક ગુણસંપન્ન સમ્રાટ રાજા ભોજને વધુ નજીકથી જાણવા કયાંય પણ તેનું સાહિત્ય મળે તો જરૂરથી વાંચજો. રાજા ભોજના શાસનકાળના અંતિમ વર્ષો દરમ્યાન ગુજરાતના ચાણુકય રાજાઓએ ચેદિ નરેશ સાથે સંયુકત સેનાઓ દ્વારા ઉજજૈન પર ઇ.સ. ૧૦૬૦ માં હુમલો કરતા રાજા ભોજને પરાજય સહન કરવો પડયો હતો. થોડા જ સમયમાં તેમનું મૃત્યુ થયું હતું. બત્રીસ પૂતળીવાળા વિક્રમાદિત્યના સિંહાસન સાથે જોડાયેલી રાજા ભોજની વાતો ઘણી લાંબી છે. સ્થળ સંકોચને કારણે સમાવવું શકય નથી. અસ્તુ….