Vadodara

સમાના ફાયનાન્સરે નાણાં લેવા માટે આવેલી યુવતીને ગર્ભવતી બનાવીને તરછોડી દીધી

વડોદરા: યુવતીની ફરિયાદના આધારે પોલીસે બળાત્કારનો ગુનો નોંધીને યુવકની ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી. શહેરના ઓપી રોડ વિસ્તારમાં રહેતી યુવતીને લગ્નની લાલચ આપી ફાયનાન્સર યુવકે યુવતી સાથે અવાર નવાર દુષ્કર્મ કરતાં યુવતીએ બાળકને જન્મ આપ્યો હતો. ત્યારબાદ યુવકે લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો હતો. આ યુવકે પોતાની પત્ની સાથે છુટાછેડા આપી દેશે તેમ જણાવી યુવતીને લગ્નની લાલચ આપી હતી. યુવતીની ફરિયાદના આધારે પોલીસે બળાત્કારનો ગુનો નોંધીને યુવકની ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી હતી.

પોલીસ સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ શહેરના ઓપી રોડ વિસ્તારમાં રહેતી યુવતીના પિતાને વર્ષ 2013માં મકાનના રિનોવેશન માટે લોનની જરુર પડતાં ફતેગંજ વિસ્તારમાં એમ.એમ.ગૃપ નામથી ફાયનાન્સનો ધંધો કરતા મુળ પંજાબના રાકેશ ગોપાલદાસ શર્મા (રહે, આંગન ફ્લેટ , સલારામ મંદિર પાસે, સમા) નો યુવતી અને તેના પિતાએ સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા થઇ હતી. રાકેશ શર્માએ 2013થી 2012 સુધી યુવતીને લગ્નની લાલચ આપી તેની સાથે અવાર નવાર દુષ્કર્મ કર્યું હતું.  આ ઉપરાંત રાકેશ મકરપુરા, જી.આઇ.ડી.સી.માં પ્રખર ઇન્ડસ્ટ્રીયલ પ્રા. લી. કંપની પણ ચલાવે છે.

તેમજ રાકેશ ગોપાલદાસ શર્મા સાથે તેની પત્ની પણ ટ્રાવેલીંગનો વ્યવસાય કરે છે. 12 ધોરણ ભણેલા રાકેશના સસરા આર્મીમાં હોવાથી અને તેઓ પણ વડોદરામાં પોસ્ટીંગ ધરાવતા હોવાથી રાકેશ પણ 2003માં પત્ની સાથે વડોદરા આવી ગયો હતો અને પતિ-પત્ની ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીમાં સાથે નોકરી કરતા હતા અને તેના 1 વર્ષ પછી ફાયનાન્સનો ધંધો શરુ કર્યો હતો. આ દરમિયાન રાકેશ ટ્વીન્સ બાળકોનો પિતા પણ છે. જોકે રાકેશ પરિણીત હોવા છતાં તેણે યુવતીને પોતે તેની પત્ની સાથે છુટાછેડા લઇ લેશે તેમ જણાવી લગ્નની લાચ આપી હતી. રાકેશે યુવતીને તેની પત્ની તરીકે રાખી હતી અને બંને સાથે રહેતા હતા.

2020ના એપ્રિલ માસમાં યુવતી ગર્ભવતી થયા બાદ તેણે પુત્રને જન્મ આપ્યો હતો. રાકેશ તે પહેલાં બિઝનેસ સેટ કરવાના બહાને પંજાબ જતો રહ્યો હતો. પણ ત્યારબાદ પુત્રનો જન્મ થતાં યુવતી પાસે વડોદરા આવ્યો હતો. યુવતીએ તેને લગ્નની વાત કરતાં રાકેશ ઉશ્કેરાયો હતો અને લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો હતો. રાકેશે યુવતીને પત્ની તરીકેનો દરજ્જો નહી આપીને તેની સાથે ઝઘડો કર્યો હતો અને યુવતી તથા તેના બાળકને મારી નાખવાની ધમકી આપી હતી. તથા પરિવારને પણ બદનામ કરવાની ધમકી આપી હતી. યુવતીએ આ મામલે જેપી પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બળાત્કારની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી. તપાસ દરમિયાન પોલીસે રાકેશ શર્માની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top