Business

લો બોલો, કંપનીના જ કર્મચારીએ FBની ખોલી પોલ!

ફરી એક વખત ફેસબુક ખોટા કારણોસર ન્યૂઝમાં છે. કંપનીની એક ભૂતપૂર્વ કર્મચારીએ વ્હિસલ બ્લોઅર બનીને આરોપ મૂક્યો છે કે, ફેસબુકની નીતિઓ તેના વપરાશકર્તાઓના હિતો અને સલામતીને અવગણી રહી છે. વ્હિસલ બ્લોઅરનો  દાવો છે કે આ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ સામાજિક વિભાજનને પ્રોત્સાહન આપી રહ્યું છે, બાળકો પર ખરાબ અસર પડી રહી છે અને ફેસબુક તેનું સામાજિક દાયીત્વ ભૂલીને આ બધું એક કંપની તરીકે અવગણે છે!

પહેલાં સમજીએ કે દાવાઓ શું છે?

વ્હીસલ બ્લોઅર તરીકે બહાર આવેલી આ કર્મચારીનું નામ ફ્રાન્સિસ હોગન છે. તેમણે અમેરિકન ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘‘ફેસબુક હંમેશાં તેના વપરાશકર્તાના હિતો કરતાં પોતાના હિતને પ્રાથમિકતા આપે છે. ઈન્ટરવ્યૂમાં ફ્રાન્સિસ હોજેને કહ્યું હતું કે, ફેસબુકે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી પછી તેના ઘણા સુરક્ષા ફીચર્સને હટાવી દીધા હતા, જે સીધા તેના યુઝર્સની સુરક્ષા સાથે ચેડા કરે છે.’’ ફ્રાન્સિસના મતે આ નિર્ણય લોકશાહી સાથે વિશ્વાસઘાત છે.

આ ઇન્ટરવ્યૂમાં હોજેને વધુમાં કહ્યું હતું કે, ફેસબુકનું પોતાનું રિસર્ચ જ એવું જણાવે છે કે, જે સામગ્રી નફરત પેદા કરે છે, વિભાજનકારી છે, ધ્રુવીકરણ કરી શકે છે, લોકોને ઉશ્કેરે છે, વેચવામાં સરળ છે. ફેસબુક સમજી ગયું છે કે જો સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેના અલ્ગોરિધમ્સમાં ફેરફાર કરશે તો લોકો FB પર ઓછો સમય પસાર કરશે. તેઓ ઓછી જાહેરાતો પર ક્લિક કરશે, જેનાથી કંપનીને ઓછા પૈસા મળશે. તેથી જ ફેસબુકે તેના વપરાશકર્તાઓની સલામતી અને તેના નફા વચ્ચે નફાને પસંદ કર્યો છે.

હોગને ફેસબુક પર બીજો ગંભીર આરોપ એ લગાવ્યો છે કે, ફેસબુક અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ આ વર્ષે જાન્યુઆરીમાં રાજધાની વોશિંગ્ટનમાં થયેલાં રમખાણોમાં પણ સંકળાયેલું હતું. કંપનીના સંશોધનને ટાંકીને ફ્રાન્સિસે કહ્યું હતું કે, ઇન્સ્ટાગ્રામ યુવાન મહિલાઓમાં ચિંતા અને હતાશા વધારી રહ્યું છે. તે ઘણાં પ્રકારની ફૂડની કુટેવનું કારણ પણ બની રહ્યું છે. લોકો બેચેનીથી ધ્યાન હટાવવા માટે ઇન્સ્ટાગ્રામ પર વધુ સમય પસાર કરી રહ્યાં છે. તે એક પ્રકારનું દુષ્ટચક્ર છે.

હોગન વધુમાં કહે છે કે, ફેસબુકે તેના પ્લેટફોર્મ પર ખોટી માહિતીને સાફ કરવાના પ્રયાસ માટે સિવિલ ઈન્ટીગ્રિટી યુનિટ બંધ કરી દીધું છે. હોગન આ યુનિટમાં પ્રોડક્ટ મેનેજર હતાં. તેના કહેવા મુજબ, તેણે ફેસબુકની નીતિઓથી નિરાશ થઈને આ વર્ષની શરૂઆતમાં કંપની છોડી દીધી હતી અને હવે તે તેના વિશે જાહેરમાં બોલી રહી છે. હોજેને મંગળવારે સેનેટ ફાઇનાન્સ સબ કમિટી સમક્ષ લેખિતમાં જુબાની આપી હતી. આ જુબાનીમાં તેણે કહ્યું કે, ‘‘જ્યારે અમને સમજાયું કે તમાકુ કંપનીઓ તેનાથી થતાં નુકસાનને  છુપાવી રહી છે, ત્યારે સરકારે કાર્યવાહી કરી. જ્યારે આપણને લાગ્યું કે સીટ બેલ્ટથી કાર સુરક્ષિત છે ત્યારે સરકારે કાર્યવાહી કરી. હું તમને વિનંતી કરું છું કે અહીં પણ આવું કરો’’ (એટલે કે ફેસબુકના કિસ્સામાં).

ફેસબુક સહિત કંપનીના અન્ય સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ સોમવારે સાંજે કેટલાક કલાકો સુધી બંધ રહ્યા હતા. હોજેને US સેનેટરોની પેનલ સામે પણ આ અંગે ટિપ્પણી કરતા કહ્યું હતું કે, સારું થયું પાંચ કલાક આ સોશ્યલ મીડિયા બંધ રહ્યા પરિણામે આ પાંચ કલાક તેનો ઉપયોગ સમાજનું ધ્રુવીકરણ, લોકશાહીને અસ્થિર કરવા અને યુવતીઓને તેમના શરીર વિશે ખરાબ મહેસૂસ કરાવવામાંથી છૂટકારો મળ્યો!

આ સમિતિમાં બીજું શું શું ડિસ્કસ થયું?

અહેવાલો અનુસાર, આ બેઠકમાં ફેસબુકના પ્રતિનિધિઓ અને સેનેટરો બંને દ્વારા કાનૂની સુધારાની માગ કરવામાં આવી છે. પેનલના ચેરમેન ડેમોક્રેટ સેનેટર રિચાર્ડ બ્લુમેન્થલે કહ્યું હતું કે, ફેસબુકના ઉત્પાદનો વ્યસનકારક છે અને માર્ક ઝુકરબર્ગે જુબાની આપવા માટે સમિતિ સમક્ષ હાજર થવું જોઈએ. તમને જણાવી દઈએ કે, માર્ક ઝુકરબર્ગ આ મીટિંગમાં આવ્યા ન હતા. બેઠકમાં ચર્ચા બાદ અલગ અલગ કમિશનને ફેસબુકની તપાસ કરવાની સૂચના આપવામાં આવી હતી.

સામે આ વિશે ઝુકરબર્ગે શું કહ્યું?

ફેસબુકના વડા માર્ક ઝુકરબર્ગે પણ ફ્રાન્સિસ હોજેનના દાવા પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કંપનીના કર્મચારીઓ માટે એક પોસ્ટ મૂકી છે. પોસ્ટમાં તેણે ફ્રાન્સિસના આરોપોને નકાર્યા છે. આ પોસ્ટમાં ઝુકરબર્ગ લખે છે કે, ‘‘ઘણા આરોપો અર્થ વગરના છે. અમે  સંશોધન કર્યાં પછી તેની અવગણના કરવાના હતા તો શા માટે આ અગત્યના મુદ્દાઓને સમજવા માટે ઉદ્યોગ લીડિંગ સંશોધન કાર્યક્રમ બનાવ્યો? જો ખરેખર અમે સંશોધનનાં પરિણામો છુપાવવા માગતા હોત તો અમે જે કરી રહ્યાં છીએ તેનાં પર પારદર્શિતાનાં ધારા-ધોરણો નક્કી જ કર્યાં ના હોત! અમારા જેવી અન્ય કોઈ કંપનીની તુલનામાં અમે આવા મુદ્દાઓની ચિંતા વધુ કરીએ છીએ અને જો સોશ્યલ મીડિયા સમાજના ધ્રુવીકરણ માટે જવાબદાર છે અને અમેરિકામાં ધ્રુવીકરણમાં વધારો થઈ રહ્યો છે એવો કેટલાક લોકો દાવો કરે છે તો વિશ્વભરમાં સોશ્યલ મીડિયાના ભારે ઉપયોગ વચ્ચે ધ્રુવીકરણ કેમ ઘટી રહ્યું છે?’’

તેણે વધુમાં લખ્યું છે કે, ‘‘આ આરોપોના મૂળમાં એવું કહેવામાં આવ્યું છે કે અમે (લોકોની) સલામતી અને સુખાકારી કરતાં નફાને વધુ પ્રાધાન્ય આપીએ છીએ. આ સરાસર જૂઠ છે. અમે ‘મિનિંગફુલ સોશ્યલ ઈન્ટરેકશન’ શરૂ કર્યું છે. આ ફીચરથી  વાયરલ વીડિયો ઓછા અને ફ્રેન્ડ-ફેમિલી અપડેટ્સ વધુ જોવા મળી રહ્યા છે. અમે જાણતા હતા કે આનો અર્થ એ થશે કે લોકો ફેસબુક પર ઓછો સમય પસાર કરશે પરંતુ અમારાં સંશોધનોએ સૂચવ્યું કે તે લોકોની સુખાકારી માટે છે. શું તમને એ નફા રળવા માટે કેન્દ્રિત લાગે છે?’’

આ ઉપરાંત નફરત ફેલાવતા અને ભડકાઉ કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાના આરોપ પર માર્કે જવાબ આપતાં લખ્યું છે કે, ‘‘આ આરોપ બિલકુલ તાર્કિક નથી. અમે જાહેરાતોમાંથી પૈસા કમાઈએ છીએ અને જાહેરાતકર્તાઓ સતત અમને કહે છે કે તેઓ નથી ઈચ્છતા કે તેમની જાહેરાતો હાનિકારક અથવા ગુસ્સાવાળી કન્ટેન્ટ સાથે બતાવવામાં આવે. હું ખાસ કરીને બાળકો સાથેના અમારા કામ અંગે ઊભા થયેલા પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરું છું. મેં મારા બાળકો અને અન્ય લોકોના અનુભવોને ઓનલાઈન પ્રતિબિંબિત કરવા માટે ઘણો સમય પસાર કરી તેને સમજવાની કોશિશ કરી છે. અમારો હેતુ એટલો જ છે કે આપણે જે પણ બનાવીએ છીએ તે બાળકો માટે સલામત અને સારું હોવું જરૂરી છે.’’ ઝુકરબર્ગે કહ્યું કે તેઓ નથી માનતા કે ખાનગી કંપનીઓએ પોતાના તમામ નિર્ણયો લેવા જોઈએ. આ માટે ચૂંટાયેલી સરકારે પણ આગળ આવવું જોઈએ. ફેસબુકના સ્થાપકે કહ્યું કે, તેઓ વર્ષોથી ઇન્ટરનેટને નિયંત્રિત કરતા નિયમોને અપડેટ કરવાની વાત કરી રહ્યા છે.

આ સંદર્ભે તેમણે ચૂંટણી, હાનિકારક સામગ્રી, ગોપનીયતા અને સ્પર્ધા સંબંધિત અનેક સૂચનો દર્શાવ્યાં હોવાનો દાવો કર્યો છે. ઉદાહરણ તરીકે, યુવાનોએ ઈન્ટરનેટ સેવાઓનો ઉપયોગ કરવા માટે યોગ્ય ઉંમર શું છે, ઈન્ટરનેટ પ્રદાતાઓએ લોકોની ઉંમર કેવી રીતે ચકાસવી જોઈએ અને માતા-પિતાએ કેવી રીતે તેમનાં બાળકોને ઈન્ટરનેટનું એક્સેસ આપીને તેમની પ્રાઇવેટ બાબતોને સંતુલિત કરવી જોઈએ? વગેરે વિષયો પર સરકારે પણ જવાબદારી ઉઠાવવી જોઈએ.

Most Popular

To Top