GANDHINAGAR : ગુજરાત હાઈકોર્ટની સ્થાપનાનાં 60 વર્ષ પૂર્ણ થવાની યાદગીરી સ્વરૂપે એક પોસ્ટેજ સ્ટેમ્પ (ટપાલ ટિકિટ)નું નવી દિલ્હીથી વિડીયો કોન્ફરન્સ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનાવરણ કર્યુ હતું.
આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લાં 60 વર્ષના સમયગાળા દરમિયાન ભારતીય ન્યાય વ્યવસ્થા અને ભારતીય લોકશાહીને મજબૂત બનાવવા માટે પોતાની કાયદાકીય સમજણ, વિદ્વતા અને બૌદ્ધિકતા સાથે કરેલા પ્રદાન બદલ હાઈકોર્ટ અને બારના વખાણ કર્યા હતા. બંધારણના મૂલ્યોને જીવંત રાખવા માટે ન્યાયતંત્રએ એની જવાબદારી સુપેરે અદા કરી છે. ન્યાયતંત્રએ સકારાત્મક અને રચનાત્મક રીતે ભારતીય બંધારણનું અર્થઘટન કરીને એને હંમેશા મજબૂત કર્યું છે. ન્યાયતંત્રએ નાગરિકોના અધિકારો અને સ્વતંત્રતાના ક્ષેત્રોમાં એની ભૂમિકા ભજવીને કાયદાના શાસનને સ્થાપિત કરવા અને એને જાળવવાની કામગીરી પણ કરી છે.
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, “દુનિયાની તમામ સુપ્રીમ કોર્ટ વચ્ચે આપણી સુપ્રીમ કોર્ટ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સૌથી વધુ કેસોની સુનાવણી કરે છે એ આપણા બધા માટે ગર્વની વાત છે.”
કેસોના ઇ-ફાઇલિંગ, કેસો માટે યુનિક આઇડેન્ટિફિકેશન કોડ અને ક્યુઆર કોડ દ્વારા સરળતાપૂર્વક ન્યાય મેળવવાની વ્યવસ્થાને નવું પાસું મળ્યું હતું, જે નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રિડની સ્થાપના તરફ દોરી ગયું છે. આ ગ્રિડથી વકીલો અને ફરિયાદીઓને તેમના કેસ વિશે જાણકારી મેળવવામાં મદદ મળશે.
ન્યાયિક પ્રક્રિયાની આ સરળતા જીવનની સરળતામાં વધારો કરવાની સાથે વેપારવાણિજ્યની સરળતામાં પણ વધારો થયો છે, કારણ કે વિદેશી રોકાણકારોને તેમના ન્યાયિક અધિકારોની સલામતી વિશે વધારે ખાતરી મળી છે. વિશ્વ બેંકે પણ નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રિડની પ્રશંસા કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત હાઈકોર્ટની હિરક જયંતિની ઉજવણી પ્રસંગે સંબોધન કરતાં કહ્યું કે, બૃહદ મુંબઈમાંથી ગુજરાત રાજ્ય અલગ થયું ત્યારે ઘણા લોકોના મનમાં શંકા હતી કે ખારપાટ, બંજર જમીન અને આવડો મોટો દરિયાકાંઠો એ સિવાય ગુજરાત પાસે કાંઇ નથી, એ ગુજરાત કરશે શું? પરંતુ ગુજરાતીઓની સૂઝબૂઝ અને સ્વબળ થકી એ જ ગુજરાત આજે દેશમાં વિકાસનું રોલ મોડલ પ્રસ્થાપિત થયું છે. તેમણે કહ્યું કે, વિકાસનો આધાર કાયદો વ્યવસ્થા અને ન્યાયતંત્ર પર રહેલો છે ગુજરાતમાં ન્યાયપ્રણાલી દ્વારા ઊભી કરાયેલી સુદ્રઢ વ્યવસ્થાઓએ રાજ્યના શાંતિપૂર્ણ વિકાસમાં મહત્વનો ભાગ ભજવ્યો છે. રાજ્યમાં શાંતિ સલામતી અને સુલેહ જાળવવા સરકાર હંમેશા કૃતનિશ્ચયી રહી છે. નિર્દોષને દંડ ન થાય અને દોષિત બચી ન જાય તે આપણા સૌનો ધ્યેય રહ્યો છે તેમાં પણ ન્યાયપાલિકાનો સહયોગ મળી રહ્યો છે.