એક શેઠ બીમાર થયા અને લગભગ મરણપથારી એ હોય એવું તેમને લાગી રહ્યું હતું એટલે અંતે હવે પોતાના કર્મો સુધારી લેવાનું વિચાર્યું. તેમણે પોતાના મુનીમજીને બોલાવીને કહ્યું, ‘મુનીમજી આપણું લેણું કેટલું છે? અને એમાં નહીં આપી શકતા ગરીબ લોકો કેટલા છે? એ મને કાલે જણાવો.’
બીજા દિવસે મુનીમજીએ હિસાબો જોઇ લેણદારોનું લિસ્ટ બનાવ્યું અને શેઠને આપ્યું.
શેઠે પૂછયું, ‘કેટલુ લેણું નીકળે છે?’
મુનીમજીએ કહ્યું, ‘લગભગ 1 લાખ રૂપિયા જેટલું છે.’
‘એમાં ગરીબો કેટલા છે?’ શેઠે કહ્યું.
‘શેઠ, આ બધા ગરીબો જ છે.’ મુનીમે કહ્યું.
‘હા, તો એ બધાનું લેણું માફ કરી દો અને દરેકને મારી સામે બોલાવીને કહી દો કે તમારો પૈસો જોઇતો નથી’ શેઠે કહ્યું. પછી બધા લેણદારોને બોલાવ્યા. એક પછી એક બધા શેઠ સમક્ષ આવતા ગયા. બધાનું લેણું શેઠ માફ કરતા ગયા. ચોપડામાં માફ કર્યાનું લખાવતા ગયા અને બધા ગરીબો આ જાણી રાજી થયા. શેઠને દુઆ આપવા માંડયા, ‘ભગવાન તમારું ભલું કરે.’
શેઠે લાખ રૂપિયા માફ કર્યા પણ અનેક ગરીબોની દુઆઓ લઇ રાજી થયા. શેઠને શાંતિ થઇ કે હવે હું મરીશ તો ય મારો આત્મા ખુશ રહેશે. મારા આત્માને શાંતિ મળશે. શેઠના મોંઢા ઉપર અપાર આનંદ અને સંતોષ હતો. અનેક ગરીબોનું દેવું માફ થતા ગરીબોએ શેઠને ખૂબ ખૂબ દુઆઓ હૃદયપૂર્વક આપી. શેઠ સાજા થઇ જાય એવી પ્રાર્થના પણ કરી. પછી 2 દિવસમાં શેઠની તબિયત સુધરવા માંડી અને શેઠ સાજા થઇ ગયા. શેઠને આ ઘટના તો ભગવાનના ચમત્કાર સમી લાગી.
શેઠે પોતાના સ્વજનોને બોલાવીને કહ્યું, ‘હું ઘણું કમાયો, રૂપિયા ભેગા કર્યા પણ આ ગરીબોનું લેણું માફ કરી જે દુઆ કમાયો એવી કમાણી મારા જીવનમાં એકેય નથી. એ દુઆ કરોડો રૂપિયા ખર્ચતા ય ના મળે.’ શેઠના પુત્રો પણ શેઠની આ વાતથી રાજી થયા અને પોતે પણ આ વાત જીવનમાં પાળવાની ખાતરી આપી. ત્યાર બાદ થોડા દિવસ પછી શેઠ પરમ ધામમાં પહોંચી ગયા. આ ઘટના દર્શાવે છે કે સાચો ધર્મ તો દયા અને કરુણા છે. દયા ધર્મનું મૂળ છે. જરૂરતમંદને સહાય કરવી, મદદ કરવી અને તેમના પર કરુણા રાખવી એ જ સાચો ધર્મ છે.