Columns

આધુનિક યુદ્ધકળામાં સસ્તાં પણ ઘાતક ડ્રોનની ભૂમિકા બહુ મહત્ત્વની બની ગઈ છે

યુદ્ધની આધુનિક ટેકનોલોજીના ક્ષેત્રમાં જે રીતે મિસાઈલના ઉપયોગથી મોટી ક્રાંતિ આવી હતી તેના કરતાં પણ વધુ મોટી ક્રાંતિ ડ્રોનના ઉપયોગથી આવી ગઈ છે. કેટલાક હજાર ડોલરના ખર્ચે તૈયાર કરવામાં આવેલા ડ્રોનનો ઉપયોગ કરીને લાખો ડોલરના ખર્ચે તૈયાર કરવામાં આવેલાં ફાઇટર જેટનો નાશ કરી શકાય છે અને દુશ્મન દેશના લક્ષ્યાંકો ઉપર ત્રાટકી પણ શકાય છે. તેમાં પણ રશિયા સામેના યુદ્ધમાં તાજેતરમાં યુક્રેને જે ખૂબીપૂર્વક ડ્રોનનો ઉપયોગ કર્યો તે જોઈને આખી દુનિયા દંગ રહી ગઈ છે.

આજ દિન સુધી ઈઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદ આવાં પરાક્રમો માટે વિખ્યાત હતી પણ હવે તેનું સ્થાન યુક્રેનની લશ્કરી ગુપ્તચર એજન્સી SBU દ્વારા લઈ લેવામાં આવ્યું છે. ૧ જૂન, ૨૦૨૫ ના રોજ, ૧૦૦ થી વધુ યુક્રેનિયન ડ્રોન દ્વારા રશિયાની અંદર હવાઈ દળનાં થાણાંઓ પર હુમલો કરવામાં આવ્યો, જેમાં પરમાણુ શસ્ત્રો વહન કરવામાં સક્ષમ લાંબા અંતરના રશિયન બોમ્બરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. મિડિયામાં લીક થયેલી માહિતી અનુસાર ડ્રોનને લાકડાની કેબિનમાં છુપાવેલા ટ્રકો દ્વારા રશિયા પહોંચાડવામાં આવ્યા હતા.

આ ડ્રોન રિમોટ વડે સંચાલિત છત નીચે છૂપાવાયેલાં હતાં. આ ટ્રકોને એરપોર્ટ પર લઈ જવામાં આવી હતી, જેના ડ્રાઇવરોને કદાચ ટ્રકમાં રહેલા વિનાશક માલની વાસ્તવિકતાનો કોઈ ખ્યાલ નહોતો. એક વાર ત્યાં પહોંચ્યા પછી રિમોટ કન્ટ્રોલ વડે સેંકડો ડ્રોન લોન્ચ કરવામાં આવ્યાં હતાં અને લક્ષ્યો તરફ મોકલવામાં આવ્યાં હતાં. આ ડ્રોન હુમલામાં રશિયાનાં ૪૦થી વધુ ફાઇટર જેટને સખત નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.

આ ઓપરેશનનું નિરીક્ષણ કરી રહેલા યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે આ બહાદુરીભર્યા હુમલામાં ૧૧૭ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેની તૈયારીમાં એક વર્ષ, છ મહિના અને નવ દિવસ લાગ્યા હતા. તાજેતરના સમયમાં આ બીજી વખત છે જ્યારે યુદ્ધમાં ડ્રોનના ઉપયોગની ચર્ચા થઈ રહી છે. અગાઉ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષ દરમિયાન ડ્રોન યુદ્ધ વિશે ઘણી ચર્ચા થઈ હતી. ઘણા વિશ્લેષકોના દાવા મુજબ આ સંઘર્ષના એક નવા યુગની શરૂઆત છે, જેને ડ્રોન યુગ કહી શકાય. આ યુગમાં ડ્રોન વગેરે માનવરહિત શસ્ત્રો યુદ્ધભૂમિની સ્થિતિ અને દિશા નક્કી કરશે.

રશિયાના વધતા હુમલાઓ વચ્ચે, યુક્રેને ૧ જૂને રશિયા વિરુદ્ધ ઓપરેશન સ્પાઈડર વેબ શરૂ કર્યું હતું. આને રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી ઘાતક હુમલો ગણાવવામાં આવી રહ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે યુક્રેન છેલ્લા ૧૮ મહિનાથી આ ઓપરેશનની તૈયારી કરી રહ્યું હતું. SBU દ્વારા લીક થયેલી માહિતીમાં ખુલાસો થયો છે કે નાના ડ્રોન ગુપ્ત રીતે રશિયામાં પહોંચાડવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેને હજારો માઇલ દૂર ચાર અલગ અલગ સ્થળોએ લઈ જવામાં આવ્યાં અને નજીકના લશ્કરી એરબેઝ પર રિમોટલી લોન્ચ કરવામાં આવ્યાં હતાં. ખાસ કરીને, જે રીતે ડ્રોનને રશિયામાં લઈ જવામાં આવ્યાં અને પછી સેટેલાઇટ અથવા ઇન્ટરનેટ લિંક્સ દ્વારા રિમોટ વડે ચલાવવામાં આવ્યા તે અસાધારણ હતું.

આંતરરાષ્ટ્રીય બાબતોના નિષ્ણાત ડૉ. સ્વસ્તિ રાવ કહે છે કે ભારત અને અન્ય દેશો જે પોતાની ડ્રોન સિસ્ટમ વિકસાવી રહ્યા છે તેઓ આ ઓપરેશનમાંથી ઘણી બધી બાબતો શીખી શકે છે. ઓપરેશન સ્પાઇડર વેબ દર્શાવે છે કે ભવિષ્યમાં લડવામાં આવનારાં યુદ્ધોનું સ્વરૂપ કેવું હશે. ઉદાહરણ તરીકે, નાના દેશો ટેકનોલોજી અને નવી વૈજ્ઞાનિક શોધોની મદદથી મોટા અને શક્તિશાળી દેશોનો સામનો કેવી રીતે મજબૂતીથી કરી શકે છે. આવી સ્થિતિમાં ભારતે આ દિશામાં પોતાનાં પગલાં ઝડપી બનાવવાં પડશે.

થોડા દિવસો પહેલાં જ ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે સંરક્ષણ ખરીદી પ્રોજેક્ટમાં વિલંબ પર ઊંડી નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેમની જાણકારી મુજબ, અત્યાર સુધી એક પણ પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થયો નથી. ભારતના ડ્રોન મિશનમાં ચોક્કસપણે સુધારો થયો છે, પરંતુ જો આપણે વિશ્વમાં સ્થાપિત ઉચ્ચ ધોરણો પર નજર કરીએ તો આપણે સ્પર્ધામાં નથી.

પાકિસ્તાન સાથેના તાજેતરના સંઘર્ષમાં ભારતે ચીન અને તુર્કીના ડ્રોનને સફળતાપૂર્વક તોડી પાડ્યાં હતાં, પરંતુ તે નિમ્ન સ્તરનાં ડ્રોન હતાં. આવી સ્થિતિમાં, જો કોઈ હાઇ-ટેક ડ્રોન આપણા પર હુમલો કરે તો મોટા નુકસાનની શક્યતા છે. યુક્રેનના આ ઓપરેશનની ખૂબ ચર્ચા થઈ રહી છે, કારણ કે યુક્રેન પાસે ન તો યોગ્ય વાયુસેના છે કે ન તો નૌકા સેના. તેમણે એવી ડ્રોન સિસ્ટમ વિકસાવી છે, જેણે વિશ્વની બીજી મજબૂત લશ્કરી શક્તિને નુકસાન પહોંચાડ્યું છે.

આ ઓપરેશનથી સાબિત થયું કે ઓછી કિંમતનાં ઓપન-સોર્સ ડ્રોનની સિસ્ટમ્સ અબજો ડોલરના ખર્ચે ઉત્પાદન કરવામાં આવેલાં સંરક્ષણ સાધનોને અસરકારક રીતે નાશ કરવાની ક્ષમતા ધરાવે છે. યુક્રેન તેનાં લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે AI સિસ્ટમ્સનો ઉપયોગ કરતું હતું, જેનાથી તે ડ્રોનથી ચોક્કસ હુમલા કરી શક્યું હતું. યુક્રેન એ પણ સુનિશ્ચિત કરતું હતું કે રશિયા ઉપરના હુમલામાં ઉપયોગમાં લેવાતાં ડ્રોન જેવાં સાધનો અથવા તેમની લોન્ચ સિસ્ટમ્સ રશિયાનું રડાર તંત્ર પારખી ન શકે. આ કારણે ડ્રોન રશિયાની ભૂમિ પરથી જ છોડવામાં આવ્યાં હતાં. રશિયાનું સુરક્ષા તંત્ર કંઈ પ્રતિક્રિયા કરે તે પહેલાં તો તેઓ પોતાના ટાર્ગેટ સુધી પહોંચી ગયાં હતાં.

યુક્રેન દ્વારા હુમલા માટે ઉપયોગમાં લેવાતા ડ્રોનને ક્વોડ કોપ્ટર કહેવામાં આવે છે અને તે હેલિકોપ્ટર જેવાં દેખાય છે. યુક્રેને આ ફક્ત બે થી ચારસો ડોલરમાં બનાવ્યાં હતાં, જે દર્શાવે છે કે તમે સસ્તી અને અસરકારક રીતે પણ દુશ્મન પર હુમલો કરી શકો છો. આજના સમયમાં દુશ્મનની સરહદમાં ઘૂસવાની કે તેને નુકસાન પહોંચાડવા માટે તેનો સીધો સામનો કરવાની જરૂર નથી. તમે ત્રણ-ચાર હજાર કિલોમીટર દૂર બેસીને પણ ચોક્કસ હુમલા કરી શકો છો તેમ યુક્રેને આ ઓપરેશન દ્વારા આ સાબિત કર્યું છે.

આ ઓપરેશનમાંથી ભારત ઘણું શીખી શકે તેમ છે. ભારતની ડ્રોનક્ષમતા પણ ખૂબ સારી છે. ઓપરેશન સિંદૂર દ્વારા ભારતે એ પણ સાબિત કર્યું છે કે આપણે વિવિધ પ્રકારનાં ડ્રોનનું સંચાલન કરી તેને તૈનાત કરી શકીએ છીએ. આ ઓપરેશન દ્વારા યુક્રેને મોટા અને નાના દેશો વચ્ચેની લશ્કરી ભેદરેખાને ઝાંખી કરી દીધી છે. તેથી ભારત આ ઓપરેશનમાંથી એકમાત્ર પાઠ શીખી શકે છે કે યુદ્ધના ઝડપથી બદલાતા સ્વભાવ માટે પોતાને તૈયાર રાખવું જોઈએ.

ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ દરમિયાન બંને પક્ષો એકબીજા પર હુમલો કરવા માટે ડ્રોનનો ઉપયોગ કરતાં જોવા મળ્યાં હતાં. ભારતીય સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પાકિસ્તાને ૮ અને ૯ મેની રાત્રે ભારતમાં અનેક સ્થળોએ ડ્રોન હુમલા કર્યા હતા. ભારતીય સેનાના પ્રવક્તા કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું હતું કે પાકિસ્તાને લગભગ ૩૦૦-૪૦૦ ડ્રોન છોડ્યાં હતાં. પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેણે ભારતનાં ૨૫ ડ્રોનને તોડી પાડ્યાં છે. ભારત પાસે અનેક પ્રકારનાં ડ્રોન છે. બાલાકોટ સર્જિકલ સ્ટ્રાઈક પછી ઈઝરાયલ સાથે ઘણા ડ્રોન સોદા થયા છે.

ભારતે ૨૦૨૧ માં લગભગ ૧૦૦ સ્કાય-સ્ટ્રાઈકર ડ્રોન મેળવ્યાં હતાં, જેની રેન્જ લગભગ ૧૦૦ કિલોમીટર છે. આ ડ્રોન ૧૦ કિલોગ્રામ વજનના બોમ્બ લઈ જઈ શકે છે. તે ઓછી ઊંચાઈએ પણ અસરકારક માનવામાં આવે છે. બીજી બાજુ હારોપ ડ્રોનની રેન્જ ખૂબ ઊંચી હોય છે. ઇઝરાયલ નિર્મિત આ ડ્રોનની ખાસિયત એ છે કે તે ૧,૦૦૦ કિલોમીટર સુધી મુસાફરી કરી શકે છે અને લગભગ ૯ કલાક હવામાં ઊડી શકે છે. હારોપ એક એન્ટી-રડાર ટેકનોલોજી છે. તેના કેમેરા મોટા લશ્કરી મશીનરીને ઓળખી શકે છે.

તેમાં ચોક્કસ સર્જિકલ સ્ટ્રાઈક કરવાની ક્ષમતા પણ છે. તે ૨૩ કિલોગ્રામ સુધીના બોમ્બ લઈ જઈ શકે છે. તેનો ઉપયોગ સમુદ્રમાં યુદ્ધ જહાજોમાંથી પણ થઈ શકે છે. પાકિસ્તાને દાવો કર્યો છે કે ભારતે તેની સામે હારોપનો ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત, ભારત પાસે ૩,૦૦૦ કિલોમીટર સુધીની રેન્જ ધરાવતું હેરોન પણ છે. તેને ૨૦૨૩ માં ખરીદવામાં આવ્યું હતું, જે ૨૪ કલાક હવામાં રહેવાની ક્ષમતા ધરાવે છે. આ ડ્રોન લેસર માર્કિંગ દ્વારા લક્ષ્યોનું સચોટ સ્થાન પ્રદાન કરે છે. તેને જમીન પરથી નિયંત્રિત કરી શકાય છે. ભારત પાસે ૨૦૦ મધ્યમ ઊંચાઈ ધરાવતાં અને ૯૮૦ મિની ડ્રોન છે. પાકિસ્તાન પાસે ૬૦ મધ્યમ ઊંચાઈ ધરાવતાં ડ્રોન ઉપરાંત નૌકાદળ પાસે ૬૦, વાયુસેના પાસે ૭૦ અને આર્મી પાસે ૧૦૦ મિની ડ્રોન છે.

Most Popular

To Top