નડિયાદ: કપડવંજ તાલુકાના વડાલી ગામના એક યુવકે બે લાખ રૂપિયા આપીને અમદાવાદની યુવતિ સાથે લગ્ન કર્યાં હતાં. જોકે, યુવતિ લગ્નના પાંચમા દિવસે જ ભાગી જતાં યુવકની હાલત કફોડી બની હતી. તાજેતરમાં જ છેતરપિંડીબાજ યુવતિ અને તેના માતા-પિતા અમદાવાદના કણભા પોલીસમથકમાં પકડાતાં, યુવકે પણ ત્રણેય વિરૂધ્ધ કપડવંજ રૂરલમાં ફરીયાદ આપી છે. કપડવંજ તાલુકાના વડાલી ગામમાં રહેતાં અને નડિયાદની ખાનગી બેંકમાં લોન વિભાગમાં નોકરી કરતાં 29 વર્ષીય યુવકે અઢી વર્ષ અગાઉ પોતાના માટે કન્યા શોધવાનું શરૂ કર્યું હતું.
જે માટે તેઓને ડાકોરમાં મેરેજ બ્યુરો ચલાવતાં મહિલાએ અમદાવાદની શિવાની અશોક પટેલ નામની છોકરી અને તેની માતા રેણુકાબેનને લઈને વડાલી ગામે યુવકના ઘરે ગયાં હતાં. બંને પરિવારોની સહમતિ બાદ લગ્ન અંગે વાતચીત થઈ હતી. જેમાં તા.૨૯-૧૨-૨૦ ના રોજ બાપુનગરની એક હોટલમાં લગ્ન રાખવાનું નક્કી થયું હતું. જે તે વખતે શિવાનીના પિતા અશોકભાઈએ લગ્નનો તમામ ખર્ચો યુવક ઉપર ઢોળ્યો હતો અને લગ્નના અવેજ પેટે બે લાખ પણ માંગ્યાં હતાં. જે તમામ શરતો મંજુર કરી યુવક અને તેના પરિવારજનો પરત આવ્યાં હતાં અને લગ્નની તૈયારીઓમાં જોતરાઈ ગયાં હતાં.
જે બાદ નક્કી કરેલાં દિવસે એટલે કે તા.૨૯-૧૨-૨૦ ના રોજ યુવકે હિન્દુ રીતીરીવાજ મુજબ શિવાની સાથે લગ્ન કર્યાં હતાં અને તે જ વખતે લગ્નના અવેજ પેટે બે લાખ શિવાનીના પિતા અશોકભાઈને આપ્યાં હતાં. તેમજ હોટલનો ખર્ચો રૂ.27 હજાર પણ ચુકવ્યો હતો. લગ્નના બીજા જ દિવસે યુવકે પોતાની પત્નિને મોબાઈલ ગીફ્ટ કર્યો હતો. લગ્નના પાંચમા દિવસે એટલે કે તા.૨-૧-૨૧ ના રોજ શિવાનીના માતા-પિતા શિવાનીને તેડી ગયાં હતાં. જે તે વખતે તેઓએ તા.૫-૧-૨૧ ના રોજ અમદાવાદ આવી પરત તેડી જજો તેવું જણાવ્યું હતું.
જે મુજબ યુવક તા.૫-૧-૨૧ ના રોજ પોતાની પત્નિને તેડવા અમદાવાદ ગયો હતો. તે વખતે શિવાનીના ઘરે તાળું હતું. આજુબાજુના ઘરોમાં પુછપરછ કરતાં, તેઓ આ મકાનમાં ભાડે રહેતાં હોવાનું અને બે દિવસ પહેલાં જ ઘર ખાલી કરીને જતાં રહ્યાં હોવાનું જણાવ્યું હતું. જેથી આ કિસ્સામાં પોતે છેતરાયાં હોવાનું યુવકને લાગ્યું હતું પરંતુ, જે તે સમયે આ અંગે પોલીસમાં ફરીયાદ આપી ન હતી. જોકે, તાજેતરમાં જ કણભા પોલીસ સ્ટેશન ખાતે ત્રિપુટી પકડાયાં હોવાની જાણ થતાં, યુવકે આ મામલે શિવાની અશોક પટેલ તેમજ તેના માતા રેણુકાબેન અશોક પટેલ અને પિતા અશોક દિલીપ પટેલ (રહે.ગુ.હા.બોર્ડ, કઠવાડા, અમદાવાદ) વિરૂધ્ધ કપડવંજ રૂરલ પોલીસમથકમાં ફરીયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.