ગાંધીનગર: ગુજરાત વિધાન સભાનું સત્ર ચાલી રહ્યું છે. જેમાં આજે કોંગ્રેસનાં ધારસભ્યોએ હોબાળો મચાવ્યો હતો. ગુજરાત વિધાનસભામાં વીજળી અંગેના પ્રશ્ને કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાં હંગામો મચાવી ખેડૂતોને વીજળી આપોના સૂત્રો પોકારી વેલમાં ધસી આવ્યા હતા. કોંગ્રેસના સભ્યો વેલમાં ધસી જતાં સાર્જન્ટ બોલાવાયા હતાં, સાર્જન્ટોએ ટીંગાટોળી કરી હાથ પકડીને કોંગ્રેસના ધારાસભ્યોને બહાર કાઢ્યા હતાં. જેથી બાકીના કોંગી ધારાસભ્યો વોક આઉટ કરી ગયા હતાં.
અધ્યક્ષે ટકોર કરતા કોંગ્રેસના સભ્યો શાંત થઈ ગયા હતા. આ દરમિયાન શૈલેષ પરમારે પ્રશ્ન ઉઠાવતા ભાજપે તેની સામે કટાક્ષ કર્યો હતો. જેથી શૈલેષ પરમારે સરકારે આપેલા વીજ ઉત્પાદનના આંકડા રજૂ કર્યા હતા અને જણાવ્યુ હતું કે 240 મેગાવોટનો જ વધારો થયો છે. સરકાર ગુજરાતના ખેડૂતોને દિવસે વીજળી આપી શકતી નથી. ભાજપના સભ્ય સુરેશ પટેલે જણાવ્યું હતું કે,પહેલાં બે ચાર દિવસ વીજળી આવે તો સમાચાર આવતા હતા અને હવે બે ચાર દિવસ વીજળી ન આવે તો સમાચાર બને છે.
કોંગ્રેસે ભાજપને ટોણો માર્યો
કોંગ્રેસનાં ધારાસભ્ય વીરજી ઠુમ્મરે ભાજપને ટોણો માર્યો હતો. તેઓએ જણાવ્યુ કે, ભાજપને 27 વર્ષ પછી પણ કોંગ્રેસના સ્વપ્ન કેમ આવે છે? કોંગ્રેસના સપના જોવાના બદલે તમે ગુજરાતને બતાવેલા સ્વપ્ન જોજો એવું નિવેદન કરતાં સત્તા પક્ષના ધારાસભ્યો અકળાયા હતા. વિરજી ઠુમ્મરે ફરી આક્ષેપ કર્યો હતો કે તમે કોંગ્રેસે છેલ્લા 70 વર્ષમાં શું કર્યું? તેવો પ્રશ્ન વારંવાર કરો છો તો સાંભળો વિધાનસભા ગૃહમાં બેઠેલા ધારાસભ્યો અને નેતાઓ કોંગ્રેસે બનાવેલી શાળાઓમાં જ ભણ્યા છે એ ભૂલવું ન જોઈએ.
વીરજી ઠુમ્મરનાં મત ક્ષેત્રમાં પીવાના પાણીની સુવિધા નહિ
તેઓએ સ્પષ્ટ કર્યું કે ગુજરાતની ભાજપ સરકારે કરેલો 1.20 લાખ હજાર કી.મી.ની પાણીની પાઇપ લાઈનનું નેટવર્ક ઉભું કર્યાનો દાવો ખોટો છે. અમારા મત ક્ષેત્રમાં આપે ન પીવાના પાણીની કોઈજ સુવિધા ઉપલબ્ધ નથી. એટલું જ નહીં ભાજપ સરકારના શાસનમાં જે રીતે પેપર ફુટે છે તેમ નર્મદા યોજનાની નહેરોની પાઈપ લાઈનો પણ ફુટી જતી હોવાનો આક્ષેપ કર્યો હતો. આજે સૌરાષ્ટ્રમાં નહેરો ખોદાઈ ગઈ છે પણ પાણી ક્યારે આવશે તેની ખબર જ નથી. વિરજીભાઇનાં આ નિવેદનથી ગૃહમાં હંગામો થયો હતો.
બળદેવજી ઠાકોરનાં ગંભીર આક્ષેપો
કોંગ્રેસના સભ્ય બળદેવજી ઠાકોરે સરકાર સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેઓએ જણાવ્યું હતું કે, હું નીતિન ભાઈનો આભાર માનું છું કે, તેમણે કબલ્યુ હતું કે, ગુજરાતમાં રોજગારી નથી મળતી એટલે જ લોકો મોટી રકમ ખર્ચી વિદેશ જાય છે. છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. તેમ છતાં લોકોને રોજગારી મેળવવા વિદેશ જવું પડી રહ્યું છે.જે બેરોજગારીની સ્વીકૃતિ બતાવે છે. તેમણે જણાવ્યું હતું કે,ગૃહમાં બેઠેલા તમામ સભ્યો કોંગ્રેસે બનાવેલી શાળામાં ભણીને વિધાનસભામાં આવ્યા છે.કોંગ્રેસના લલિત કગથરાએ આક્ષેપ કર્યો હતો કે, એક સમયનું રંગીલું રાજકોટ શહેર આજે ખંડણીનું શહેર બની ગયું હોવાનું આપણા ગોવિંદભાઇ કહી રહ્યા છે.