વ્યારા: તાપી જિલ્લામાં માર્ગ મકાન વિભાગનું પાપ છાપરે ચઢીને પોકાર્યું છે. હલ્કી કક્ષાનાં રસ્તાઓના ચિથરે હાલ તથા વરસાદે માર્ગ મકાન વિભાગની પોલ ખોલી દીધી છે. ભ્રષ્ટાચારના પાપે મોટાભાગના રસ્તાઓ પરથી ડામર- કપચીના પોપડા માટીની જેમ ઉખડી ગયા છે. ખાડાઓ જે તે કોન્ટ્રાક્ટરથી પુરાવાને બદલે તંત્ર પોતે કામ પર લાગી જતાં ગેરંટી પિરિયડમાં હોય તેવા રસ્તાનો રિપેરિંગ ખર્ચ કોન્ટ્રાકટરના શિરે નાંખવાને બદલે સરકારી તિજોરી પર બોજો નંખાય તેવી હીલચાલ હાલ શંકાનાં દાયરામાં આવી છે.
તાપી જિલ્લામાં વરસાદને કારણે માર્ગ અને મકાન રાજ્ય હસ્તકના રસ્તાઓ ઉપર ખાડા પડવાથી રસ્તાઓનાં અસ્થિપિંજરો છૂટા પડી ગયા હતા. વરસાદના કારણે ખરાબ થયેલા રસ્તાઓના દુરસ્તી કામમાં રૂકાવટ આવતી હોય વાહનચાલકો પણ તોબા પોકારી ઉઠ્યા હતા. પરંતુ વરસાદના વિરામની સાથે જ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આવા રસ્તાઓના મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે. ભારે વરસાદને કારણે માર્ગ અને મકાન રાજ્ય અને પંચાયત વિભાગ હસ્તકના વધુ નુકસાન પામેલા રસ્તાઓની પ્રથમ તબક્કામાં મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે. પરંતુ સામાન્ય વરસાદમાં રસ્તાઓની આવી દુર્દશા થાય છે કેવી રીતે? રાજ્યનાં ધોરીમાર્ગનાં કિસ્સામાં રસ્તાની સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોય છે. એક કિ.મી. સુધીનાં રસ્તા માટે એક કરોડથી વધુની રકમ ફાળવાતી હોય છે. ત્યારે આવા રસ્તાઓ ચોમાસા પહેલાં બને અને ચોમાસામાં તૂટી જાય ત્યારે દોષનો ટોપલો હલ્કી ગુણવત્તાની કામગીરી અને કોન્ટ્રાક્ટરોની બેદરકારી સીધી જવાબદાર ગણાય પરંતુ અધિકારીઓ આવી કોઇ કાર્યકાહી કરતા નથી.
નિઝર તાલુકાના ઈટવાઈ-વડપાડા, બોરીકુવા ફૂલવાડી જનારા રસ્તામાં વરસાદના પાણીના જોરને લીધે નાળું બંધ થતા ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક મરામત કરી કામચલાઉ રસ્તો ચાલુ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ જે વરસાદી પાણી ભરાઈ રહેવાથી ખરાબ થયા છે, તેનું પણ કોન્ક્રીટ પેચ વર્ક કામ શરૂ કરવામાં આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓની દૂરસ્તી કામગીરી માટે માર્ગ અને મકાન વિભાગની ટીમ કાર્યરત કરવામાં આવી છે. જેમાં જેસીબી મશીન, ટ્રેક્ટર અને ડમ્પર જેવા સાધનો કામે લગાડવામાં આવ્યા છે. આ કામ માટે સુપરવાઇઝરની ટીમ ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓની દૂરસ્તી માટે કામ કરી રહી છે. પણ આ કોન્ટ્રાક્ટરનાં ખર્ચે કે પછી સરકારી તિજોરી પર બોજો?