નડિયાદ: નડિયાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા વિકટ બની રહી છે. જેને ધ્યાનમાં લઇ ટ્રાફિકનું ભારણ ઘટાડવા શહેર ફરતે રીંગરોડ બનાવવામાં આવ્યો છે. આ રીંગરોડ પર ભાટના કુવા સુધીનો રોડ બિસ્માર હાલતમાં ફેરવાયો છે. જેથી વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડે છે. આ રોડનું વહેલી તકે સમારકામ કરવા નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખે માગ કરી છે. નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હાર્દિક ભટ્ટે અધિક નિવાસી કલેકટર સમક્ષ નડિયાદ રીંગરોડ પર સમારકામ કરવા રજૂઆત કરી છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે તરફથી ઉતરસંડા ડી માર્ટ તરફ આવતો રિંગ રોડ બિસ્માર હાલતમાં ફેરવાયો છે. જેમાં ભાટના કુવા સુધીનો રોડ ઘણો જ બિસ્માર હાલતમાં છે.
આ રોડ પર ઠેર ઠેર ભયજનક ખાડા પડી ગયા છે. જેથી વાહનચાલકોને અવર-જવર કરવામાં ઘણી મુશ્કેલી વેઠવી પડે છે. ઘણી વખત વાહનોને નુકસાન થવાના બનાવો બનતા હોય છે. જેથી વાહન ચાલકોને રીપેરીંગ ખર્ચ કરવો પડતો હોય છે. આ ઉપરાંત રીંગરોડ પર પૂરતા પ્રમાણમાં લાઈટની સુવિધા ન હોવાના કારણે વાહનચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે. આ રોડ પર સ્વામિનારાયણ મંદિર તેમજ સ્વિમિંગ પૂલ બાસ્કેટબોલ અને ટેનિસકોટ આવેલી છે. જેથી ભાવિક ભક્તો તેમજ યુવાનોની ભારે અવરજવર રહે છે. જેને ધ્યાનમાં લઇ એક્સપ્રેસ વેથી ડી માર્ટ તરફના રોડનું સમારકામ તેમજ લાઈટની પૂરતી સુવિધા કરવા માંગણી કરી છે.