નડિયાદ: નડિયાદમાં નગરપાલિકાના પ્રમુખના ઘર નજીકનો રસ્તો છેલ્લા બે વર્ષથી બિસ્માર હોવા છતાં તંત્ર દ્વારા તેના સમારકામની તસ્દી લેવાઈ નહોતી. 24 સપ્ટેમ્બરે સરકાર દ્વારા 38 રોડના સમારકામની યાદી સોશિયલ મીડિયામાં જાહેર કરાઈ હતી, આ યાદીમાં બીજા જ ક્રમે પ્રમુખ જે રોડ પર રહે છે, તે ભોજા તલાવડથી હિન્દુ સ્કૂલ સુધીના રસ્તાનું સમારકામ કરવાનું કામ દર્શાવાયુ છે. જો કે, આજે ખાતમૂર્હ્તને 10 દિવસ વીતિ જવા છતાં અહીં કોઈ કામગીરી શરૂ કરાઈ નથી.
નડિયાદ શહેરમાં અનેક રસ્તાઓ ખખડધજ હાલતમાં ફેરવાઈ ગયા છે. ગયા વર્ષે ખાડા પડેલા રસ્તાઓ 1 વર્ષ સુધી રીપેર ન થતા આ વર્ષે તો ચોમાસામાં રોડની બદલે ખાડાઓ જ વધ્યાં હતા.
શહેરના અનેક ખખડધજ રસ્તાઓ વચ્ચે ખુદ નગરપાલિકના પ્રમુખ રંજનબેન વાઘેલા વોર્ડ નં. 4ની જે સોસાયટીમાં રહે છે, તેની બહાર આવેલો રોડ એટલે કે ભોજા તલાવડીથી હિન્દી સ્કૂલ સુધીનો માર્ગ સાવ જ બિસ્માર બનેલો છે. જેના કારણે શહેરીજનોને મુશ્કેલી પડી રહી છે. આ રસ્તો છેલ્લા બે વર્ષથી આ જ હાલતમાં હોવાથી સ્થાનિકો સહિત પ્રમુખને પણ ત્યાંથી પસાર થવામાં હાલાકી ભોગવવી પડી છે. તેમ છતાં બે વર્ષમાં એકપણ વાર અહીં ખાડા પૂરવાની તસ્દી તંત્ર દ્વારા લેવાઈ નથી અને પ્રમુખ દ્વારા પણ આ અંગે કોઈ નક્કર પગલાં લેવાયેલા દેખાયા નથી.
ત્યારે 24 સપ્ટેમ્બરના રોજ મુખ્ય દંડકે શહેરના 38 રસ્તાઓના સમારકામ કરવા રાજ્ય સરકારે ગ્રાન્ટ ફાળવી હોવાથી તમામ રસ્તાઓની યાદી સોશિયલ મીડિયામાં જાહેર કરી આ રસ્તાઓનું કામકાજ શરૂ કરવા માટે ખાતમૂર્હ્ત પણ કરી નાંખવામાં આવ્યું હતું.. આ યાદીમાં ઉપરોક્ત રસ્તો બીજા જ ક્રમાંકે હતો, તેમ છતાં હજુ અહીં કોઈ પણ પ્રકારની કામગીરી શરૂ કરેલી દેખાતી નથી. ત્યારે આસપાસ મોટી સંખ્યામાં રહેણાંક સોસાયટીઓ અને મકાનો આવેલા છે. જેમને આ રોડ પરથી પસાર થવામાં હાલાકી પડી રહી છે. ત્યારે સત્વરે આ રોડની કામગીરી શરૂ કરાય તેવી લોકમાગ પ્રબળ બની છે.
રોડ કમિટિના ચેરમેનનો જ વિસ્તાર
ભોજા તલાવડીથી હિન્દી સ્કૂલ તરફનો રોડ બિસ્માર બન્યો છે, તે વિસ્તાર વોર્ડ નં. 4માં આવે છે. ત્યારે વોર્ડ નં.4ના કાઉન્સિલર મિતેશભાઈ નગરપાલિકાની રોડ કમિટિના ચેરમેન છે. ત્યારે રોડ કમિટિના ચેરમેનના જ વિસ્તારમાં બે વર્ષથી રસ્તો બિસ્માર હોવા છતાં તેના સમારકામની તસ્દી લેવાઈ નથી.
રસ્તાની બંને બાજુ ગંદકીની ભરમાર
ભોજા તલાવડીથી હિન્દી સ્કૂલ તરફ જતા રસ્તા પર રોડની બંને બાજુ ગંદકીનો ભરમાર દેખાઈ રહ્યો છે. પાલિકાના પ્રમુખ અહીં રહેતા હોવા છતાં તેઓ આ ગંદકીની સમસ્યા સાથે આંખ મિચામણા કરી રહ્યા હોવાનું જણાઈ રહ્યુ છે. તેમના વિસ્તારની તો ઠીક પણ તેમના ઘરની નજીક 100 મીટરમાં આવેલી ગંદકી પણ તેઓ સાફ ન કરાવતા હોવાની બૂમ સ્થાનિકોમાં ઉઠી છે.
પાણી ભરાઈ રહેતા રોગચાળાની દહેશત
અહીં છેલ્લા કેટલાય સમયથી ગટર અને વરસાદી પાણી ભરાઈ રહે છે. જેના કારણે માદા મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. આસપાસના વિસ્તારમાં રહેણાંક મકાનો ઉપરાંત સોસાયટીઓ આવેલી હોય ત્યાં હજારોની સંખ્યામાં લોકો વસવાટ કરે છે. આ તમામ લોકોનું આરોગ્ય જોખમમાં મુકાયુ છે. ત્યારે રોગચાળાની સિઝન ચાલી રહી હોવાથી તાત્કાલિક યોગ્ય નિરાકરણ લાવવું જરૂરી બન્યુ છે.