SURAT

એરપોર્ટથી ડુમસ લંગર સુધીના રોડને આઈકોનિક રોડ તરીકે ડેવલપ કરાશે

સુરત: શહેરમાં બહારથી આવતા લોકો માટે સુરત (Surat) શહેરની એન્ટ્રી જોરદાર રહે તે માટે મગદલ્લા ચોકડીથી સુરત એરપોર્ટ (SuratAirport) સુધીના રોડને પીપીપી ધોરણે આઈકોનિક રોડ (IconicRoad) તરીકે ડેવલપ કરવામાં આવ્યો છે. અને હવે એરપોર્ટથી આગળ ડુમસ (Dumas) સુધીના 2200 મીટરના રોડને પણ આઈકોનિક રોડ તરીકે ડેવલપ કરવામાં આવશે. તેમ મનપા કમિશનરે જણાવ્યું હતું. જે પણ પીપીપી ધોરણે ડેવલપ થશે જે માટેની જાહેરાત બહાર પાડવામાં આવશે. આમ હવે છેક ડુમસ સુધીનો રોડ પ્લાન્ટેશનના બ્યુટિફિકેશન સાથે ચકાચક થઈ જશે.

  • મ્યુ. કમિશનરે શાલિની અગ્રવાલે ડુમસ જઈ જાત માહિતી હતી: દરિયા ગણેશના મંદિર પાસે સહેલાણીઓ માટે બેસવાની વ્યવસ્થાથી લઈને પાર્કના આયોજન અંગે અધિકારીઓને સૂચનો કર્યા

સુરતવાસીઓ માટે મહત્વપુર્ણ એવો ડુમસ સી ફેઇસ પ્રોજેકટનું ટેન્ડર શાસકો સમક્ષ મુકતા પહેલા કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલે ટાઉન પ્લાનિંગ વિભાગનો હવાલો સંભાળતા ડેપ્યુટી કમિશનર મનીષ ડોકટર અને અન્ય અધિકારીઓ સાથે ડુમસ સી ફેસના ડેવલપમેન્ટ માટેની જગ્યાઓ અને ડુમસ બીચનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું.

જેમાં સાકારિત થનાર વોક-વે, ગાર્ડન એરિયા, સ્કલ્પચર, બીચ સ્પોર્ટ્સ જેવી સુવિધાઓના આયોજનની ઉપસ્થિત અધિકારીઓ સાથે ચર્ચા -વિચારણા કરી હતી. ડુમસ બીચ ખાતે આવેલા દરિયા ગણેશના મંદિર પાસે ડુમસ સી ફેસ પ્રોજેક્ટ અંતર્ગત જાહેર જનતાને ચાલવા માટેની જગ્યાઓ તથા બેસવા માટેની સુવિધાઓના આયોજન બાબતે સ્થળ નિરીક્ષણ કર્યું હતું તેમજ ડુમસ સી ફેસના વિકાસ પ્રોજેક્ટને ધ્યાનમાં રાખી આસપાસના વિસ્તારમાં મલ્ટીલેવલ પાર્કિંગ અથવા પે એન્ડ યુઝ પાર્કનું આયોજન કરવા સબંધિત અધિકારીઓને સુચન કર્યું હતું.

13 વર્ષ પછી ડુમસ દરિયાકિનારાના વિકાસ માટેનું ટેન્ડર આવ્યું ખરું
વ્યાપાર-ઉધોગની ધમધમતી સમૃદ્ધી વચ્ચે સુરતીલાલાઓને એક ખોટ એ છે કે શહેરમાં હરવા-ફરવાના ખુબ ઓછા વિકલ્પો હતો. આવા સમયે તત્કાલીન શાસકો અને મનપાના પૂર્વ કમિશનર્સે સુરતવાસીઓના પ્રિય સ્થળ ડુમસને વિકસાવી વિશાળ એમ્યુઝમેન્ટ પાર્ક આપવાનું સપનું વર્ષ 2010-11માં બતાવ્યું હતું, પરંતુ આ સપનાના ઘોડા પાલિકામાં માત્ર કાગળ પર જ દોડતા હતા.

જોકે વરસો બાદ હવે પ્રોજેકટ મનપા કમિશનર શાલીની અગ્રવાલના પ્રયાસોથી જમીન પર ચાલુ થાય તેવા સંજોગો દેખાઇ રહ્યાં છે. બાકી તો મનપાના તંત્રવાહકો છેલ્લા ઘણા વરસોથી સુરતવાસીઓને ડુમસના દરિયાકિનારાનો વિકાસ કરી હરવા-ફરવાનું સ્થળ ઉપલબ્ધ કરવાના વાયદા જ કરી રહ્યાં છે. જોકે ઘણા વરસો કાગળ પર જ આ પ્રોજેકટ ચાલ્યા બાદ મનપા કમિશનર શાલિની અગ્રવાલે સુરતનું સુકાન સંભાળતાની સાથે જ આ પ્રોજેકટને તબક્કાવાર આગળ વધારવાનું સ્ટેન્ડ અપનાવ્યું છે, મ્યુ. કમિશનરે સોમવારે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટ સાઈટની મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ કર્યું હતું.

જે અંગે મ્યુ. કમિશનર અગ્રવાલે જણાવ્યું હતું કે, ડુમસ સુધીની કનેક્ટિવિટી માટે રોડ પહોળો કરવાનો સર્વે શરૂ કરી દેવાયો છે. ડુમસના વિકાસ માટે આવશ્યક એવા માર્ગોનો વિકાસ કઈ રીતે કરી શકાશે તે અંગેની કામગીરી પણ ચાલુ થઈ ચૂકી છે. ખાસ કરીને ડુમસ સુધી પહોંચવા માટેના અન્ય રોડને વાઈડન કરવા, ટી.પી રોડ, ડી.પી રોડ અને સહેલાણીઓની સુગમતા માટે ડુમસના આંતરિક રસ્તાઓને એકબીજા સાથે કેવી રીતે કનેક્ટ કરી શકાય તે માટેનો સરવેની કામગીરી એક મહિનામાં પૂર્ણ કરી દેવાશે. અને ઝડપથી રોડ કનેક્ટિવિટીની કામગીરી શરૂ કરી દેવામાં આવશે.

ડુમસના વિકાસના પ્રથમ તબક્કામાં શું -શું બનશે?

  • એરાઈવલ પ્લાઝા
  • લેન્ડસ્કેપિંગ
  • કિડ્ઝ પ્લે એરિયા
  • સાઈકલ ટ્રેક
  • વોક-વે
  • અર્બન બીચ
  • સ્પોર્ટસ એરિયા
  • મલ્ટીલેયર કાર પાર્કિંગ

ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટ માટે સૌથી મહત્વના તબક્કા તરીકે આ પ્રોજેક્ટના પ્રથમ ફેઇઝના વિકાસ માટેના ટેન્ડર મંગાવી લેવાયા છે જે અંતગર્ત મનપા દ્વારા કુલ રૂા. 137.72 કરોડના ખર્ચના અંદાજ મુકાયા હતા. જોકે 5 વર્ષના ઓપરેશન મેઈન્ટેનન્સ સાથે મંગાવાયેલું આ ટેન્ડર અંદાજ કરતાં 25.51 ટકા ઉંચુ એટલે કે 174.22 કરોડનું આવ્યું છે. મનપા કમિશનરે શાસકોની મંજુરી માટે સ્થાયી સમિતિમાં સદર દરખાસ્ત મોકલી આપી છે.

તા. 4 ઓગષ્ટના સીઆરઝેડની બેઠક મળવા જઈ રહી છે ત્યારે ડુમસ સી ફેઝ માટે બાકીની જગ્યાની મંજૂરી મળી જશે
આ સંદર્ભે વધુ વિગતો આપતા મનપા કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, ડુમસ સી ફેઝ પ્રોજેક્ટની કામગીરી હવે ઝડપથી આગળ વધશે. તેમજ સીઆરઝેડ(કોસ્ટલ રેગ્યુલેશન ઝોન) નું ક્લિયરન્સ છેલ્લા તબક્કામાં ચાલી રહ્યું છે. તા. 4 ઓગસ્ટે સીઆરઝેડની બેઠક મળશે જેમાં બાકીની સાઈટનું પણ ક્લિયરન્સ મળી રહેશે. સાઈટ ક્લિયર થતા જ કામગીરી શરૂ કરી શકાશે.

અત્રે ઉલ્લખનીય છે કે ડુમસ સી-ફેસ પ્રોજેકટ કુલ 107 હેક્ટર વિસ્તારમાં સાકાર કરવાનું આયોજન છે. જે ચાર તબક્કામાં આગળ વધશે. જોકે મનપા દ્વારા સતત પ્રયાસો છતાં આ પ્રોજેકટ પૈકી ઘણી જગ્યા સરકારી હોવાથી નકકર આયોજન થઇ શકતુ ન હતું પરંતુ હવે મનપા દ્વારા તબક્કાવાર જરૂરી જમીનોના કબજા લેવામાં આવી રહ્યાં છે.

મહાનગરપાલિકાને ટી.પી.સ્કીમ હેઠળ પ્રાપ્ત થનાર 12.27 હેક્ટર જમીન ઉપરાંત 66.72 હેકટર સરકારી અને ફોરેસ્ટ વિભાગની આશરે 23 હેકટર જમીન મળી કુલ અંદાજીત 107 હેકટર વિસ્તારમાં ઇકોટુરીઝમ પાર્ક સાકારીત થશે. આ જમીનો પૈકી હાલ મનપાના હિસ્સાની 12.27 હેકટર વાળી જમીન ડેવલપ કરવાનું આયોજન છે. તેમજ ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટના પ્રથમ તબક્કામાં કુલ 10.32 હેક્ટર જગ્યામાં વિવિધ એક્ટિવિટી ઝોનનું આયોજન થશે.

Most Popular

To Top