નડિયાદ : માતરથી પરીએજ તરફ જવાના હાઈવે રોડની ખસ્તા હાલતના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડા-માતરથી ખંભાત તરફ જતા હાઈવે પર અસંખ્ય થીંગડા તંત્રએ મારેલા દેખાઈ રહ્યા છે. પરંતુ રોડની યોગ્ય મરમત કરવામાં હજુ સુધી તંત્રએ રસ દાખવ્યો નથી. થીંગડાના કારણે રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખેડા-માતરથી ખંભાત તરફ જતા મુખ્ય હાઈવે રોડ પર તંત્ર દ્વારા સમારકામ કરવાને બદલે ખાડા પુરવા માટે ઠીંગડા મારવામાં આવ્યા છે. માતરથી પરીએજ સુધી જતા 18 કિલોમીટર જેટલા રોડ પર તો અસંખ્ય ઠીંગડા મારેલા દેખાઈ રહ્યા છે. જેના કારણે રોડની સપાટી જળવાઈ નથી.
ઉપરાંત ખાડા પુરવા માટે મારેલા ઠીંગણાના કારણે રોડ ઉબડ-ખાબડ થઈ ગયો છે. જેના કારણે અહીંયાથી પસાર થતા લોકોને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વખત આવ્યો છે. ખંભાત તરફ જતા આ હાઈવે પર એસ.ટી. બસો ઉપરાંત મોટા આઈસર અને ટ્રક જેવા સાધનો પસાર થતા હોય છે. ઉપરાંત ટુ-વ્હીલરો અને રીક્ષાઓ પણ મોટા પાયે પસાર થતા હોય છે. ત્યારે આવા જોખમી રસ્તા પર પણ મોટા સાધનો ખૂબ સ્પીડમાં જતા હોય છે, તેની સામે ટુ-વ્હીલરો અને રીક્ષાઓને ખાડા અને રોડની સ્થિતિના કારણે ખૂબ સાચવીને પસાર થવાનું હોય છે.
તેમજ વાહનચાલકોને પછડાટ ખાવાનો વખત આવે છે. અહીંયા માત્ર વાહનચાકલ નજર ચુકી જાય તો પણ અકસ્માત ભેગો થાય તેવો ઘાટ દેખાઈ રહ્યો છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડની યોગ્ય મરમત કરાઈ નથી. તેના કારણે વાહનચાલકોના જીવ જોખમાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. તંત્ર દ્વારા આ મામલે તાત્કાલિક યોગ્ય કામગીરી કરી રોડનું સમારકામ કરાય તેવી માગ પ્રબળ બની છે.
બસમાં બેસીને જઈએ તો કમરનો દુઃખાવો પાક્કોઃ મુસાફર
અમારે ક્યારેક તારાપુર કે ખંભાત તરફ જવાનું હોય તો માતરથી બસમાં જઈએ છે. તારાપુર જતા સુધી તો બસ એટલીવાર પછડાય છે અને બ્રેકો મારે છે કે, તેના કારણે કમર અને શરીરમાં દુઃખાવો થઈ જાય છે. અમારે મજબૂરી હોય એટલે બસમાં મુસાફરી કરવી પડે છે. સરકારે આ યોગ્ય સપાટીવાળો રોડ બનાવવો જોઈએઃ પારૂલબેન, મુસાફર
રોડની સપાટી ઉબડ-ખાબડ, અસંખ્ય તિરાડો
માર્ગ અને મકાન વિભાગે રોડના સમારકામને બદલે માત્ર ઠીંગણા માર્યા છે. જેના કારમે આખા રોડની સપાટી ઉબડ-ખાબડ થઈ ગઈ છે. તો આ આખા રોડ પર અસંખ્ય તિરાડો પણ દેખાઈ રહી છે. જ્યાં ટુ-વ્હીલર ચાલકોને અકસ્માત થવાની સૌથી વધુ શક્યાતાઓ રહેલી છે. રોડની બંને બાજુએ પણ આવા જ હાલ દેખાઈ રહ્યા છે.
કાયમી રસ્તો છે, સાધનોની હાલત ખરાબ થાય છેઃ વાહનચાલક
આ અમારો કાયમી રસ્તો છે. આ રસ્તેથી બાઈક લઈને પસાર થવાનું હોય છે. આ દરમિયાન રોડની હાલત ખરાબ હોવાના કારણે અમારા બાઈકને ખાસ્સુ નુકસાન થાય છે. મહિનો થાય છે અને બાઈક ખખડધજ થઈ જાય છે. તેમજ ખૂબ શાંતિથી આ રોડ પર જવા છતાં અકસ્માતનો ભય રહે છેઃ સંદીપભાઈ, વાહનચાલક