SURAT

પુણાગામમાં એક મહિના થી ખોદાયેલો રસ્તો, લોકો ત્રાહિમામ!

રજુઆતો છતાં કામ અધૂરું, જવાબદાર કોણ? સુરત શહેરના પુણાગામ વિસ્તારમાં સ્થાનિક લોકોને છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સીતાનગર ચોકની બાજુમાં આવેલી નિરાંત નગર સોસાયટીથી મારુતિનગર, કૃષ્ણનગર અને લક્ષ્મીનગર થઈ પીરની દરગાહ તરફ જતો મુખ્ય રસ્તો લાંબા સમયથી ખોદી નાખવામાં આવ્યો છે, પરંતુ આજદિન સુધી તેનું કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી.

આ રસ્તો આસપાસની અનેક સોસાયટીઓ માટે અત્યંત મહત્વનો હોવાથી રોજબરોજ મોટી સંખ્યામાં લોકો, વાહનો અને બાળકોનો અવરજવર રહે છે. રસ્તો ખોદી નાખ્યા બાદ તેને યોગ્ય રીતે સમારકામ ન કરાતા વાહનચાલકો, પાદચારીઓ અને સ્થાનિક રહેવાસીઓ માટે મોટી મુશ્કેલી ઉભી થઈ છે. ખાસ કરીને રાત્રિના સમયે અંધારામાં આ ખાડાઓ વધુ જોખમી બની જાય છે, જેના કારણે અકસ્માતની ભીતિ પણ સતત બની રહી છે.

સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ તેઓએ અનેક વખત મ્યુનિસિપલ તંત્ર તેમજ વિસ્તારના સ્થાનિક કોર્પોરેટરો સમક્ષ રજૂઆતો કરી છે. છતાંય આજદિન સુધી કોઈ સ્પષ્ટ જવાબ કે ઉકેલ મળ્યો નથી. લોકોનું કહેવું છે કે જો રસ્તો ખોદવામાં આવ્યો છે તો કામ સમયસર પૂર્ણ કેમ કરવામાં આવતું નથી?

રહેવાસીઓમાં આ બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેઓનું કહેવું છે કે વિકાસના નામે રસ્તાઓ ખોદી નાખવામાં આવે છે, પરંતુ પછી મહિના સુધી કામ અધૂરું રાખવામાં આવે છે, જેના કારણે સામાન્ય જનતાને તકલીફ ભોગવવી પડે છે.

હાલમાં લોકો તંત્ર સામે સવાલ ઉઠાવી રહ્યા છે કે આ બેદરકારી માટે જવાબદાર કોણ? અને આખરે આ રસ્તાનું કામ ક્યારે પૂર્ણ થશે?સ્થાનિક લોકોની માંગ છે કે તાત્કાલિક અસરથી રસ્તાનું કામ પૂર્ણ કરવામાં આવે અને લોકોને રાહત આપવામાં આવે. હવે જોવાનું રહ્યું કે તંત્ર લોકોની આ વ્યથા ક્યારે સાંભળે છે.

Most Popular

To Top