Madhya Gujarat

નેશથી શંકરપુરાને જોડતો માર્ગ ધોવાઇ ગયો

સેવાલિયા: ઠાસરા તાલુકાના નેશ ગામથી શંકરપુરા વિસ્તારને જોડતો માર્ગ છેલ્લાં ઘણાં દશકાંથી બન્યો જ ન હોવાથી હાલ, આ માર્ગ ધુળીયો અને ઉબડખાબડ હાલતમાં ફેરવાયો છે. જેને પગલે આ વિસ્તારમાં રહેતાં ૧૫૦ પરિવારોને અવરજવર કરવામાં ભારે હાલાકી પડી રહી છે. ખુબ જ સાંકડા રસ્તાને કારણે એમ્બ્યુલન્સ પણ આ વિસ્તારમાં પ્રવેશી શકતી ન હોવાથી દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં તકલીફ પડે છે. ત્યારે તંત્ર દ્વારા વહેલીતકે આ વિસ્તારમાં પાકા રસ્તાનું નિર્માણ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠવા પામી છે.

ઠાસરા તાલુકાના નેશ ગામના શંકરપુરા વિસ્તારમાં અંદાજે ૧૫૦ જેટલાં પરિવારો રહે છે. તેમછતાં આજદિન સુધી આ વિસ્તારમાં જવા માટે સરકાર દ્વારા પાકા રસ્તાનું નિર્માણ કરવામાં આવ્યું નથી. જેને પગલે આ વિસ્તારને જોડતો રસ્તો આજે પણ ધૂળિયો અને ઉબડખાબડ હાલતમાં જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ચોમાસાની સિઝન દરમિયાન વરસતાં વરસાદને પગલે આ ધુળીયા અને ઉબડખાબડ માર્ગ પર કાદવ-કિચડનું ભારે સામ્રાજ્ય છવાઈ જતું હોય છે. તેવા સમયે આ વિસ્તારના રહીશોને અવર-જવર કરવામાં ઘણી તકલીફો વેઠવી પડતી હોય છે. તદુપરાંત ખુબ જ સાંકડા માર્ગને પગલે આ વિસ્તારમાં ૧૦૮ એમ્બ્યુલન્સ પ્રવેશી શકતી નથી.

જેને કારણે દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં પણ ઘણી તકલીફ પડે છે. જો આ વિસ્તારમાં આગનો બનાવ બને તો ફાયરફાઈટર પણ પ્રવેશી શકે તેમ નથી. ત્યારે ભવિષ્યમાં જો કોઈ મોટી આગની ઘટના બને તો ભારે નુકશાન થવાની દહેશત પણ સેવાઈ રહી છે. દેશ અને દુનિયા આજે હરણફાળ ભરી રહી છે, ત્યારે આ વિસ્તારના રહીશો પાકા રોડ-રસ્તા માટે છેલ્લાં ઘણાં વર્ષોથી વલખાં મારી રહ્યાં છે. સ્થાનિકોએ આ મામલે નેતાઓ તેમજ અધિકારીઓને અનેકવાર રજુઆતો પણ કરી છે. પરંતુ આ રજુઆતો તંત્રના બહેરા કાને અથડાતી નથી.

ચૂંટણી ટાણે મત મેળવવા આવતા નેતાઓ તમારા વિસ્તારમાં ઘરના ઉંબરા સુધી પાકા રસ્તા, પાણી અને ગટરની વ્યવસ્થા કરીશું તેવા વચનો સ્થાનિકોને આપે છે. દરેક વખતે નેતાઓની વાતોમાં આવી જઈ ગામડાંની ગરીબ અને નિર્દોષ પ્રજા પોતાના કિંમતી મતના સહારે નેતાઓને ચુંટી લાવે છે. પરંતુ ચૂંટાયા બાદ સાંસદ, ધારાસભ્ય, જિલ્લા પંચાયત સભ્ય, તાલુકા પંચાયત સભ્ય, સરપંચ કે વોર્ડ ના સભ્યો આ વિસ્તારમાં ડોકાતાં જ ન હોવાથી સ્થાનિકો વિકાસથી વંચિત રહ્યા છે. આ વિસ્તારમાં આજદિન સુધી કોઈ પણ વિકાસના કામો થયાં જ નથી. જેને પગલે આ વિસ્તારના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા આ વિસ્તારની પ્રજાને રોડ-રસ્તા સહિતની પ્રાથમિક સુવિધા મળે તે દિશામાં કામ કરવામાં આવે તે જરૂરી છે. આ ધુડીયા રસ્તાના કારણે પ્રજામાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. આ રસ્તાને લઇ આગામી દિવસોમાં આંદોલન થાય તેવી પણ શક્યતા જોવા મળી રહી છે.

Most Popular

To Top