‘બાર ગાઉએ બોલી બદલાય’જેવી ઉક્તિ આપણે ત્યાં પ્રચલિત છે, જે પ્રત્યેક વિસ્તારમાં બોલાતી બોલીઓની વિવિધતા સૂચવે છે. એક ગાઉ એટલે દોઢથી પોણા બે માઈલ, એટલે કે ત્રણેક કિલોમીટર. બોલીઓનું આગવું સૌંદર્ય હોય છે, એમ ભાષાનું પણ પોતીકું લાલિત્ય હોય છે. ભાષા ઘણે અંશે સ્વઓળખ, સ્વાભિમાન અને સંસ્કૃતિ સાથે સંકળાયેલી હોય છે. ભૌગોલિક, ઐતિહાસિક વિવિધતાની અસરો ભાષા અને બોલી બરાબર ઝીલે છે. એક રીતે જોઈએ તો ભાષાનો પ્રવાહ નિત્ય વહેતો રહે છે, જે સતત પરિવર્તનશીલ છે.
ઈન્ટરનેટના આગમન પછી અનેકવિધ નવા શબ્દો ભાષામાં પ્રવેશતા ગયા, જેના અર્થ અગાઉના અર્થ કરતાં સાવ જુદા હતા. કેવળ એક જ ઉદાહરણ જોઈએ તો, પહેલાં ‘ડીફૉલ્ટ’શબ્દ સાવ જુદા સંદર્ભે વપરાતો હતો. કોઈ પણ પ્રકારનું દેણું ચૂકવી શકવામાં સમર્થ હોય એવી વ્યક્તિ માટે આ શબ્દનો ઉપયોગ થતો. કમ્પ્યુટર અને ઈન્ટરનેટના આગમન પછી તેના સંદર્ભે આનો અર્થ સાવ બદલાઈ ગયો અને ‘મૂળભૂત’ જેવો થયો. કમ્પ્યુટર અને ઈન્ટરનેટને લગતા અનેક શબ્દોના અનુવાદની જરૂર વરતાતી નથી, કેમ કે, સહુ કોઈ તેને છૂટથી વાપરે છે અને તેનો અર્થ સમજાઈ જાય છે. આ એવું પરિવર્તન છે કે જે ઈચ્છા-અનિચ્છાએ પણ સ્વીકારવું પડે, કેમ કે, એ આપણા સ્વીકાર- અસ્વીકારની પ્રતીક્ષા માટે થોભતું નથી.
એવું નથી કે આ બાબત કેવળ ગુજરાતી ભાષાને જ લાગુ પડે છે. ઓસ્ટ્રેલિયાના પાટનગર કેનબેરા ખાતે આવેલા ઓસ્ટ્રેલિયન નેશનલ ડિક્શનેરી સેન્ટરના નિષ્ણાતો આજકાલ ‘ધંધે લાગેલા’છે. પોતાના દેશના ઈતિહાસ અને સંસ્કૃતિ સાથે સંકળાયેલા અનેકવિધ શબ્દો, શબ્દસમૂહો ચકાસવામાં તેઓ ખૂંપેલા છે. કારણ એ કે તેઓ પોતાના રાષ્ટ્રીય શબ્દકોશને આધુનિક સ્વરૂપ આપી રહ્યા છે. એવા અનેક શબ્દો તેમના ધ્યાનમાં આવી રહ્યા છે કે જેઓ એક સમયે ચલણી હતા અને ધીમે ધીમે તે લુપ્ત થઈ ગયા અથવા એમ થવાને આરે આવી ગયા.
આ કેન્દ્રનો આખો ઉપક્રમ અંગ્રેજીયતની અસરમાંથી મુક્ત થઈને પોતાની ભાષાને પુનઃપ્રાપ્ત કરવાનો છે. હકીકતમાં એક સમયે અંગ્રેજી વસાહત રહી ચૂક્યા હોય એવા મોટા ભાગના દેશોમાં આ કામ થઈ રહ્યું છે, કેમ કે, દોઢથી બે સદી દરમિયાન રહેલા અંગ્રેજી શાસનને પરિણામે અનેક દેશી શબ્દો અને શબ્દસમૂહો લુપ્ત થયા હશે, બદલાયા હશે તેમ જ અંગ્રેજી શબ્દો મૂળ સ્વરૂપે તેમ જ અપભ્રંશ સ્વરૂપે ભળ્યા હશે. આપણી પોતાની ગુજરાતી ભાષાની જ વાત કરીએ તો એમાં મૂળ સંસ્કૃત કે પ્રાકૃત ઉપરાંત અનેક અંગ્રેજી, અરબી, ઉર્દૂ શબ્દો આપણી ભાષાનો હિસ્સો બન્યા છે.
ઓસ્ટ્રેલિયન નિષ્ણાતો એવા શબ્દોનો સમાવેશ કરવા માંગે છે કે જે ઓસ્ટ્રેલિયામાં જ ઉદ્ભવ્યા હોય, દેશમાં વ્યાપક રીતે વપરાતા હોય અથવા ઓસ્ટ્રેલિયન ઈતિહાસમાં જેનું વિશેષ મહત્ત્વ હોય. આ કામ એટલું સહેલું નથી કેમ કે એના માટે ઝીણું કાંતવું જરૂરી બની રહે છે. એના માટે પુસ્તકો જેવાં પરંપરાગત માધ્યમોની સાથોસાથ ટ્વીટર જેવાં આધુનિક માધ્યમોનો સહારો પણ લેવો પડે. ઓસ્ટ્રેલિયન અંગ્રેજીની કથા પણ રસપ્રદ છે. અનેક સ્થાનિક ભાષાઓના મૃત્યુ સાથે ઓસ્ટ્રેલિયાએ પનારો પાડવાનો આવ્યો. ભાષાકીય પૂર્વગ્રહો પણ એમાં કામ કરતા રહ્યા અને પેઢી દર પેઢી બદલાતા રહેતા ઉચ્ચારો સ્વીકૃત બનતા ગયા. ભાષા અંગેનું આ પ્રકારનું કામ ઓસ્ટ્રેલિયા માટે પ્રમાણમાં નવું છે.
ઓસ્ટ્રેલિયન ભાષા પર પહેલવહેલું, ગંભીરતાથી કામ કરનાર સિડની બેકર ન્યુઝીલેન્ડનો વતની હતો અને તેણે ૧૯૪૫ માં એ અંગેનો પોતાનો અભ્યાસ પ્રકાશિત કરેલો. અલબત્ત, ઑક્સફર્ડ અંગ્રેજી ડિક્શનેરી અને ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટી વચ્ચેની ભાગીદારીના પરિણામરૂપે ‘ઓસ્ટ્રેલિયન નેશનલ ડિક્શનેરી’ની સૌ પ્રથમ આવૃત્તિ છેક ૧૯૮૮ માં પ્રકાશિત કરવામાં આવી. ઓસ્ટ્રેલિયનોને ખુદને પોતાની ભાષા તેમ જ બોલી વિશેષ હોવાનો અહેસાસ થતાં સમય લાગ્યો, કેમ કે, તેઓ એમ જ માનતા હતા કે પોતે મૂળ ઈન્ગ્લેન્ડની ભાષા એવી અંગ્રેજીનો તોડીમરોડીને ઉપયોગ કરી રહ્યા હતા.
જેને ઠેઠ ઓસ્ટ્રેલિયન કહી શકાય એવા અનેક શબ્દોને ભદ્ર લોકો નીચી નજરે જોતા હતા. ઓસ્ટ્રેલિયનોની ખાસિયત કહી શકાય એવી બાબત એ કહી શકાય કે તેઓ દેખીતી રીતે ‘નિર્દોષ’જણાતા શબ્દો યા શબ્દસમૂહનો ઉપયોગ એ રીતે કરે કે જેનાથી કોઈ જાતિ, લિંગ કે દેશનાં લોકો એનાથી અપમાનિત થાય. એથી વિપરીત, ગાળ જેવા શબ્દોને એટલી સામાન્ય રીતે વાપરે કે એ રોજબરોજની સામાન્ય વાતચીતનો હિસ્સો બની રહે. ૧૯૭૦ ના દાયકા પછી આવા અનેક શબ્દો ઓસ્ટ્રેલિયન અંગ્રેજીની ખાસિયત હોવાનો અહેસાસ થયો અને તેને પગલે આ પોતીકી અને આગવી ભાષાના ગૌરવની લાગણી પણ જન્મી.
હાલ કાર્યરત આ પ્રકલ્પમાં અનેક શબ્દો પર નિષ્ણાતો ચર્ચાવિચારણા કરી રહ્યા છે, જે કાં લુપ્ત થયા છે યા જેનું ચલણ ઘટ્યું છે. એવા પણ કેટલાક શબ્દો છે કે જે ચલણી હોવા છતાં એને સ્વીકારવા બાબતે સૌ એકમત નથી. મોબાઈલ ફોનના આગમન પછી તેના દ્વારા લઈ શકાતી પોતાની તસવીર માટે વપરાતો શબ્દ ‘સેલ્ફી’નું મૂળ ઓસ્ટ્રેલિયન હોવાનું સ્પષ્ટ છે, છતાં પૂરતા પુરાવાના અભાવે તેનો સમાવેશ આ ડિક્શનેરીમાં કરવામાં આવ્યો નથી. આવી તો જાતભાતની માથાકૂટમાંથી આ પ્રકલ્પ સાથે સંકળાયેલા નિષ્ણાતો પસાર થઈ રહ્યા છે.
આ સાંભળીને વિચાર આવે કે આપણે આપણી માતૃભાષાના અને બોલીના વિવિધ શબ્દો માટે આટલા બહોળા પટનું સમગ્રલક્ષી કામ ક્યારે હાથ પર લઈશું? કે પછી પચાસ-પંચોતેર કે સો વરસ અગાઉ સંપન્ન કરાયેલા ‘સાર્થ જોડણીકોશ’અને ‘ભગવદ્ગોમંડળ’પર સતત ગૌરવ લેતા રહીને જ કામ ચલાવી લઈશું? આ તબક્કે ‘ગુજરાતી લેક્સિકોન’દ્વારા કરવામાં આવેલી ‘લોકકોશ’ની પહેલનો ઉલ્લેખ કરવો જરૂરી છે, જેમાં લોકોને એવા શબ્દોનું પ્રદાન કરવા માટે આમંત્રવામાં આવે છે કે જે વ્યવહારમાં ચલણી હોય, પણ જોડણીકોશમાં સમાવાયેલા ન હોય. અલબત્ત, આ કામ વ્યાપક સ્તરે થવું જોઈએ. પણ એ હકીકત છે કે ભાષાને બચાવવાની ચિંતા કરવી સહેલી છે, જ્યારે આવું નક્કર કામ કરવું કઠિન છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.