Editorial

ગંભીર બિમાર દર્દીને સ્વેચ્છામૃત્યુનો અધિકાર: એક વિવાદાસ્પદ મુદ્દો

બ્રિટનની સંસદમાં શુક્રવારે એક મહત્વની ઘટના બની ગઇ. સંસદે એક ખરડો પસાર કર્યો છે જે એવા ગંભીર બિમાર  દર્દીઓને મૃત્યુ પામવા માટે તબીબી મદદ માગવાની છૂટ આપે છે કે જેઓ સાજા થઇ શકે તેવી કોઇ શક્યતા જણાતી  ન હોય. બ્રિટિશ સાંસદોએ આના પર એક ઐતિહાસિક ચર્ચા કરી હતી. ઇંગ્લેન્ડ અને વેલ્સ પ્રદેશમાં જેઓ સાજા નહીં  થઇ શકે તેટલી હદે બિમાર હોય તેમને તેમના જીવનનો અંત લાવવા માટેની એક દરખાસ્ત પર આ ચર્ચા શરૂ થઇ  હતી જેના પછી થયેલા મતદાનમાં બ્રિટિશ સાંસદોએ બહુમતિ મતદાન આ ખરડાની તરફેણમાં કર્યું હતું.

જે ખરડો ફક્ત  છ મહિના જ જીવતા રહેવાની શક્યતા ધરાવતા દર્દીઓને પોતાના જીવનનો અંત લાવવા માટે તબીબી સહાય  માગવા માટેની મંજૂરી આપવા માગે છે. આ છ જ મહિનાવાળી વાત મહત્વની છે. કેટલા કિસ્સામાં એમ ચોક્કસ કહી શકાશે કે આ દર્દી વધુમાં વધુ છ મહિના જ જીવી શકશે? વળી કેટલાક એમ પણ કહી શકે છે કે જો વધુ છ મહિના જ જીવી શકે તેમ હોય તો દર્દીએ થોડું સહન કરીને કુદરતી મોતે જ મરવુ જોઇએ. આટલી ઉતાવળ શા માટે કરવી જોઇએ? જો કે આ ખરડો બ્રિટનની સસદના નીચલા ગૃહ આમસભામાં પસાર થઇ ગયો છે.

ટર્મિનલી ઇલ એડલ્ટ્સ(એન્ડ ઓફ લાઇફ) બિલ એક ખાનગી સભ્યના ખરડા  તરીકે સંસદના મેજ પર મૂકવામાં આવ્યું હતું. લેબર પક્ષના સાંસદ કિમ લીડબિટર દ્વારા આ ખરડો રજૂ કરવામાં  આવ્યો હતો. આ ખરડાની તરફેણમાં ૩૩૦ અને વિરુદ્ધમાં ૨૭પ મત પડયા હતા. તે પપ મતોની બહુમતિથી નીચલા  ગૃહ આમ સભા કે હાઉસ ઓફ કોમન્સમાં પસાર થયો હતો. આનો અર્થ એ કે તે હવે આગળ વધી શકશે અને હાઉસ  ઓફ લોર્ડ્સ (ઉમરાવ સભા)માં જશે અને ત્યાં તેના પર ચર્ચા અને મતદાન થશે. આમસભામાં પક્ષોએ પોતાના સભ્ય સાંસદોને પક્ષની લાઇનથી ઉપર ઉઠીને પોતાના વિચાર મુજબ આ ખરડા પર મતદાન કરવાની છૂટ અપાઇ હતી.

આ ખરડા બાબતે બ્રિટિશ સમાજમાં સ્વાભાવિક રીતે જ મતભેદો હતા. આ ખરડાને  કેટલાક લોકો આસિસ્ટેડ ડાઇંગ અને કેટલાક લોકો આસિસ્ટેડ સ્યુસાઇડ ગણાવતા હતા. સ્વાભાવિક રીતે ઘણા લોકો અને ખાસ કરીને રૂઢિચુસ્ત ખ્રિસ્તીઓનો આવા ખરડા સામે વિરોધ હોય જ અને તેઓ આને આપઘાત જ ગણાવે. આ બાબતને કાનૂની બનાવવા  બાબતે સંસદના નીચલા ગૃહ આમસભાને મતદાન કરવાની પ્રથમ તક મળી હતી. ખરડાની દરખાસ્ત એવી છે કે  ઇંગ્લેન્ડ અને વેલ્સમાં વસતા ૧૮ વર્ષ કરતા વધુ વયના લોકો, જેમની છ મહિનામાં મૃત્યુની શક્યતા હોય તેઓ કોઇની મદદ વડે મૃત્યુ પામવા માટેની અરજી કરી શકશે.

આવી પસંદગી કરવા માટેની તેમની માનસિક ક્ષમતા પણ હોવી  જોઇએ અને તેમણે મરવા માટેની ઇચ્છા અંગે બે જુદા  જુદા ડેકલેરેશન કરવા જરૂરી છે. સ્વાભાવિક રીતે જ બ્રિટિશ સાંસદોમાં આ બાબતે ભારે મતભેદો હતો અને બહુ મોટી નહીં કહી શકાય તેવી બહુમતિથી આ ખરડો હાઉસ ઓફ કોમન્સમાં પસાર થઇ શક્યો છે. ભારતીય મૂળના સાંસદોમાં જોઇએ તો ભૂતપૂર્વ વડાપ્રધાન ઋષિ સુનક અને નીલ શાસ્ત્રીએ આ ખરડાની તરફેણમાં મત આપ્યો હતો, જ્યારે પ્રીતિ  પટેલ અને સુએલા બ્રેવરમેને ખરડાની વિરુદ્ધમાં મત આપ્યો હતો.

જો કે બ્રિટિશ આમસભામાં નોંધપાત્ર પ્રમાણમાં ભારતીય મૂળના સાંસદો છે, કોણે કેવો મત આપ્યો તે બધા સાંસદો વિશે જાણી શકાયું નથી, પણ કેટલાક જાણીતા નામો અંગે જ માહિતી મળી છે. ખરડો લેબર પક્ષના સાંસદ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો પણ ઘણા લેબર સાંસદોએ તેની વિરુદ્ધમાં મતદાન કર્યું હશે અને ઘણા કન્ઝર્વેટિવ સાંસદોએ તેની તરફેણમાં મતદાન કર્યું હશે કારણ કે નૈતિકતા, ધર્મ, લાગણીઓ વગેરે અનેક બાબતો સાથે જોડાયેલા આ મુદ્દે સ્વાભાવિક રીતે બધાના પોત પોતાના અભિપ્રાયો હોય.

ઇચ્છા મૃત્યુ કે યુથેનેસિયા એક વિવાદાસ્પદ મુદ્દો રહ્યો છે. ઘણા દેશોમાં પેસિવ યુથેનેસિયાની છૂટ છે જેમાં જેના જીવવાની આશા નહીં હોય તેવા દર્દીઓના વેન્ટિલેટર જેવા જીવન આધારના સાધનો ખસેડી લઇને તેમને મરવા દેવાય છે. કેટલાક ધર્મો પણ આની છૂટ આપે છે. એકટિવ યુથેનેસિયા એટલે કે ઝેરના ઇન્જેકશન જેવા સાધન વડે મૃત્યુ નિપજાવવાની છૂટ માત્ર ગણ્યાગાંઠ્યા દેશોમાં જ છે. બ્રિટનમાં જેનો કાયદો પસાર થયો છે તે એક પ્રકારનું સક્રિય સ્વેચ્છા મૃત્યુ જ છે. આ બાબત ગંભીર પણ છે. આનો ક્યારેક દુરુપયોગ પણ થઇ શકે છે. આથી આની જો કાનૂની છૂટ હોય તો પણ ખૂબ જ કાળજીની રાખવાની જરૂર રહે છે.

Most Popular

To Top