Comments

કોલેજ કક્ષાએ યોજાયેલ ‘નેક’નાં ત્રીજા રાઉન્ડનાં પરિણામો આશ્ચર્યજનક અને આઘાતજનક કેમ આવ્યાં…?!

કોરોના મહામારીમાં અને વાવાઝોડાના ઝંઝાવાતમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રની એક તાજેતરની ઘટના ઝાઝી પ્રકાશમાં આવી નથી અને ચર્ચાના ચગડોળે ચઢી નથી! વાત એમ છે કે આ વર્ષે ભારતની જે કોલેજો ‘નેક’ના ત્રીજા રાઉન્ડના ઇન્સ્પેકશનમાં ગઇ તેમાંની 70 ટકા કોલેજોનાં પરિણામો સંતોષપ્રદ આવ્યાં નથી, બલ્કે આઘાત જન્માવે તેવા આવ્યાં છે! જેણે સમગ્ર ઉચ્ચ શિક્ષણની કોલેજોને હતાશાની ગર્તામાં ધકેલી દીધી છે!!

આપણે જાણીએ છીએ કે કોલેજ અને યુનિવર્સિટી શિક્ષણની ગુણવત્તા ચકાસી તેને રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો (ગ્રેડ) આપવાનું કાર્ય બેંગ્લોર સ્થિત ‘નેશનલ એસેસમેન્ટ એન્ડ એકિડિટેશન કાઉન્સિલ’ National Assessment and Accreditation Council નામની એક સ્વાયત્ત સંસ્થા, જેને ટૂંકમાં ‘નેક’ થી ઓળખવામાં આવે છે તેના દ્વારા થાય છે. દર પાંચ-પાંચ વર્ષે આ પ્રકારનું નેશનલ લેવલનું ઇન્સ્પેકશન કરાવવું કોલેજો અને યુનિવર્સિટીઓ માટે ફરજિયાત છે.
આ પ્રકારના મૂલ્યાંકનમાં જતી કોલેજો કે યુનિવર્સિટીઓ ‘નેક’ને ઓનલાઈન એપ્લીકેશન દ્વારા પોતાનો ‘સેલ્ફ સ્ટડી રિપોર્ટ’ મોકલે છે, જે ‘નેક’ના પૂર્વનિર્ધારિત મેન્યુઅલ મુજબ તૈયાર કરીને મોકલવાનો હોય છે ‘સેલ્ફ સ્ટડી રિપોર્ટ’ના ડેટાની ઊંડાણપૂર્વકની ચકાસણી અને ફોસવેરિફિકેશન ‘નેક’ ટીમ દ્વારા ઇન્ટરનલી કર્યા બાદ, ‘નેક’ ટીમ જે તે સંસ્થાની રૂબરૂ મુલાકાતે આવે છે.

‘નેક’ ટીમમાં એક ચેરમેન, એક મેમ્બર કોર્ડિનેટર અને એક કોર્ડિનેટર મળી કુલ ત્રણ સભ્યોને સમાવેશ થાય છે. જે રાજ્યની સંસ્થાનું મૂલ્યાંકન કરવાનું હોય તે રાજ્ય સિવાયના અન્ય રાજયના સભ્યો વિઝીટ પર આવે છે જેથી મૂલ્યાંકનમાં આત્મલક્ષીપણું પ્રવેશી ન શકે અને મૂલ્યાંકન તટસ્થ અને વિશ્વસનીય બની રહે. ટીમના ચેરમેનપદે મોટે ભાગે ભારતની કોઇ પણ યુનિવર્સિટીના કાર્યરત કુલપતિ કે પૂર્વ કુલપતિ હોય કે મૂલ્યાંકન સંપૂર્ણ વિશ્વસનીય રીતે થાય તેની પૂરતી તકેદારી રાખવામાં આવે છે અને તે માટેની સઘન પૂર્વ તાલીમ ટીમના સભ્યોને અગાઉથી પૂરી પાડવામાં આવે છે. મૂલ્યાંકન માટે આવતાં પહેલાં તે માટેનો અનુકૂળ સમય, તારીખ, સંસ્થા પાસેથી મેળવીને, સંસ્થાને જે તારીખ અનુકૂળ હોય તે તારીખે ટીમ સંસ્થાની વિઝીટ કરે છે અને તેના ત્રણ મહિના પહેલાં તેની જાણ જે તે સંસ્થાને કરવામાં આવે છે, જેથી સંસ્થાને છેલ્લી ઘડીનાં બાકી કામો પૂર્ણ કરવા સમય મળી રહે છે. વિઝીટ દરમિયાન નેક ટીમના સભ્યો પ્રથમ પ્રિન્સિપાલને, ત્યાર બાદ ફેકલ્ટીને, વહીવટી કર્મચારીઓને, વાલીમંડળને પ્રવર્તમાન વિદ્યાર્થીઓને, ભૂતપૂર્વ વિદ્યાર્થીમંડળને, મેનેજમેન્ટને અલગ અલગ સેશનમાં રૂબરૂ મળે છે અને પ્રશ્નોત્તરી દ્વારા અગાઉ સેલ્ફ સ્ટડી રિપોર્ટમાં જણાવેલ ડેટાનું ક્રોસવેરિફિકેશન કરે છે.

મુલાકાતના અંતિમ દિને ટીમે તૈયાર કરેલ મૂલ્યાંકન રિપોર્ટ ખાનગી રાહે પ્રિન્સિપાલને વાંચવા માટે આપવામાં આવે છે. જેમાં હકારાત્મક પાસાં અને નકારાત્મક પાસાંનો નિર્દેશ કરેલો હોય છે. તેમાં જો પ્રિન્સિપાલને કંઈ વાંધાજનક લાગે તો ટીમના સભ્યો સાથે ચર્ચા કરી તેમાં સુધારા- વધારા કરવાનો અવકાશ પણ છે. ત્યાર બાદ તેના પર પ્રિન્સિપાલની સહી લઈ, ટીમના ત્રણે સભ્યો સહી કરે છે અને એકઝીટ મીટીંગમાં આ બંધ કવર પ્રિન્સિપાલને સુપ્રત કરવામાં આવે છે. પરિણામ જાહેર ન થાય ત્યાં સુધી તેને ખોલવું નહિ આ પ્રકારનું મૌખિક કમિટમેન્ટ પ્રિન્સિપાલ પાસેથી મેળવવામાં આવે છે. આમ સમગ્ર પ્રક્રિયા તેના નિર્ધારિત સમયમાં, વિવિધ તબક્કાઓમાં સંપૂર્ણ સ્વસ્થ, મૈત્રીપૂર્ણ વાતાવરણમાં અઢી દિવસમાં પૂર્ણ થાય છે. ત્યાર બાદ ‘નેક’ની સભા જયારે મળે ત્યારે પરિણામ ઓનલાઈન જાહેર કરવામાં આવે છે. સમગ્ર પ્રક્રિયામાં કોઇ ઘાલમેલ કે ભ્રષ્ટાચાર ન થાય તેની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવે છે. આ તો થઇ સમગ્ર મૂલ્યાંકન પ્રક્રિયાની વાત. આટલી પારદર્શિતા અને તટસ્થતાથી થતી આ મૂલ્યાંકન પ્રક્રિયા સામે પણ હવે શંકાની સોય ચીંધાય એવું બનવા લાગ્યું છે! આ વર્ષે તાજેતરમાં ત્રીજી સાયકલનાં પરિણામોએ નેક ટીમના સભ્યોને પણ શંકાના ઘેરામાં મૂકી દીધા છે!!

ખેર! સમગ્ર ભારતની વિવિધ કોલેજોના ત્રીજી સાયકલનાં પરિણામોએ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે હતાશાજનક, ઘેરા પ્રત્યાઘાતો પાડયા છે એ નક્કી! આ માત્ર ગુજરાતની ગણી ગાંઠી કોલેજોનાં પરિણામોની વાત નથી! પહેલા રાઉન્ડમાં, બીજા રાઉન્ડમાં સતત બે વાર ‘એ’ ગ્રેડ પ્રાપ્ત કરનાર ઘણી કોલેજો ‘બી’ ગ્રેડમાં અને ‘બી’ગ્રેડવાળી કોલેજો ‘સી’ ગ્રેડમાં ધકેલાઈ ગઇ. ખરેખર અપેક્ષા તો એવી હોય કે ક્રમશ: ગ્રેડ અને CGPA વધવા જોઇએ છતાં ઉલટું બન્યું! તે સામે કેટલીક કોલેજોના ગ્રેડમાં કોઇ ફેર ન પડયો પણ CGPA જરૂર વધ્યા તે સમજી શકાય તેવી આવકાર્ય બાબત ગણાય, પરંતુ સતત બે રાઉન્ડમાં ‘એ’ ગ્રેડવાળી કોલેજો ધડમ દઈને ‘બી’ પર આવી જાય અને ધોબીપછડાટ ખાય તે સમજમાં આવતું નથી!

આ લખનારે નેક ટીમના કેટલાંક પૂર્વ સભ્યો સાથે ટેલિફોનિક ચર્ચા કરી ત્યારે જે વાત બહાર આવી તે આ પ્રકારની છે: (1) ‘એ’-ગ્રેડ પ્રાપ્ત કરનાર કોલેજો ઓવર કોન્ફીડન્સમાં રહી. તેને લાગ્યું કે આપણું Infrastructure અને Instructional ફેસેલિટી અવ્વલ કક્ષાના છે અને હવે તેમાં નવું કશું ઉમેરવા જેવું નથી. તેથી પ્રતિ વર્ષ તેમાં જે નાવીન્યો ઉમેરવા જેવાં લાગે તે ઉમેર્યાં નહિ! અને પાંચ વર્ષ ઊંઘતી રહી!! (જો કે આ તો ભારતીયોની ખાસિયત છે એટલે નવાઈ પામવા જેવું નથી.) (2) ‘એ’ ગ્રેડ પ્રાપ્ત કરનાર કોલેજો તેનાં અગાઉના મૂલ્યાંકન રિપોર્ટમાં જણાવેલ ખામીઓ, મર્યાદાઓ દૂર કરી શકી નહિ. (3) અધ્યાપકો પક્ષે રિસર્ચ અને આઉટ રિચ એકટીવિટી જે પાયાની બાબત છે તે થઇ શકી નહિ! એક વાર ઊંચો ગ્રેડ પ્રાપ્ત કર્યા બાદ તેમનામાં પલાયનવૃત્તિ, આળસ અને બેજવાબદારીપણું પ્રવેશ્યાં. (4) ‘એ’ ગ્રેડ પ્રાપ્ત કરનાર કોલેજોને સરકાર તરફથી કોઇ પ્રોત્સાહક લાભો, વધારાની ગ્રાન્ટ કે અન્ય કોઇ સહાય પ્રાપ્ત થતાં નથી તો શા માટે દર પાંચ વર્ષે મજૂરી કરવી એવો નકારાત્મક ભાવ મજબૂત બન્યો, જેને પરિણામે દર પાંચ વર્ષે નેકના ઈન્સ્પેકશન બાબતે ક્રમશ: ઉત્સાહ, પ્રતિબદ્ધતા અને કાર્યક્ષમતામાં ઘટાડો નોંધાવા લાગ્યો! (5) આરંભે શૂરા… અને શરૂઆતમાં જોર લગા કે હઇ શો..! અને પછી માત્ર હઇ શો!!

આવા સ્થાયીભાવ અને વલણથી ઘણી કોલેજની હવા નીકળી ગઈ! (6) ત્રીજા રાઉન્ડમાં કેટલાંક મૂલ્યાંકન ફાઈટેરિયા અને તેના સ્વરૂપ, ધારા-ધોરણો અને પ્રક્રિયામાં પણ અણધાર્યા ફેરફારો આવ્યા જે સમયમર્યાદામાં પૂર્ણ થઇ શકયા નહિ. (7) કોલેજોની લાયબ્રેરી, લેબોરેટરી, કાયમી અધ્યાપકો, વિદ્યાર્થીઓ સાથેનો ટીમના સભ્યોનો ઓનલાઈન વાર્તાલાપ, વિદ્યાર્થીઓના પ્લેસમેન્ટ જેવા પ્રશ્નો આડે આવ્યા. (8) ઓન લાઈન રિપોર્ટ સબમિશન બાદ 60 ટકા જેટલું મૂલ્યાંકન ‘નેક’ ટીમે External out Sourcing થી કરી દીધું, માત્ર 40 ટકા અવલોકન અને ક્રોસવેરિફિકેશન ટીમે રૂબરૂ કોલેજોમાં આવીને કર્યું. તેથી ક્રોસવેરિફિકેશન દરમિયાન કોલેજના ઘણા ખોટા અને આભાસી ડેટા પકડાયા જે તેમના સેલ્ફ સ્ટડી રિપોર્ટ સાથે મેચ થતાં નહોતા! જેની સીધી અસર ગ્રેડ ઉપર પડી!! (9) હોતા હૈ, ચલતા હૈ, પડશે તેમ દેવાશે, મારું શું? મારે શું? જેવી માનસિકતાએ કાર્ય કરવાનો ટેમ્પ્રામેન્ટ અને પ્રતિબદ્ધતા ઘટાડયાં, તેથી કોલેજના અધ્યાપકોનું ટીમવર્ક તૂટયું! અને આભાસી ડેટા, વાસ્તવિકતા સામે ટકી ન શકયા! આગ લાગે ત્યારે કૂવો ખોદવાની આપણી જૂની આદતને કારણે આ પ્રકારનાં આઘાતજનક પરિણામો મળ્યાં!

  • વિનોદ પટેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top