ગાંધીનગર : ગુજરાતમાં (Gujarat) ચૂંટણી (election) જીતવા આમ આદમી પાર્ટીએ (AAP) કમર કસી નાંખી છે. આમ આદમી પાર્ટીએ ડોક્ટર સંદીપ પાઠકને (Dr. Sandeep Pathak) ગુજરાતના પ્રભારી બનાવ્યા છે. જ્યારે ઈલેક્શન ઈન્ચાર્જની (election incharge) જવાબદારી ગુલાબ સિંહને સોંપવામાં આવી છે. પંજાબ (Punjab) વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ આપે અન્ય રાજ્યોમાં પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. નોંધનીય છે કે પંજાબમાં આપની જીતનો મોટો શ્રેય ડૉ. સંદિપ પાઠકને જાય છે. સંદીપ પાઠકના કામથી ખુશ થઈને પાર્ટીએ તેમને રાજ્યસભાના ઉમેદવાર પણ બનાવ્યા છે.
પંજાબ વિધાનસભા ચૂંટણી 2022માં આપની જીત બાદ હવે આપ ગુજરાતમાં પણ પંજાબની રણનીતિની જેમ જ ચૂટંણી લડવાની તૈયારી દાખવી રહ્યું છે. તે માટે આપ 9 રાજ્યોમાં પોતાનું સંગઠન મજબૂત કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. હવે આ રાજ્યોમાં પાર્ટીને મજબૂત કરવા અલગ અલગ લોકોને જવાબદારી આપવામાં આવી છે. તેમજ ગુજરાતની જવાબદારી ડૉ. સંદીપ પાઠકને આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષના અંતમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. તેને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીએ આ પગલાં લીધા છે. પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આપ પાર્ટીએ ઘણું સારું પ્રદર્શન રહ્યું હતું તેથી હવે આપ પાર્ટીની નજર અન્ય રાજ્યોની સત્તા મેળવવામાં છે અને અત્યારથી પાર્ટીએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
તમને જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશ માટે દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને ઇલેક્શન ઇન્ચાર્જ જ્યારે દુર્ગેશ પાઠકને પ્રભારી બનાવ્યા છે. તેમજ દિલ્હીના ગ્રેટર કૈલાશથી ધારાસભ્ય સૌરભ ભારદ્વાજને હરિયાણાના ઇલેક્શન ઇન્ચાર્જ જાહેર કર્યા છે. ત્યારે દ્વારકાના ધારાસભ્ય વિનય મિશ્રાને રાજસ્થાનના ઇલેક્શન ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે.
ડોક્ટર સંદીપ પાઠક મૂળ છત્તીસગઢના મુંગેલી જિલ્લાના લોરમીમાં રહે છે. અને તેમના ગામનું નામ બટહા છે. સંદીપનો જન્મ 1979માં થયો હતો. તેમણે તેમનો અભ્યાસ એમએસસી સુધી કર્યો હતો. અને ત્યાર બાદ બાકીનો અભ્યાસ હૈદરાબાદ કર્યો અને પીએચડી કરવા માટે બ્રિટન ગયા હતા. પાઠક આઇઆઇટી દિલ્હીમાં ફીઝિક્સના જાણીતા પ્રોફેસર છે. સંદીપ પાઠકને બુથ લેવલ સુધી સંગઠન બનાવવામાં મહારથ હાંસલ છે. આ પહેલા 2020 દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પણ ડોક્ટર સંદીપ પાઠકે આમ આદમી પાર્ટી માટે કામ કર્યું હતું.