Comments

સંપૂર્ણ આઝાદીનો સંકલ્પ અને સ્ત્રી સ્વતંત્રતા

૧૫મી ઓગસ્ટ ૨૦૨૪. આજે ૭૭  વર્ષની ઉંમરે ભારત દેશ ઊભો છે. આ વર્ષોમાં દેશ ઘણી રીતે મજબૂત અને સક્ષમ બન્યો છે. ઘણી સિધ્ધિ હાંસલ કરી છે. છતાં આપણે આદર્શથી હજુ ઘણાં દૂર છીએ. સૌના ભાગે સ્વતંત્રતા સમાન વેશે નથી આવી. જાતિ, જ્ઞાતિ, ધર્મ, પ્રાંત, ભાષા જેવા અનેક કાંટલે તોળાઇને દરેકને પોતાની સ્વતંત્રતાનો હિસ્સો મળે છે. પડકારોની યાદી તો ઘણી લાંબી છે, પણ અહીં ધ્યાન કેન્દ્રિત કરવું છે દેશની આશરે પચાસ ટકા વસ્તી ધરાવતી મહિલાઓ પર, તે પણ એવી મહિલાઓ પર કે જેમણે  ગર્વ થાય એવી સિધ્ધિ મેળવી હોય અને છતાં સ્ત્રી હોવાની કિંમત ચૂકવી હોય. બહુ લાંબો ઇતિહાસ તપાસવો નથી. ઓગસ્ટ મહિનાના માત્ર બે અઠવાડિયાના જ કેટલાક સમાચારો પર નજર કરતાં  દેખાય છે કે સમાનતા અને બંધુત્વના જે આદર્શનુ સપનું લઈ આપણે આઝાદ ભારતની સફર શરૂ કરી હતી એ દિશામાં હજુ ઘણી લાંબી મજલ બાકી છે.

એક તરફથી કોલકત્તાની સરકારી હોસ્પિટલમાં ૩૧ વર્ષની મહિલા તબીબ સાથે બળાત્કાર અને હત્યાના  સમાચાર આવે છે, સ્ત્રીઓ દરેક ક્ષેત્રે આગળ આવી શકી છે એ માટેની તક ઊભી કરી શક્યા છીએ એ વાત માટે ચોક્કસ ગર્વ છે. પણ, એ સાથે સાથે રોજે રોજ વધી રહેલા જાતીય સતામણીના બનાવો મહિલાની સુરક્ષા અંગે અનેક સવાલો ઊભા કરે છે એ તરફથી ધ્યાન હટતું નથી. દરેકને સુરક્ષિત વાતાવરણ મળે એ તો સૌનો મૂળભૂત અધિકાર છે જેની માંગ માટે મહિલાઓએ વારંવાર સડકો પર આવવું પડે છે અને અવાજ ઉઠાવવો પડે છે! 

૩૬ કલાકથી સેવામાં હાજર આ યુવાન ડૉક્ટર માટે  પોતાની હોસ્પિટલ તો સૌથી સલામત સ્થળોમાંનું એક હોવું જોઈએ ને? કઇ રીતે એક માણસ રોકટોક વગર હોસ્પિટલ જેવા જાહેર સ્થળે બળાત્કાર અને હત્યા જેવો જઘન્ય અપરાધ કરી શકે! દિવસ રાત કામ કરતાં ડોકટરોને ઘડીભર આરામ કરવા માટે એક અલાયદા ઓરડા જેટલી સગવડ કેમ ના હોય, ખાસ કરીને જ્યારે મેડિકલમાં મહિલા વિદ્યાર્થીનું પ્રમાણ વધી રહ્યું છે! મમતા બેનરજીએ પોલીસને એક અઠવાડિયાના સમયમાં કેસનો ઉકેલ લાવવાનો આદેશ આપ્યો છે. પોલીસે એક શકમંદ વ્યક્તિની ધરપકડ પણ કરી છે. પણ એક આશાસ્પદ જિંદગીના અકાળે આવેલા અંત સામે એ બધું વામણું અને બેઈમાની લાગે છે.

બીજી તરફ પેરિસ ઓલિમ્પિકથી વીનેશ ફોગાટના સમાચાર આવે છે. અભેદ્ય ગણાતી વિશ્વ ચેમ્પિયન જાપાનની યુ સુસાકીને શાનદાર રીતે પરાસ્ત કર્યાનો આનંદ હજુ ઓસર્યો ન હતો ત્યાં ૧૦૦ ગ્રામ વધુ વજનને કારણે વીનેશને ફાઇનલ રાઉન્ડ માટે ગેરલાયક ઠેરવતાં સમાચારનો આઘાત આવે છે. ઓલિમ્પિકની તૈયારી બે-અઢી વર્ષ પહેલાંથી શરૂ થઈ જતી હોય છે, ત્યારે ખેલાડી મન અને શરીરથી સ્પર્ધા માટે સજ્જતા કેળવે છે. પણ, વીનેશનો આ સુવર્ણ સમય તો કુસ્તી ફેડરેશનના માંધાતાઓ દ્વારા થતી જાતીય સતામણી વિરુધ્ધ લડવામાં દિલ્હીની સડકો પર ગયો!

હક અને સન્માનની આ લડાઈ વીનેશ પૂરી હિંમત અને પ્રતિબધ્ધતાથી લડી, પણ એની લડાઈમાં એના મેડલનું કોઈ વજન ના પડ્યું! આદર્શ સ્થિતિમાં એણે ૫૩ કી.ગ્રા.ની કક્ષામાં ભાગ લીધો હોત, પણ વેડફાયેલા  સમયે એને ૫૦ કી.ગ્રા.ની શ્રેણીમાં ભાગ લેવા મજબૂર કરી. જો કોઈનું વજન કાયમ રહ્યું તો તે વ્રજભૂષણ શરણસિંઘનું! લોકસભાની ચૂંટણી સુધી એમનું સાંસદપદ ચાલુ રહ્યું, ના એમને રાજીનામું આપવાની જરૂર લાગી ના તેમના પક્ષના નેતાઓને એની નૈતિક જવાબદારી જણાઈ!

દિલ્હી પોલીસે એમની સામે એફ. આઈ. આર. કરી તો એમની ચૂંટણી લડવાની ટિકિટ ના અપાતાં એમનો દીકરો ચૂંટણી જીતીને સાંસદ બન્યો! સિંઘ પરિવારનો દબદબો ચાલુ રહ્યો! વીનેશની ગેરમાન્યતાના સમાચાર પછીના બીજા દિવસે સંસદમાં ખેલકૂદ મંત્રીએ વીનેશને સરકાર તરફથી કેટલો ટેકો મળ્યો છે એની વિગતવાર રજૂઆત કરી. ખર્ચાયેલા એક એક રૂપિયાનો હિસાબ રજૂ કરી તેમણે ખેલાડી પ્રત્યેની પ્રતિબધ્ધતા રજૂ કરી કે પછી સત્તાને પડકારનાર રાજકીય કાવાદાવાનો શિકાર નથી બન્યો એવા બચાવ માટેની ભૂમિકા બાંધી?

આ પછી સવાલ તો ઊઠવો જ જોઈએ કે શું સ્વતંત્ર ભારતમાં મહિલાઓ બેખોફ પોતાની પ્રતિભાનું ખેડાણ કરી શકે છે? એટલી સ્વતંત્રતા એમના હિસ્સે આવી છે ખરી? ઉપરના બંને કિસ્સામાં એવી બહેનોની વાત છે, જેમણે પોતાની મહેનત અને આવડતથી ઊભી થયેલી તકનો લાભ લીધો અને આગળ આવી. સામાન્ય સંજોગોમાં એમનાં ઉદાહરણ મહિલા સશક્તિકરણની સિધ્ધિ ગણાવવામાં લેવાયાં હોત. બધી સ્પર્ધાઓમાં ઉત્તીર્ણ થઇ પ્રતિષ્ઠિત કારકિર્દીમાં આગળ વધતી  એક ડૉક્ટરને સલામતીની ખાતરી નથી તો અન્ય મહિલાઓનું શું થતું હશે?

આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધત્વ કરતી ખેલાડીએ રસ્તા પર આવી જાતીય સતામણી સામે બંડ પોકાર્યો હોય છતાં એણે કરેલા આક્ષેપો પર પગલાં લેવાની ગંભીરતા સત્તાધીશોને નહીં લાગી હોય તો કોણ બહાર આવીને બોલવાની હિંમત કરશે? સ્ત્રીઓની અડધી સ્વતંત્રતા તો જાતીય સતામણીની સંભાવનાની બીકને કારણે જ રૂંધાઈ જતી હોય છે. દેશને, હવે સંપૂર્ણ આઝાદી તરફના પ્રયાણ માટે સંકલ્પની જરૂર છે.
નેહા શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top