કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં આર્થિક મામલે કોઈ જ સમસ્યા નહી હોવાની ભલે જાહેરાતો કરવામાં આવતી રહે પરંતુ વાસ્તવિકતા એ છે કે આર્થિક મોરચે દેશની સ્થિતિ હજુ પણ વિષમ છે. દેશમાં ફુગાવાની સાથે મોંઘવારી કાબુમાં આવી રહી નથી અને તેને કારણે નવી નાણાકીય નીતિની જાહેરાત કરતી વખતે રિઝર્વ બેંકએ છઠ્ઠી વખત રેપો રેટમાં 0.25 બેસિસ પોઈન્ટનો વધારો કરવો પડ્યો છે. રેપો રેટમાં વધારો કરવાને કારણે તમામ કેટેગરીમાં લોન મોંઘી થશે, ઈએમઆઈ વધશે અને તેને કારણે તેનો સીધો બોજ નાગરિકો પર પડશે.
જોવા જેવું છે કે મે મહિના પછી રેપોરેટમાં 2.50નો વધારો કરવામાં આવ્યો છે. પહેલા રેપોરેટ 4.00 હતો અને હવે નવો રેપોરેટ 6.50 થઈ ગયો છે. આમ તો સરકારે રજૂ કરેલી માહિતી પરથી એવું ફલિત થાય છે કે મે માસની બાદની સ્થિતીમાં સુધારો થયો છે. ડિસેમ્બર-2022માં ભારતનો છૂટક ફુગાવો ઘટીને 5.72 ટકા થયો હતો પરંતુ તે વધુ છે. હજુ પણ ફુગાવાનો દર ઘટવો જોઈએ. આ માટે જ રિઝર્વ બેંક દ્વારા રેપોરેટમાં વદારો કરવામાં આવ્યો છે. ફુગાવાને અંકુશમાં લેવા માટે રિઝર્વ બેંક દ્વારા વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો છે પરંતુ આ વધારો અસરકારક રહેશે કે કેમ? તે મામલે મોટી શંકા છે.
રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી હેઠળ રેપો રેટમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એવું અનુમાન કરવામાં આવ્યું છે કે વર્ષ 2023-24માં ફુગાવાનો દર 4 ટકાથી વધારે એટલે કે અંદાજીત 6.5 ટકા રહેશે. 2024માં વાસ્તવિક જીડીપીનો દર 6.4 રહેશે પરંતુ સાથે સાથે ફુગાવો 5.3 ટકા રહેશે તેવું પણ અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.
રિઝર્વ બેંક દ્વારા રેપોરેટમાં કરાયેલા વધારાથી જેમણે ફિક્સ્ડ ડિપોઝિટો બેંકમાં મુકી છે તેમને વ્યાજદરમાં વધારો મળશે પરંતુ જેમણે લોન લીધી છે તેણે વધુ હપ્તા ચૂકવવાના આવશે. જે નાગરિકો પર બોજો વધારશે. રિઝર્વ બેંક દ્વારા ફુગાવાને કાબુમાં લેવા માટે રેપોરેટ વધારવામાં આવી રહ્યો છે પરંતુ આગામી દિવસોમાં આખા વિશ્વમાં મંદી વ્યાપી જવાની આગાહીઓ કરવામાં આવી છે. આ સંજોગોમાં જો રિઝર્વ બેંક દ્વારા રેપોરેટ જ વધારવામાં આવશે તો ભૂતકાળની જેમ વ્યાજદરની સ્થિતી બને તેવી સંભાવના છે.
ભારતમાં હાલમાં એવી સ્થિતી છે કે જે મોટા ઉદ્યોગગૃહો છે તેમની આવક વધી રહી છે. નેશનલ અને મલ્ટિનેશનલ કંપનીઓને કારણે નાના વેપારીઓનો મરો થઈ રહ્યો છે. નાના વેપારીઓના ધંધા નહી ચાલવાને મોંઘવારી ક્યારેય ઘટવાની નથી. ઉપરથી વધશે જ. સાથે સાથે ફુગાવો પણ વધશે. સરકારે રિઝર્વ બેંક મારફત રેપો રેટ વધારવાની સાથે સાથે અસંગઠીત ક્ષેત્રના નાના વેપારીઓ પણ કમાઈ તે પ્રકારે પગલા લેવાની જરૂરીયાત છે. છેલ્લા કેટલાક વર્ષોમાં જોવામાં આવે તો દેશમાં સ્મોલ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝ વધવાને બદલે ઘટી રહી છે.
સરકારે ખાસ ધ્યાન નાના વેપારીઓ માટે આપવાની જરૂરીયાત છે. ભૂતકાળમાં જ્યારે મનમોહનસિંહ ભારતના વડાપ્રધાન હતા ત્યારે તેમણે ફિક્કીના એક કાર્યક્રમમાં મોટી કંપનીઓને તેમની પાસે રહેલી મૂડીને બજારમાં નાખવા માટે કહ્યું હતું. તેમનો કહેવાનો આશય એવો હતો કે જો બજારમાં મૂડી ફરશે તો તેજીનો માહોલ દેખાશે. હાલમાં દેશમાં મોટા ઉદ્યોગજુથો કમાઈ રહ્યા છે અને તેમની પાસે અબજો રૂપિયાની મૂડી છે પરંતુ નાના વેપારીઓની મૂડી ઘસાઈ રહી છે. જે તે દેશનો ત્યારે જ વિકાસ થતો હોય છે કે જ્યારે નાના વેપારીઓ, નાના એકમોનો ધંધો ચાલે. તેઓ કમાઈ અને તેને કારણે તેજીનું ચક્ર આખા દેશમાં ફરે. કેન્દ્ર સરકાર આ સમજશે તો દેશમાં ફુગાવો જલ્દી કાબુમાં આવશે તે નક્કી છે.