Columns

આવકવેરો ઘટાડવા દ્વારા બજેટમાં અપાયેલી રાહત મૃગજળ સમાન છે

ભારતનો જે મધ્યમ વર્ગ છે તે ભાજપની સૌથી મોટી મતબેન્ક હોવા ઉપરાંત દેશનો સૌથી વધુ શોષિત અને સૌથી વધુ ઉપેક્ષિત વર્ગ છે. શ્રીમંતો માટે કોઈ મોંઘવારી કે બેકારીની પીડા નથી. ગરીબો સરકારની રેવડી પર આરામથી જીવી જાય છે, પણ મધ્યમ વર્ગ ઘંટીના બે પડ વચ્ચે ભીંસાય છે. ફુગાવો અને મોંઘવારી તેના બે સૌથી મોટા દુશ્મનો છે. બાંધી આવકમાં બે છેડા કેવી રીતે ભેગા કરવા તેની તેને કાયમની ચિંતા હોય છે.

આ વર્ષના બજેટમાં નાણાં મંત્રી નિર્મલા સીતારામને મધ્યમ વર્ગને રાહત થાય તેવી કેટલીક જાહેરાતો કરી છે, પણ આ બજેટમાં મધ્યમ વર્ગને કલ્લી બતાવીને રૂપિયો પડાવી લેવાની રમત રમવામાં આવી છે. ભારતનાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામને તેમનાં બજેટ ભાષણમાં જાહેરાત કરી હતી કે ૧૨ લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ આવકવેરો ચૂકવવો પડશે નહીં. નોકરીયાત લોકો માટે આ મર્યાદા વધારીને ૧૨ લાખ ૭૫ હજાર રૂપિયા કરવામાં આવી છે. આ જાહેરાતથી કદાચ મધ્યમ વર્ગ ભોળવાઈ જશે, પણ તેને ખબર નથી કે સીધા કરવેરામાં ઘટાડા દ્વારા તેને જે રાહત આપવાનો દેખાવ કરવામાં આવ્યો છે, તે રાહત જીએસટી જેવા આડકતરા કરવેરામાં સતત વધારા દ્વારા ઝૂંટવી લેવામાં આવી છે.

નિષ્ણાતોનું કહેવું છે કે, દેશમાં જીએસટીનું કલેક્શન સતત વધી રહ્યું છે, તેનો અર્થ એ છે કે સરકાર પરોક્ષ કરવેરા દ્વારા લોકોનાં ખિસ્સાંમાંથી વધુ પૈસા કાઢી રહી છે. વર્ષ ૨૦૨૩ ની સરખામણીમાં વર્ષ ૨૦૨૪ માં તેમાં ૭.૩ ટકાનો વધારો થયો છે અને ડિસેમ્બર ૨૦૨૪ માં તે ૧.૭૭ લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. તેને કારણે સરકાર આવક વેરો નાબૂદ કરે તો પણ ફરક પડવાનો નથી. ભારતમાં મોટા ભાગના જીવનાવશ્યક માલ અને સેવાઓ પરનો GST દર ૧૮ ટકા કે તેથી વધુ છે, જેના કારણે મોંઘવારી વધી રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે GSTના રૂપમાં ઊંચા પરોક્ષ કરને કારણે સામાન્ય ગ્રાહકોની ખરીદશક્તિ ઘટી રહી છે. જીવનજરૂરિયાતનો સામાન મોંઘો થવાને કારણે ગ્રાહકો ઓછી ખરીદી કરી રહ્યા છે. GSTનો માર તો મધ્યમ વર્ગથી માંડીને ગરીબમાં ગરીબ વર્ગ પર પણ પડે છે, જેને સરકાર રેવડી આપીને જીવાડી રહી છે.

ભારતમાં, મધ્યમ વર્ગની વ્યાખ્યામાં એવા લોકોનો સમાવેશ થાય છે જેમની વાર્ષિક આવક રૂ. ૫ થી ૩૦ લાખ વચ્ચે છે. પીપલ્સ રિસર્ચ ઓન ઈન્ડિયાઝ કન્જ્યુમર ઈકોનોમી અનુસાર, હાલમાં દેશની ૪૦ ટકા વસ્તી મધ્યમ વર્ગ હેઠળ આવે છે. ૨૦૧૬માં ૨૬ ટકા લોકો મધ્યમ વર્ગની શ્રેણીમાં આવ્યા હતા. મધ્યમ વર્ગનું કદ સતત વધી રહ્યું છે. ભારતીય અર્થતંત્ર હાલમાં માંગના અભાવને કારણે સંઘર્ષ કરી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે માલ અને સેવાઓનો સૌથી મોટો ઉપભોક્તા જૂથ મધ્યમ વર્ગ પૈસાની બચત કરી શકતો નથી, તેથી તેમની ખરીદશક્તિને અસર થઈ છે અને માંગમાં ઘટાડો થયો છે.

વપરાશમાં ઘટાડો થતો હોવાથી કંપનીઓ ઉત્પાદન વધારી રહી નથી કે નવું રોકાણ કરી રહી નથી, જેના કારણે આર્થિક વૃદ્ધિ મંદ પડી ગઈ છે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન ભારતનો આર્થિક વિકાસ દર ૬.૪ ટકા રહ્યો છે, જે છેલ્લા ચાર વર્ષમાં સૌથી ધીમો વિકાસ દર છે. આર્થિક સર્વેમાં વૃદ્ધિ ૬.૩ થી ૬.૮ ટકાની વચ્ચે રહેવાનો અંદાજ છે, જેને મંદીનો સંકેત માનવામાં આવે છે. વડા પ્રધાન મોદીનાં સપનાં મુજબ વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય હાંસલ કરવા માટે ઓછામાં ઓછા ૮ ટકાની સતત વૃદ્ધિની જરૂર છે. એવું માનવામાં આવે છે કે મધ્યમ વર્ગના કરદાતાઓને આવકવેરામાં વધુ છૂટ આપવાના સરકારના આ પ્રયાસથી માંગમાં વધારો થશે અને તેના કારણે અર્થવ્યવસ્થામાં તેજી આવશે.

કેટલાક નિષ્ણાતો મધ્યમ વર્ગનાં ખિસ્સાંને રાહત આપીને અર્થતંત્રને વેગ આપવાની સરકારની વ્યૂહરચના પર સવાલ ઉઠાવે છે. જાણીતા અર્થશાસ્ત્રી અરુણ કુમાર કહે છે કે પરોક્ષ કરના દરમાં ઘટાડો મધ્યમ વર્ગને પ્રત્યક્ષ કરમુક્તિ આપવા કરતાં માંગ વધારવામાં વધુ અસરકારક સાબિત થાય છે. ગરીબમાં ગરીબ ગ્રાહકે પણ પરોક્ષ કર ચૂકવવો પડે છે. ભારતમાં મોટા ભાગની વસ્તુઓ અને સેવાઓ પર વસૂલવામાં આવતો પરોક્ષ કર ૨૮ ટકા સુધી છે. ભારતની અંદાજે ૧૪૦ કરોડની વસ્તીમાંથી માત્ર ૯.૫ કરોડ લોકો જ ઇન્કમ ટેક્સનું રિટર્ન ફાઈલ કરે છે અને તેમાંથી ૬ કરોડ લોકો શૂન્ય રિટર્ન ફાઈલ કરે છે.

તેથી માત્ર ૩.૫ કરોડ લોકો માટે કરમુક્તિની મર્યાદા વધારવાનું પગલું બજારમાં માંગ વધારવામાં અસરકારક સાબિત થઈ શકે નહીં. સરકારે મધ્યમ વર્ગને આવકવેરામાં રાહત આપવાનું પગલું ભરીને તેમને હથેળીમાં ચાંદ બતાવ્યો છે, કારણ કે દિલ્હી વિધાનસભાની ચૂંટણી નજીક છે અને મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ અહીં રહે છે, જેઓ મધ્યમ વર્ગના દાયરામાં આવે છે અને ઇન્કમ ટેક્સનું રિટર્ન ફાઈલ કરે છે. સરકાર જ્યાં સુધી GSTના દરમાં ઘટાડો નહીં કરે ત્યાં સુધી મધ્યમ વર્ગને રાહત થવાની નથી. સરકાર GSTના લાભો જાણી ગઈ હોવાથી તેમાં ઘટાડો કરવા તૈયાર થવાની નથી.

ભારતની અર્થવ્યવસ્થાનું સ્વાસ્થ્ય બહુ સારું નથી. વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવતા ભારતમાં આર્થિક વૃદ્ધિ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને આવતા વર્ષે તેનો આંકડો છેલ્લા ચાર વર્ષમાં સૌથી ઓછો રહેવાની ધારણા છે. જીડીપી ઘટી રહ્યો છે, વપરાશ ઘટી રહ્યો છે, ખાદ્યપદાર્થોના ફુગાવાથી લોકો પરેશાન છે, કંપનીઓના ત્રિમાસિક પરિણામો અપેક્ષા કરતા ઓછા આવ્યા છે. ભારતની લગભગ ૪૫ ટકા કંપનીઓએ તેમના આવકના અંદાજમાં ઘટાડો કર્યો છે અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો સતત બજારમાંથી ડોલર પાછા ઘરે લઈ જઈ રહ્યા છે.

ભારતીય રિઝર્વ બેંક અને ઘણી ખાનગી એજન્સીઓએ સ્વીકાર્યું છે કે ભારતીય અર્થતંત્ર હાલમાં સુસ્ત છે. નાણાં મંત્રીએ એમ પણ કહ્યું છે કે જો ભારતને પાંચ ટ્રિલિયનની અર્થવ્યવસ્થા બનાવવી હોય અને ૨૦૪૭ સુધીમાં વિકસિત દેશોની શ્રેણીમાં લાવવું હોય તો જીડીપી વૃદ્ધિનો દર ૮ ટકાથી ઓછો ન હોવો જોઈએ. કદાચ આ જ કારણ છે કે સરકાર મધ્યમ વર્ગને વધુ ખર્ચ કરવા માટે પ્રોત્સાહિત કરવા માંગે છે. આ કારણે નવી આવકવેરા વ્યવસ્થામાં બચત પર નહીં પરંતુ ખર્ચ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. નાણાં પ્રધાને તેમના સમગ્ર ભાષણમાં જૂના ટેક્સ શાસનનો ઉલ્લેખ પણ કર્યો ન હતો, જેમાં કરમુક્તિ અને બચતને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.

જાણીતા અર્થશાસ્ત્રી પ્રોફેસર અરુણ કુમાર કહે છે કે આવકવેરા મુક્તિ એ દિલ્હી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલું નૅરેટિવ બિલ્ડિંગ છે. તેનાથી દેશના ૧૪૦ કરોડ લોકોમાંથી માત્ર તે ૨.૫ કરોડ લોકોને ફાયદો થશે, જેઓ મીડિયામાં છે, સરકારી ઓફિસોમાં કામ કરે છે, બૌદ્ધિક છે અને શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે કામ કરે છે. તેનાથી દેશની અર્થવ્યવસ્થા પર એટલી બધી અસર થવાની નથી કે માંગમાં અચાનક વધારો થશે અને આર્થિક વિકાસને વેગ મળશે. એક રીતે આ એક રેવડી સંસ્કૃતિ પણ છે, કારણ કે વધતા ખર્ચાઓ વચ્ચે ભવિષ્યમાં આ મુક્તિની શું અસર થશે તે જોવાનું બાકી રહે છે. કેન્દ્રીય સામાન્ય બજેટ લગભગ રૂ. ૫૦ લાખ કરોડનું છે. તેથી દરેક ક્ષેત્રમાં કંઈકને કંઈક ફાળવી શકાય છે.

આવકવેરામાં ઘટાડો કરવા દ્વારા સરકારને વાસ્તવમાં એક લાખ કરોડ રૂપિયાનો ફરક પડ્યો છે, પણ જીએસટીમાં વધારા દ્વારા તે રૂપિયા લોકોના હાથમાંથી ઝૂંટવી જ લેવામાં આવ્યા છે. જો તમે વાસ્તવમાં તેને જુઓ તો ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના, શિક્ષણ જેવા રોજગાર પેદા કરતા ક્ષેત્રો છે અને વાસ્તવિક બજેટ તેમના માટે હોય છે. ગત વખતની જેમ ૮૬ હજાર કરોડ રૂપિયા મનરેગાને આપવામાં આવ્યા હતા, જેમાં જો ૫ ટકા મોંઘવારીનો દર ઉમેરીએ તો તેમાં ફાળવણીમાં ઘટાડો થાય છે. જો સરકાર ફુગાવાને નાથી ન શકતી હોય તો બજેટમાં આપેલી રાહતો મૃગજળ જેવી જ પુરવાર થવાની છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top