Comments

આર્થિક વિકાસ અને પર્યાવરણ અંગેની નિસ્બત આમનેસામને આવી રહ્યાં છે

રવિવારે યમનોત્રીના રસ્તા પર લાગેલા જામના સોશ્યલ મિડિયા પર ફરતા થયેલા વિડિયો ભયાવહ હતા. ચાર ધામ મંદિરના દરવાજા ખૂલ્યા અને પ્રવાસીઓનાં ટોળેટોળાં ઉમટી પડ્યાં. પ્રાદેશિક શાસન તરફથી કોઈ જ પ્રકારની રોકટોક વિના પ્રવાસીઓ આવતાં જ ગયાં. પરિણામે કલાકો સુધી ટ્રાફિક જામ થઈ ગયો. 24 કલાકથી પણ વધુ લાંબા સમય સુધી લોકોને  ગાડીમાં વિતાવવાની ફરજ પડી.

હજારો પ્રવાસીઓ કલાકો સુધી રસ્તામાં ખોરાક-પાણી કે શૌચાલયની સુવિધા વગર અટવાઈ ગયાં. દરેક વસ્તુના ચારથી પાંચ ગણા ભાવ ચૂકવવા પડ્યા. આ રુટ પર ભૂસ્ખલનના ઘણા પોઈન્ટ છે, જે પરિસ્થિતિને ગંભીર બનાવી રહ્યું છે. આ લખાય છે ત્યાં સુધી ભીડ હળવી થયાના સમાચાર નથી. પહાડના સાંકડા રસ્તા પર જામેલી હકડેઠઠ ભીડ એલાર્મ વગાડીને કહે છે કે કોઈ મોટી દુર્ઘટના થાય એની રાહ ના જુઓ અને હિમાલયમાં આડેધડ વધેલા પ્રવાસનને ઝડપથી નિયંત્રિત કરો.

હિમાલયનાં રાજ્યોમાં એના અપ્રતિમ સૌંદર્યને કારણે દર વર્ષે આવતાં પ્રવાસીઓની સંખ્યા વધતી જ જાય છે. પ્રવાસીઓ આવે એટલે એમને રહેવા માટે હોટેલ જોઈએ, પૈસા આપીને આનંદ માટે રહેતા હોય એટલે અમર્યાદિત  પાણી જોઈએ. પરિણામે મર્યાદિત સંસાધનો પર દાવા કરનારા હાથ અનેકગણા વધી જાય, જેનું ભારણ સ્થાનિક પર્યાવરણ પર પડ્યા વિના રહેવાનું નથી. પ્રવાસન ક્ષેત્રે આવેલા ઉછાળો અને આડેધડ વિકસેલાં શહેરોને કારણે આ પ્રદેશોની સમસ્યા વધી રહી છે. 

ઉત્તરાખંડ સરકારના આંકડા પ્રમાણે 2001માં એક  કરોડ પ્રવાસી આવ્યાં હતાં જે સંખ્યા 2022માં વધીને પાંચ કરોડની થઈ ગઈ! આ વીસ વર્ષ દરમ્યાન માત્ર ચાર ધામ કરવા આવેલાં યાત્રાળુઓની જ સંખ્યા આઠ લાખથી વધીને તેંતાલીસ લાખ સુધી પહોંચી છે! પ્રવાસીઓ ઉપરાંત આજુબાજુનાં ગામોમાંથી પ્રવાસન સ્થળે રોજી કમાવા આવનાર લોકોની સંખ્યા પણ પાંચ લાખની આસપાસ હોવાનો અંદાજ છે. પહાડી શહેરોની વસ્તી માત્ર બે દાયકા દરમ્યાન લગભગ બમણી થઈ ગઈ છે!

પરિણામે આયોજન વગર બંધાતાં મકાનો, ગટર વ્યવસ્થા, પાણીની અછત તેમજ અવારનવાર થતાં ટ્રાફિક જામ  જેવા અનેક પ્રશ્નોની વણઝાર ઊભી થઈ છે. આ ઉપરાંત,  ગમે ત્યાં  ફેંકાયેલ પાણીની કે ઠંડા પીણાંની  બોટલો, ખાવાનાં પડીકાંનાં રેપર કે આઇસક્રીમના કપથી થતો પ્લાસ્ટિકિયા કચરાનો ખડકલો ગંદકી તો ઊભી કરે જ છે, એ ઉપરાંત સાથે નદી-નાળાને દૂષિત કરવા અને વૃક્ષોના વિકાસને અવરોધવા જેવી લાંબા ગાળાની સમસ્યા પણ ઊભી કરે છે.  પ્રવાસીઓની સાથે બસ અને ટ્રક જેવાં ભારે વાહનોની સંખ્યા પણ વધી છે. જે હિમાલયના નાજુક પર્યાવરણ પરનું ભારણ વધારે  છે.

પાછલા દાયકામાં હિમાલય વિસ્તારોમાં થતી રહેલી વાદળ ફાટવાની, ભેખડ ધસી પડવાની, કે ગ્લેશિયર તળાવો ફાટવા જેવી કુદરતી આફતો ઈશારો કરે છે કે આ વિસ્તારનું પર્યાવરણચક્ર ખૂબ નાજુક છે. સિલ્કયારા ટનલમાં જમીન ધસી પડતાં 41 મજૂરો ફસાઈ ગયા એ ઘટના તો હજી આ દિવાળીએ જ આપણે જોઈ. વરસેક પહેલાં જ જોશીમઠનાં ઘરોમાં તિરાડો પડતાં લોકોને ત્યાંથી ખસેડવા પડ્યાં હતાં.

2013માં કેદારનાથમાં આવેલ પૂરની યાદો હજુ આપણા માનસપટથી ખસતી નથી. આ આફતો પર્યાવરણમાં આવેલ ફેરફારને  (કલાઇમેટ ચેન્જ) કારણે બની રહી છે એ વાત સાચી, પણ ખુવારીના આંકડા ઊંચા રહેવા પાછળ નબળું આયોજન પણ જવાબદાર છે. કેદારનાથ ઘટનાની વાત કરીએ તો મૃત્યુ આંક છ હજાર જેટલો ઊંચો હતો કારણ કે કેદારનાથના પહાડો અને મંદાકિનીના તટ પર સમાઈ શકે એના કરતાં અનેકગણાં લોકો ત્યાં હાજર હતાં. નદીના પટ પર વિજ્ઞાનના નિયમોને અવગણીને બંધાએલ હોટલનાં  મકાનોમાં રોકાયાં હતાં. જે સૌ  કુદરતના પ્રકોપનો ભોગ બન્યા. 

પ્રવાસન આવકનું મહત્ત્વનું સાધન હોવાને કારણે, અત્યાર સુધી માળખાકીય સવલતો વધારવાની ભલામણ થતી રહી છે. પણ, આ પ્રશ્ન માત્ર માળખાકીય સુવિધા વધારવાનો નથી. હવે એ પણ વિચારવું પડશે કે પ્રવાસીઓની મહત્તમ સંખ્યા પર પણ નિર્ધારિત કરવી કે નહીં. નિષ્ણાતોનું માનવું છે કે પહાડ પર વસેલાં શહેરોની જમીનનો ઢોળાવ, એની માટીની ગુણવત્તા અને એની ભાર વાહન કરવાની ક્ષમતાનો અભ્યાસ કરવો જરૂરી છે જે આધારે લાંબા ગાળાનું પહાડી શહેરોનું  તેમજ પ્રવાસન ઉદ્યોગનું આયોજન કરવું જરૂરી છે. વરસેક પહેલાં સુપ્રીમ કોર્ટે એક જાહેર હિતની અપીલના જવાબમાં હિમાલયનાં શહેરોની ભાર વાહન ક્ષમતા માપવા માટે નિષ્ણાતોની કમિટી બનાવી હતી.

હિમાલયમાં આવેલાં રાજ્યોમાં પ્રવાસીની સંખ્યા મર્યાદા નક્કી કરવા માટે કેન્દ્ર સરકારે પણ તૈયારી બતાવી હતી. પણ, ભારતમાં જેમ હમેશાંથી થતું આવ્યું છે તેમ  સરકાર જે ઝડપથી પગલાં લઈ રહી છે અને કુદરત જે ઝડપ દાખવવા તરફ ઈશારો કરી રહી છે એમાં બહુ મોટું અંતર છે. યમનોત્રીના રસ્તા પર જામેલી ભીડ માત્ર બે દિવસની ગેરવ્યવસ્થાનું પરિણામ નથી. પ્રશ્નનાં મૂળ ઘણાં ઊંડાં છે. એક તરફ પ્રવાસન ઉદ્યોગનો વિકાસ સ્થાનિક લોકો માટે રોજગારની તકો ઊભી કરે છે અને આર્થિક વૃધ્ધિનું એન્જિન બને છે તો બીજી તરફ આ બેકાબૂ ઝડપે આગળ વધતું આ એન્જિન પર્યાવરણ માટે ખતરો ઊભો કરી રહ્યું છે એટલે આર્થિક વિકાસ અને પર્યાવરણની સુરક્ષા અંગેની નિસ્બત આમનેસામને આવી જાય છે.
નેહા શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top