સુરત: શહેરના ઐતિહાસિક કિલ્લા(Historic castle)નું રિડેવલપમેન્ટ(Redevelopment) કામ હવે પૂર્ણ થવા આવ્યું છે ત્યારે મનપા(Surat Municipal corporation) દ્વારા કિલ્લાની પ્રવેશ ફી(Entrance fee)માં વધારો કરવાનું નક્કી કરાયું છે. કારણ કે, હાલમાં કિલ્લામાં પ્રથમ ફેઝ જ મુલાકાતીઓ માટે ખુલ્લો મુકાયો હતો. પરંતુ હવે અન્ય બીજા ફેઝની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ હોય, મુલાકાતીઓ માટે સંપૂર્ણ કિલ્લો ખુલ્લો મુકાશે, જેથી પ્રવેશ ફી પણ વધારાશે.
- ઐતિહાસિક કિલ્લાનું રિડેવલપમેન્ટ પૂર્ણતાની આરે, આગામી વર્ષ માટે ટિકિટના દર 100 રૂપિયા નક્કી કરાયા
- શાળા-કોલેજના વિદ્યાર્થીઓ માટે ઈન્સ્ટિટ્યુશનલ મેમ્બરશીપનું પણ આયોજન
- મેમ્બરશીપ શરૂ કરવા શાસકોની મંજૂરી મંગાઇ
ટીકીટનાં આટલા રૂપિયા
હાલમાં (31-03-2023) સુધી એ1, એ2, એ3 બિલ્ડીંગની મુલાકાત માટે પ્રવર્તમાન ટિકિટના દર 3થી 16 વર્ષ સુધીના બાળકો માટે રૂા. 20, 16થી 60 વર્ષ સુધીના માટે રૂા. 40 અને સિનિયર સિટીઝન માટે રૂા. 20 નક્કી કરાયા છે. સંપૂર્ણ કિલ્લો ખુલ્લો મુકાયા બાદ, મુલાકાતીઓ માટે (1-04-2023 થી 31-03-2026 સુધી) 3થી 16 વર્ષના બાળકો તથા સિનિયર સિટીઝનોના રૂા. 50, 16થી 60 વર્ષ માટે રૂા. 100 અને વિદેશી મુલાકાતીઓ માટે રૂા. 500 ટિકીટના દર નક્કી કરાયા છે.
ઈન્સ્ટિટ્યુશનલ મેમ્બરશીપનું પણ આયોજન
તે ઉપરાંત કિલ્લામાં વધુમાં વધુ મુલાકાતીઓ આવે તે માટે મનપા દ્વારા ઈન્સ્ટિટ્યુશનલ મેમ્બરશીપ શરૂ કરવાનું પણ આયોજન કરાયું છે. જેમાં શાળા તથા કોલેજના વિદ્યાર્થી માટે વાર્ષિક ચાર્જ લઈ તેઓને ઈન્સ્ટિયુશનલ મેમ્બરશીપ આપવામાં આવશે. જેમાં શાળાના 500 વિદ્યાર્થીઓ માટે વાર્ષિક રૂા. 5000 ફી અને કોલેજના વિદ્યાર્થીઓ માટે રૂા. 10,000 વાર્ષિક ફી નક્કી કરાઈ છે.
કિલ્લામાં લોકો શું શું જોઈ શકશે?
મુલાકાતીઓની મુલાકાત માટે નવું એ.વી. રૂમ, તઘલક સમયનું ફાઉન્ડેશન, નવાબ અફઝલદીન ખાનનું સિંહાસન, સુરત આર્કાઈવ્ઝ, સુરતનો ઈતિહાસ, સુરતના કિલ્લાનો ઈતિહાસ, મહાત્મા ગાંધીજીની સુરતની મુલાકાત આધારિત ગેલેરી, સુરત સિટી ગેલેરી, મુઘલ ગેલેરી, આર્મ્સ એન્ડ આર્મર અને કિલ્લામાંથી ઉત્ખનન દ્વારા મળેલા ગોળા તથા માટીની કૃતિઓ, સિક્કા અને ચલણી નોટો, કોઠીઓ આધારિત ગેલેરીઓ, ડચ લાઈફસ્ટાઈલ રૂમ, કોર્ટ રૂમ, હસ્તપ્રતો અને લઘુચિત્રો આધારિત ગેલેરીઓ, તામ્રપત્રો, તૈલચિત્રો, પીછવાઈ અને શિલાલેખો, સુરતનાં મહત્ત્વપૂર્ણ સ્થળોને દર્શાવતી પેનલ, બ્રિટીશ લાઈફસ્ટાઈલ ગેલેરી, બ્રિટીશ પોર્સલીન, જાપાનીઝ પોર્સલીન, ચાઈનીઝ પોર્સલીન, ફેક અને રિપ્રોડક્શન,પથ્થરની મૂર્તિઓ, ગુજરાતી લોકકળા આધારિત ગેલેરી, કાચની કલાકૃતિઓ, જરી અને ટેક્સટાઈલ, બીડ વર્ક ગેલેરીઓ, હાથીદાંતની કલાકૃતિઓ, વી.આર.બેઝ્ડ સુરતનો નકશો, લાકડાંમાંથી બનેલી કલાકૃતિઓ, ફિલાટેલી, યુનાની ડિસ્પેન્સરી, તાંબા અને કાંસામાંથી બનેલી કલાકૃતિઓ, બિદ્રીવેર આધારિત ગેલેરી, 16 મીથી 18મી સદી દરમિયાન સુરતની મુલાકાત લીધેલા વિદેશી ટ્રાવેલર્સની ગેલેરી વગેરે.
શહેરમાં પ્રથમવાર લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ કિલ્લામાં જોઈ શકાશે
ઐતિહાસિક કિલ્લામાં લાઈટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન કરાયું છે. તેમજ અંદાજિત 10થી 12 કરોડનો ખર્ચ કરાયાનો અંદાજ છે. આ શોને કારણે આગામી દિવસોમાં કિલ્લા પ્રત્યે પણ લોકો આકર્ષિત થશે. તાપી નદી અને સુરત શહેરના ભૂત-ભવિષ્ય અને વર્તમાનને આ શોમાં તાદૃશ્ય કરાશે. સુરત શહેરના ભવ્ય ઈતિહાસની તમામ જાણકારી આ શોના માધ્યમથી આપવામાં આવશે. જેમાં અકબર કે જેઓ સુરત શહેરમાં આવ્યા હતા, શિવાજી સુરત આવ્યા હતા તે તમામ ઈતિહાસ અને ત્યાંથી લઈ કવિ નર્મદ વિશેની જાણકારી પણ લાઈટ એન્ડ સાઉન્ડ લેસર શોના માધ્યમથી આપવામાં આવશે. તમામ કેરેક્ટરને નરેટ કરે એ પ્રકારે સાઉન્ડ સિસ્ટમ ગોઠવી હિસ્ટોરિકલ નરેશન કરવામાં આવશે. ટૂંકમાં સુરત અને તાપી નદીના ઇતિહાસ, વર્તમાન અને ભવિષ્યનાં આયોજનોને સમાવી લેવાશે.