Columns

અમેરિકાને ભારતની ગરજ છે માટે મોદી માટે રેડ કાર્પેટ પાથરવામાં આવી છે

વર્ષ ૨૦૦૫માં નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે અમેરિકાએ તેમને ગુજરાતનાં કોમી રમખાણોને કારણે વીસા આપવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યાર પછી તો મોદી અમેરિકાની મુલાકાતે જઈ આવ્યા અને ‘હાઉડી મોદી’જેવા ભવ્ય મેળાવડાઓ પણ કરી આવ્યા. તેમ છતાં તેમણે ૨૦૨૦માં અમેરિકાની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની તરફેણ કરવાની ગુસ્તાખી કરી તેની સજા તરીકે જ્યારે જો બાઇડેન પ્રમુખ બન્યા ત્યારે તેમણે ભારતમાં અમેરિકાનો રાજદૂત મોકલવાનો ઇનકાર કરીને મોદી માટેની પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. હજુ થોડા દિવસ પહેલાં ભારતના વિપક્ષી નેતા રાહુલ ગાંધી અમેરિકાની ખાનગી મુલાકાતે ગયા ત્યારે તેઓ કોઈ મોટા ગજાના નેતા હોય તેમને વ્હાઇટ હાઉસમાં બોલાવીને તેમની મુલાકાત વિદેશ ખાતાંના ટોચના અધિકારી ડોનાલ્ડ લુ સાથે કરાવવામાં આવી હતી.

આ અમેરિકન સરકાર મોદીને આવકારવા કમ્મરેથી બેવડ વળી ગઈ છે તેમાં મોદીનો કોઈ જાદુ કામ નથી કરી રહ્યો પણ અમેરિકાને બદલાયેલી વિશ્વ વ્યવસ્થામાં ભારતની ગરજ કારણરૂપ બની રહી છે. યુક્રેનના યુદ્ધ પછી રશિયાની વધુ નજીક સરકી ગયેલા ભારતને મનાવીને અમેરિકા પોતાની છાવણીમાં લાવવા માગે છે અને પોતાના અબજો ડોલરનાં શસ્ત્રો પણ વેચવા માગે છે. તદુપરાંત અમેરિકા ચીનની વધતી તાકાત માટે ઢાલ તરીકે ભારતનો ઉપયોગ કરવા માગે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે આ માહોલમાં ભારતનું કામ કઢાવી લેવાનો પડકાર છે.

આજનું વિશ્વ ઝડપથી એક ધ્રુવીય વ્યવસ્થાથી બહુ ધ્રુવીય વ્યવસ્થા તરફ આગળ વધી રહ્યું છે. અમેરિકા હવે જગતનું જમાદાર રહ્યું નથી. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે દુનિયાનાં દેશો વચ્ચેનાં સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યાં છે. જે યુક્રેન એક સમયે અમેરિકાની વિરોધી છાવણીમાં હતું તેને હવે અમેરિકા રશિયા સામે લડવા માટે શસ્ત્રોની અને નાણાંની સહાય કરી રહ્યું છે. ઇઝરાયલ અને આરબ દેશો નજીક આવી રહ્યા છે. આરબ દેશો ચીનને પોતાનું ખનિજ તેલ વેચવા તત્પર થયા છે. ઇરાન અને ચીન નજીક સરકી રહ્યા છે.

સ્વિડન અને ફિનલેન્ડ જેવા દેશો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પણ તટસ્થ રહ્યા હતા. તેઓ હવે નાટોમાં કૂદી રહ્યા છે. અમેરિકાનું ભાગીદાર ગણાતું તુર્કી રશિયાથી શસ્ત્રોની આયાત કરી રહ્યું છે, જેને કારણે અમેરિકા તેના પર પ્રતિબંધો લાદી રહ્યું છે. બદલાઈ રહેલી આ વિશ્વ વ્યવસ્થામાં પોતાનું સ્થાન ટકાવી રાખવા માટે અમેરિકાને ભારતની તાતી જરૂર છે. લાલો લાભ વગર લોટતો નથી, તેમ અમેરિકા મોદી માટેનો જૂનો ધિક્કાર ભૂલીને પણ તેમને અમેરિકી સંસદને સંબોધન કરવાની તક આપીને ભારતને રાજી કરવા માગે છે.

બીજાં વિશ્વયુદ્ધ પછી જે નવી વિશ્વ વ્યવસ્થાનું નિર્માણ થયું ત્યારે તેમાં ભારતની કોઈ ગણતરી નહોતી, કારણ કે ભારત નવું નવું આઝાદ થયું હતું અને તેની ગણતરી ગરીબી તેમ જ ભૂખમરાથી પીડાતા દયાપાત્ર દેશ તરીકે થતી હતી. રશિયા અને અમેરિકા વચ્ચેની કોલ્ડ વોરના જમાનામાં પણ ભારતને કોઈ પૂછતું નહોતું, માટે ભારતે ત્રીજા વિશ્વના બિનજોડાણવાદી દેશોની આગેવાની લઈને પોતાની પિપુડી વગાડ્યા કરી હતી.

૧૯૯૦ના દાયકામાં ભારતનું અર્થતંત્ર ખુલ્લું મૂકવામાં આવ્યું તે પછી તેણે ઝડપી વિકાસ સાધ્યો હતો. તેને કારણે દુનિયાના દેશોને અને ખાસ કરીને તેમની મલ્ટિનેશનલ કંપનીઓને ભારતમાં મોટું બજાર દેખાવા લાગ્યું હતું. ભારતનું સંરક્ષણ બજેટ પણ જેમ જેમ વધતું ગયું તેમ તેમ ભારતને શસ્ત્રો વેચવા માટે મોટા મોટા દેશના નેતાઓ તત્પર થવા લાગ્યા હતા. ભારત આજે વિશ્વનું પાંચમા નંબરનું મોટું અર્થતંત્ર બની ગયું છે. ત્રણ વર્ષ અગાઉ ગલવાન ઘાટીમાં ભારતના સૈન્યે ચીનને જે જડબાતોડ જવાબ આપ્યો તેને કારણે અમેરિકા બહુ પ્રભાવિત થયું છે. ચીન સામે ઝીંક ઝીલવા માટે તેને ભારતમાં ભાગીદાર દેખાય છે.

વર્ષ ૨૦૦૪થી અમેરિકાના ભારત પ્રત્યેના વલણમાં ધરખમ પરિવર્તન આવ્યું છે. કોઈ સમયે અમેરિકા તેના જરીપુરાણાં અને આઉટ ઓફ ડેટ થઈ ગયેલાં શસ્ત્રો ભારતને વેચતું હતું. તેના બદલે હવે તે આધુનિક સબમરીન ટ્રેકર અને સી-૧૭ જેવાં ફાઇટર જેટ ભારતને વેચવા તૈયાર થયું છે. ભારતમાં વિમાનોના એન્જિનનું કારખાનું નાખવાની યોજના અમેરિકા તૈયાર કરી રહ્યું છે. અમેરિકાને ભારતની જરૂર શસ્ત્રોના ખરીદદાર પૂરતી નથી. હિન્દી મહાસાગરમાં ચીનની વધી રહેલી લશ્કરી તાકાત સામે સમતુલા સાધવા માટે પણ તેને ભારતની ગરજ છે. હિન્દી મહાસાગરમાં અમેરિકાનો કોઈ સબમરીન બેઝ નથી. ડિયેગો ગ્રાસિયામાં તેનો જે બેઝ છે તે ચીનથી બહુ દૂર છે. અમેરિકા ભારતને રીઝવીને તેના પૂર્વ સમુદ્રતટ પર સબમનરીન બેઝની સ્થાપના કરવા ચાહે છે.

ભારતે અલગ-અલગ મુદ્દાઓ પર વિવિધ મહાસત્તાઓ સાથે અલગ-અલગ સંબંધો વિકસાવ્યા છે, પરંતુ તે કોઈની સાથે કાયમી ભાગીદારી કરવાનું વચન આપતું નથી. વર્ષ ૨૦૧૬ પછી ભારત અને યુએસએ ચાર સંરક્ષણ સહયોગ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ૨૦૦૦ અને ૨૦૨૧ ની વચ્ચે ભારતે યુએસ પાસેથી ૨૧ અબજ ડોલરનાં સૈન્ય સાધનો ખરીદ્યાં છે. ભારત અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના ક્વાડ ગ્રૂપમાં પણ સામેલ થઈ ગયું છે. સપાટી પર, ક્વોડનો ઉદ્દેશ્ય હિંદ અને પ્રશાંત મહાસાગરોમાં દરિયાઈ માર્ગોની સુરક્ષા અને વેપારને પ્રોત્સાહન આપવાનો છે, પરંતુ આડકતરી રીતે તેનો ઉદ્દેશ્ય ચીનને અંકુશમાં લેવાનો છે.

દક્ષિણ એશિયા અને હિંદ મહાસાગરમાં ચીનના વધતા પ્રભાવને લઈને ભારતની ચિંતાઓ વધી રહી છે, જ્યારે અમેરિકા ચીનના વધતા વૈશ્વિક પ્રભાવનો સામનો કરી રહ્યું છે. તેમ છતાં જ્યારે ૨૦૨૦ માં ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેઓ વડા પ્રધાન મોદીને મુક્ત વેપાર કરાર માટે રાજી કરી શક્યા ન હતા. આ બધા સિવાય ભારતે અન્ય શક્તિશાળી દેશો સાથે તેના મૈત્રીપૂર્ણ સંબંધો જાળવી રાખ્યા છે. ભારતે યુક્રેન પરના હુમલા માટે રશિયાની નિંદા કરવાનો ઇનકાર જ કર્યો ન હતો પરંતુ પશ્ચિમી પ્રતિબંધો છતાં રશિયન તેલ ખરીદવાનું ચાલુ રાખ્યું હતું. ચીન સાથેનો વેપાર પણ વધી રહ્યો છે અને ચીન ભારતનું ટોચનું વેપાર ભાગીદાર બનવા માટે અમેરિકા સાથે સ્પર્ધા કરી રહ્યું છે.

યુએસ કોંગ્રેસની સમિતિએ જૂનની શરૂઆતમાં ભલામણ કરી હતી કે ભારતને નાટો પ્લસમાં જોડાવા માટે આમંત્રણ આપવું જોઈએ. નાટો પ્લસ યુએસની આગેવાની હેઠળનું જૂથ છે, જેમાં નાટો અને અન્ય પાંચ દેશો – ઓસ્ટ્રેલિયા, જાપાન, ઇઝરાયેલ, ન્યુઝીલેન્ડ અને દક્ષિણ કોરિયાના રક્ષણાત્મક જોડાણનો સમાવેશ થાય છે. યુએસ અને ચીની કમ્યુનિસ્ટ પાર્ટી વચ્ચે વ્યૂહાત્મક સ્પર્ધા અંગેની હાઉસ સિલેક્ટ કમિટિનું કહેવું છે કે જો ભારત નાટો પ્લસમાં જોડાય તો તે ચીનને અંકુશમાં રાખવામાં અને જૂથની અંદર ગુપ્ત માહિતીની આપ-લે કરવામાં મદદ કરશે.

જો કે આ માત્ર વ્હાઇટ હાઉસને આપવામાં આવેલું એક સૂચન છે, કારણ કે કોંગ્રેસની સમિતિને વિદેશ નીતિ નક્કી કરવાની સત્તા નથી. ચીને નાટોને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં વધુ ભાગીદાર ન બનાવવાની ચેતવણી આપી છે. ચીનના સંરક્ષણ પ્રધાન લી શાંગફુએ કહ્યું કે આમ કરવાથી સંઘર્ષ વધશે અને આ ક્ષેત્ર વિવાદ અને સંઘર્ષના વમળમાં ફસાઈ જશે. ચીનને કાબૂમાં રાખવા ભારત અમેરિકા સાથે સાંઠગાંઠ કરવાનું પસંદ કરશે કે ચીન સાથેના સંબંધો સુધારવા રશિયાનો ઉપયોગ કરશે? તે જોવાનું રહે છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top