રાજય સરકાર દ્વારા હાલમાં ૧૨૦૦૦ જેટલી જુદા જુદા સંવર્ગની ભરતી પ્રક્રિયા શરૂ કરાઈ છે, તે સંપૂર્ણ રીતે પારદર્શી રહેવાની છે, નોકરી વાચ્છું યુવાનોએ કોઈ દલાલો કે વચેટિયાઓની વાતોમાં આવવાના બદલે લેખિત પરીક્ષા કેવી રીતે પાસ કરવી તે વિષય પર પોતાનું ધ્યાન કેન્દ્રિય કરવું જોઇએ , તેમ રાજય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું .પોલીસ કર્મીઓના ગ્રેડ પે મામલે હાલમાં સરકારમાં બેઠકોનો દોર ચાલી રહયો છે એટલે સરકાર પોતાના પરિવારનો પ્રશ્ન છે તે સમજીને તેને ઉકેલવા પ્રયત્નશીલ છે. ગૃહ મંત્રી સંઘવીએ આજે ગાધીનગર ખાતેથી પોલીસ ભરતી સંદર્ભે ઉમેદવારોને માર્ગદર્શન મળી રહે એ માટે ગૃહ વિભાગ દ્વારા તૈયાર કરેલી વિડીયો સિરીઝનુ વિમોચન કર્યુ હતું.
સંઘવીએ જણાવ્યુ હતું કે રાજયના યુવાઓને સરકારી સેવાઓ પુરી પાડવા રાજય સરકારે મકકમ નિર્ધાર કરીને સંપૂર્ણ પારદર્શી પધ્ધતિથી ભરતી પ્રક્રિયાઓ યોજવામા આવી રહી છે. રાજય સરકારે ભરતી માટે વાર્ષિક કેલેન્ડર મુજબ ભરતી પ્રક્રિયાઓ હાથ ધરીને અનેક યુવાનોને સરકારી સેવાઓ પૂરી પાડી છે.
સંઘવીએ કહ્યું હતું કે રાજય સરકાર પોલીસની ભરતી સંપૂર્ણ પારદર્શક રીતે યોજવા કટીબધ્ધ છે અને આ સંદર્ભે ઉમેદવારોને પરીક્ષા અંગે સચોટ માર્ગદર્શન મળી રહે એ માટે ગુજરાત પોલીસ દ્વારા આ વીડિયો સીરીઝ તૈયાર કરવામાં આવી છે. જેમાં ઉમેદવારો કોઇપણ અફવા અને લે-ભાગુ તત્વોના ચુંગાલમાં ના ફસાય અને પોતાના ધ્યેય પર મક્કમ રહે તેના માટે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ અને લોક રક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષના માર્ગદર્શન હેઠળ છેલ્લી એલ.આર.ડી. અને પી.એસ.આઇ. પરીક્ષામાં ઉત્તિર્ણ થયેલા ઉમેદવારોના મંતવ્ય, ઉચ્ચ પોલીસ અધિકારીઓના મંતવ્ય, પોલીસ દ્વારા ચલાવાતી વિવિધ પરીક્ષા માર્ગદર્શન કેન્દ્રો અને વિવિધ ઉમેદવારોના મંતવ્ય લેવાયા છે.
ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાએ જણાવ્યુ હતું કે, ગૃહ મંત્રીએ ગૃહ વિભાગને નવી દિશા, નવી ઉર્જા અને નવો ઉત્સાહ પુરો પાડીને લાંબા ગાળાના લાભો રાજયના નાગરિકોને થાય તે માટે સતત પ્રયાસો કરી રહ્યા છે તે પૈકી આ આજે પ્રથમ મણકો આ માર્ગદર્શક સીરીઝ દ્વારા અપ્રતિમ પ્રયાસ ગૃહ વિભાગ દ્વારા કરાયો છે.
