માણસ સામાજિક પ્રાણી છે અને અંદરો અંદર ભિન્ન સંબંધોથી જોડાયેલો છે. સંસાર છે એટલે લડાઇ ઝગડા, વાદ-વિવાદ ચાલ્યા કરે, તેનો અંત નથી આવતો. કહેવાય છે સમસ્યાનું સમાધાન હોય જ છે. વેરથી વેર શમતું નથી, પરંતુ વેર-ઝેર વધ્યા કરે છે, આથી વેરની વસૂલાત કરવાને બદલે સામસામે બેસીને વેરની કબૂલાત કરીને તેનો અંત લાવો, તે જ સાચો ઉપાય છે. બદલો લેવાની ભાવના છોડો અને સ્વયં રીતે બદલાવ લાવો તે જ હિતાવહ છે. જેમ પંચાયત કે પાલિકા દર વર્ષે વેરાની વસૂલાત કરે તે જુદી વાત છે. એ વહીવટી પ્રક્રિયા છે. સીતારામ પરિવારના પૂ. બાલુરામ બાપુ સત્સંગ-સભામાં કહે છે. વેર એ ચક્રવૃદ્ધિ વ્યાજ જેવું છે. વ્યાજનું ચક્ર જેમ ચાલ્યા કરે છે. આથી સમાધાનકારી અભિગમ અપનાવશો તો અનેક પ્રશ્નોનો સુખદ અંત આવે છે. જીવનમાં એક જ ભાવ રાખો, સદ્ભાવથી, સદ્ભાવના જન્મે છે, દુર્ભાવથી વેરવિખેર થઇ જવાય છે… આથી જીવનને મધુવન જેવું બનાવો.
તરસાડા – પ્રવીણસિંહ મહિડા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
હેલ્મેટનો કાયદો:- ચાર દિન કી ચાંદની
આમ તો હવે આ લેખકે નક્કી કર્યું છે કે જેમા ઘણા બધા પડ્યા હોય એ વિશે ન લખવું અને લખવું તો નોખા અંદાજ અને નોખી રીતે લખવું. પહેલાં તો આ હેલ્મેટ આપણી સલામતિ માટે છે. પોલીસ માટે નથી. એ સ્વીકારવું રહ્યું. આનો અમલ સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવે ઉપર ફરજિયાત હોવો જોઇએ એમાં બે મત નથી. સુરત જેવા ફ્લાય ઓવર બ્રિજ સહિત તમામ રસ્તે ટ્રાફિક એ કાયમી સમસ્યા બની ગઇ છે. એટલે સ્પીડમાં કોઈ ચલાવે અને અકસ્માત થાય એવો પ્રશ્ન જ નથી. તો પછી તત્કાલ એનો સીટીમાં અમલ શા માટે? મારી પાસે મારી મતિ પ્રમાણે એનો જવાબ છે. આગામી માર્ચ અંત સુધીમાં આનો ચુસ્ત અમલ થશે, એટલે સરકારના ટ્રાફિક વિભાગની દંડ દ્વારા આવક થશે. પણ પછી? માથા પરની હેલ્મેટ માળિયે જાય એમ પણ બને. અગાઉ ટુ વ્હીલરની બેક સાઈડ રેડીયમ પટીમાં મુદ્રીત હોવાની વાત ભૂલી ગયા ? આટલી મંદીમાં હેલ્મેટ બનાવનારી કંપની બેઠી થઈને બે પૈસા કમાઈ લે એમાં પ્રજાને કેમ પેટમાં દુખે છે?
સુરત – પ્રભાકર ધોળકિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
