નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના પરિણામના દિવસે મંગળવારે શેરબજારમાં જાણે તોફાન આવ્યું હતું. સેન્સેક્સ દિવસ દરમિયાન 6000 પોઈન્ટથી વધુનો ઘટ્યું હતું. નિફ્ટી પણ 1900 પોઇન્ટ સુધી ગગડ્યો હતો. જોકે, મંગળવારે સાંજે બજાર બંધ થતાં સુધીમાં લગભગ 2000 પોઈન્ટ્સની રિકવરી જોવા મળી હતી.
દરમિયાન આજે બજાર ઉછાળા સાથે ખુલ્યું અને સેન્સેક્સ-નિફ્ટી બંને સૂચકાંકોએ લીલા નિશાન પર ટ્રેડ કરવાનું શરૂ કર્યું છે. સવારે 9.15 વાગ્યે બજાર ખુલ્યું ત્યારે સેન્સેક્સ 672.84 પોઈન્ટ અથવા 0.93 ટકાના ઉછાળા સાથે 72,751 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી 170.20 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો હતો. કેન્દ્રમાં સતત ત્રીજીવાર મોદી સરકાર બની રહી હોવાનું સ્પષ્ટ થતાં બજાર રિક્વર થયું હોવાનું નિષ્ણાતો માની રહ્યાં છે.
શેરબજારમાં શરૂઆતી ઉછાળા પછી થોડો સમય વધઘટ જોવા મળી હતી, પરંતુ સવારે 11.30 વાગ્યા સુધીમાં શેરબજારે ફરી એકવાર તોફાની ગતિ પકડી હતી અને BSE સેન્સેક્સ 1,701.97 પોઈન્ટ્સ અથવા 2.45 ટકાના મજબૂત ઉછાળા સાથે 73,800.15ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે NSE નિફ્ટી 530.85 પોઈન્ટ અથવા 3.43 ટકા વધીને 22,415.35 ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો હતો.
આ અગાઉ ગઈકાલે મંગળવારે સવારે સેન્સેક્સ 1700 પોઈન્ટ પર ખુલ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 400 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો. પછી જેમ જેમ ચૂંટણીના પરિણામો આવવા લાગ્યા તેમ તેમ બજાર તૂટવા લાગ્યું. બપોરે 12 વાગ્યાની આસપાસ સેન્સેક્સ 6094 પોઈન્ટ્સ અને નિફ્ટી પણ 1900 પોઈન્ટ્સ સુધી લપસી ગયો હતો.
જોકે, બજાર બંધ થયું ત્યાં સુધીમાં રિકવરી આવી હતી અને સેન્સેક્સ 4389.73 પોઈન્ટ્સ અથવા 5.74 ટકા ઘટીને 72,079.05 પર બંધ થયો હતો અને નિફ્ટી 1379.40 પોઈન્ટ્સ અથવા 5.93 ટકા ઘટીને 21,884.50ના સ્તરે બંધ થયો હતો. શેરબજારમાં આવેલી આ સુનામીમાં શેરબજારના રોકાણકારોને રૂ. 31 લાખ કરોડનું નુકસાન થયું છે.