Columns

પેલેસ્ટાઇનને મળેલી માન્યતા ઇઝરાયલના ગાલ પરનો તમાચો છે

આજકાલ મધ્ય પૂર્વના રાજકારણમાં સૌથી મોટી નવાજૂની એ છે કે બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો અત્યાર સુધી ઇઝરાયલના સૌથી મોટા સાથી માનવામાં આવતા હતા, પણ હવે તેમણે ખુલ્લેઆમ પેલેસ્ટાઇનને સ્વતંત્ર રાજ્ય તરીકે માન્યતા આપી છે. ભારત સહિતના ૧૫૦ થી વધુ દેશોએ પહેલાંથી જ પેલેસ્ટાઇનને માન્યતા આપી દીધી હતી, પરંતુ આ યાદીમાં પશ્ચિમી દેશોનો ઉમેરો એક મોટો રાજકીય ગેમ-ચેન્જર માનવામાં આવી રહ્યો છે.

પેલેસ્ટાઇન એક એવું રાજ્ય છે, જેની પાસે પોતાની ઓલિમ્પિક ટીમ છે અને દૂતાવાસો છે, પરંતુ કોઈ નિર્ધારિત સરહદો નથી, કોઈ માન્ય રાજધાની નથી અને લશ્કર પણ નથી. ઇઝરાયલે પેલેસ્ટાઇનના પશ્ચિમ કાંઠા પર સંપૂર્ણપણે કબજો કરેલો છે. પેલેસ્ટાઇનનો ભાગ ગણાતી ગાઝા પટ્ટી યુદ્ધથી તબાહ કરી નાખવામાં આવી છે અને પૂર્વ પેલેસ્ટાઇનનું મુખ્ય શહેર જેરુસલેમ યહૂદી વસાહતોથી ઘેરાયેલું છે. આનો અર્થ એ છે કે પેલેસ્ટાઇન જેવું રાજ્ય નક્શા પર અસ્તિત્વમાં છે પણ તે હકીકતમાં અદૃશ્ય છે.

આ માન્યતા ઇઝરાયલ માટે એક મોટો રાજદ્વારી આંચકો ગણાય છે, કારણ કે તેના ભૂતપૂર્વ સાથીઓ હવે મધ્ય પૂર્વમાં ઇઝરાયલની સરહદની બીજી બાજુ હોય તેવું લાગે છે. બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરે તેમની જાહેરાતમાં આ ભાવનાનો પડઘો પાડતાં કહ્યું હતું કે એક સુરક્ષિત ઇઝરાયલ અને એક મુક્ત પેલેસ્ટાઇન જ મધ્ય પૂર્વનું ભવિષ્ય છે. આરબ દેશો આને પેલેસ્ટાઇનના નૈતિક વિજય તરીકે જોઈ રહ્યા છે. તે જ સમયે, પેલેસ્ટાઇન સમસ્યાનો બે-રાજ્યની થિયરી આધારિત ઉકેલ લાવવા તરફ નક્કર પગલાં લેવા માટે અમેરિકા પર દબાણ વધશે.

પશ્ચિમના ત્રણ દેશોએ પેલેસ્ટાઇનને માન્યતા આપી તેનાથી જમીન પરની પરિસ્થિતિ બદલાય તેવી શક્યતા નથી, પરંતુ રાજદ્વારી મોરચે પેલેસ્ટાઇન પહેલાં કરતાં વધુ શક્તિશાળી બન્યું છે. પેલેસ્ટાઇન સામેનો સૌથી મોટો પડકાર તેની પોતાની સ્થાનિક રાજનીતિ છે. હાલમાં ગાઝાપટ્ટી પર હમાસનું નિયંત્રણ છે, વેસ્ટ બેન્ક પર ફતાહનું નિયંત્રણ છે અને બંને પ્રદેશોમાં અલગ અલગ સરકારો છે. ૨૦૦૬ થી અહીં ચૂંટણીઓ યોજાઈ નથી. એક આખી પેઢી એવી છે, જેણે ક્યારેય મતદાન કર્યું નથી. પેલેસ્ટાઇનની યુવા પેઢી તેમના નેતાઓથી ખૂબ ગુસ્સે થયેલી છે અને કંટાળી ગઈ છે.

જે વિસ્તાર પહેલાં પેલેસ્ટાઇન તરીકે ઓળખાતો હતો તે ૧૯૨૨ થી ૧૯૪૮ દરમિયાન લીગ ઓફ નેશન્સના મેન્ડેટ હેઠળ બ્રિટન દ્વારા સંચાલિત હતો. પેલેસ્ટાઇનની જમીન પર ઇઝરાયલની રચના છેક ૧૯૪૮માં થઈ હતી, પરંતુ પેલેસ્ટાઇનને સમાંતર દેશ બનાવવાના પ્રયાસો અનેક કારણોસર નિષ્ફળ ગયા હતા. આ વર્ષના જુલાઈમાં સંયુક્ત રાષ્ટ્રમાં એક ભાષણમાં ભૂતપૂર્વ બ્રિટિશ વિદેશ સચિવ ડેવિડ લેમીએ કહ્યું હતું કે બ્રિટનની બે-રાજ્યની થિયરી આધારિત ઉકેલને ટેકો આપવાની ખાસ જવાબદારી છે.

તેમણે ૧૯૧૭ના બાલ્ફોર ઘોષણાપત્રનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં બ્રિટને પ્રથમ વખત પેલેસ્ટાઇનમાં યહૂદી લોકો માટે વતન બનાવવાની વાતને ટેકો આપ્યો હતો, પરંતુ લેમીએ કહ્યું કે ઘોષણામાં એક ગંભીર વચન પણ હતું કે પેલેસ્ટાઇનની બિનયહૂદી વસ્તી અને તેમના ધાર્મિક અધિકારોને કોઈ નુકસાન પહોંચાડવામાં આવશે નહીં. બે-રાજ્ય ઉકેલની થિયરીમાં વેસ્ટ બેન્ક અને ગાઝા પટ્ટીમાં પેલેસ્ટિનિયન રાજ્યની સ્થાપનાની કલ્પના કરવામાં આવી છે, જે ૧૯૬૭ના આરબ-ઇઝરાયલી યુદ્ધ પહેલાં અસ્તિત્વમાં રહેલી સરહદો પર આધારિત છે. તેની રાજધાની પૂર્વ જેરુસલેમ હશે, જેને ઇઝરાયલે યુદ્ધ પછી કબજે કર્યું હતું.

પેલેસ્ટાઇનના પશ્ચિમ કાંઠાના મોટા ભાગોમાં હજુ પણ ઇઝરાયલની વસાહતો છે, જે આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ ગેરકાયદેસર છે. પેલેસ્ટાઇન અંગે વિશ્વભરના દેશોનાં મંતવ્યો વિભાજિત છે. ઇઝરાયલ સાથે પેલેસ્ટાઇનના લાંબા સમયથી ચાલી રહેલા વિવાદને કારણે તેની પાસે આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સરહદો નથી, તેની પાસે કોઈ રાજધાની નથી અને તેની પોતાની કોઈ સેના નથી.

પશ્ચિમ કાંઠા પર ઇઝરાયલના લશ્કરી કબજાને કારણે ૧૯૯૦ ના દાયકામાં શાંતિ કરારો પછી રચાયેલી પેલેસ્ટિનિયન ઓથોરિટી પાસે તેની જમીન કે લોકો પર સંપૂર્ણ નિયંત્રણ નથી. પેલેસ્ટાઇન મૂળભૂત રીતે એક અધૂરું રાજ્ય હોવાથી તેને આપવામાં આવેલી માન્યતા મોટે ભાગે પ્રતીકાત્મક છે. છતાં આ પ્રતીકાત્મક પગલું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. હાલમાં, સંયુક્ત રાષ્ટ્રના ૧૯૩ સભ્ય દેશોમાંથી લગભગ ૧૫૦ ટકા દેશોએ પેલેસ્ટાઇનને માન્યતા આપેલી છે. પેલેસ્ટાઇનને સંયુક્ત રાષ્ટ્રમાં કાયમી નિરીક્ષકનો દરજ્જો છે, જેના કારણે તે બેઠકોમાં ભાગ લઈ શકે છે પરંતુ મતદાન કરી શકતો નથી.

બ્રિટન અને ફ્રાન્સની માન્યતા સાથે, પેલેસ્ટાઇનને ટૂંક સમયમાં યુએન સુરક્ષા પરિષદના પાંચ કાયમી સભ્યોમાંથી ચારનું સમર્થન મળશે. ચીન અને રશિયાએ ૧૯૮૮માં જ પેલેસ્ટાઇનને માન્યતા આપી હતી. આનાથી ઇઝરાયલનો સૌથી મજબૂત સાથી અમેરિકા એકમાત્ર એવો દેશ રહેશે જેણે તેને માન્યતા આપી નથી. અમેરિકાએ ૧૯૯૦ ના દાયકાના મધ્યમાં રચાયેલી મહમૂદ અબ્બાસના નેતૃત્વ હેઠળની પેલેસ્ટિનિયન ઓથોરિટીને માન્યતા આપી ત્યારથી ઘણા અમેરિકન રાષ્ટ્રપતિઓએ ભવિષ્યમાં પેલેસ્ટિનિયન રાજ્યની સ્થાપનાને ટેકો આપ્યો છે. જો કે, ડોનાલ્ડ ટ્રમ્પ તેમાંના એક નથી.

કેનેડા પેલેસ્ટાઇનને માન્યતા આપનાર પ્રથમ G-7 દેશ બન્યો છે. G-7 દેશોમાં ફ્રાન્સ, કેનેડા, ઇટાલી, જર્મની, જાપાન, યુનાઇટેડ કિંગડમ અને અમેરિકાનો સમાવેશ થાય છે. આ દેશો વૈશ્વિક વેપાર અને આંતરરાષ્ટ્રીય આર્થિક વ્યવસ્થામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. ફ્રાન્સ પહેલો G-7 દેશ હતો જેણે કહ્યું કે તે પેલેસ્ટાઇનને માન્યતા આપશે, પરંતુ તે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સત્તાવાર ઘોષણા કરશે.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને જાહેરાત કરી હતી કે મધ્ય પૂર્વમાં ન્યાયી અને સ્થાયી શાંતિ માટે મેં નક્કી કર્યું છે કે ફ્રાન્સ પેલેસ્ટાઇનને માન્યતા આપશે. આપણે હમાસનું બિનલશ્કરીકરણ કરવું જોઈએ અને ગાઝાની સુરક્ષા અને પુનર્નિર્માણ સુનિશ્ચિત કરવું જોઈએ. કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્ને જુલાઈમાં કહ્યું હતું કે કેનેડા લાંબા સમયથી બે-રાજ્ય ઉકેલને ટેકો આપે છે. તેમણે ઉમેર્યું હતું કે ઇઝરાયલના કબજા હેઠળના પશ્ચિમ કાંઠે વસાહતોના વિસ્તરણ અને ગાઝામાં બગડતી માનવતાવાદી પરિસ્થિતિને કારણે આ અભિગમ હવે ટકાઉ નથી.

અમેરિકાએ તેના G-7 સાથી દેશોની આ પહેલની ટીકા કરી છે અને કહ્યું છે કે હાલમાં તેની પાસે આ માટે કોઈ યોજના નથી. જૂન મહિનામાં ઇઝરાયલમાં અમેરિકાના રાજદૂત માઇક હુકાબીએ કહ્યું હતું કે તેમને હવે એવું લાગતું નથી કે અમેરિકા પેલેસ્ટાઇનને માન્યતા આપવાનું સમર્થન કરે છે. તાજેતરમાં અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ કહ્યું હતું કે પેલેસ્ટાઇનને માન્યતા આપવાની આંતરરાષ્ટ્રીય ઝુંબેશ હમાસને વધુ પ્રોત્સાહન આપશે. બાકીના ત્રણ G-7 દેશો ઇટાલી, જર્મની અને જાપાને પેલેસ્ટાઇનને માન્યતા આપવાની કોઈ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી નથી. પોર્ટુગલ અને ન્યુઝીલેન્ડ પણ પેલેસ્ટાઇનને માન્યતા આપવાનું વિચારી રહ્યા છે.

બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને કેનેડાએ ૨૧ સપ્ટેમ્બર, રવિવારના રોજ જ પેલેસ્ટાઇનને માન્યતા કેમ આપી? તમને લાગશે કે જો આ દેશોએ સંયુક્ત રાષ્ટ્રમાં તેમના નેતાઓ સાથે મળીને આ ઘોષણા કરી હોત, તો તેની વધુ અસર થઈ હોત, પરંતુ કારણ એ છે કે રોશ હશનાહ તરીકે ઓળખાતું યહૂદી નવું વર્ષ સોમવારથી શરૂ થાય છે. રાજદ્વારી નેતાઓ આ ધાર્મિક તહેવાર દરમિયાન આ વિવાદાસ્પદ નિર્ણયની જાહેરાત કરીને ઇઝરાયલીઓને નારાજ કરવા માંગતા ન હતા.

બીજું કારણ એ હોઈ શકે છે કે કીર સ્ટાર્મર આ અઠવાડિયે યુનોની જનરલ એસેમ્બલીમાં હાજર રહેવાના નથી અને આ મહત્ત્વપૂર્ણ જાહેરાત તેઓ બ્રિટિશ પ્રતિનિધિ નાયબ વડા પ્રધાન ડેવિડ લેમી અથવા વિદેશ પ્રધાન યવેટ કૂપરને સોંપવા માંગતા નહોતા. ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પેલેસ્ટાઇનને માન્યતા આપવા બદલ તેમના ઓસ્ટ્રેલિયન સમકક્ષ એન્થોની અલ્બેનીઝ પર ઇઝરાયલ સાથે દગો કરવાનો અને ઓસ્ટ્રેલિયાના યહૂદી સમુદાયની અવગણના કરવાનો આરોપ લગાવ્યો છે. ઇઝરાયલના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે પેલેસ્ટાઇનને એક રાજ્ય તરીકે માન્યતા આપવી એ જેહાદી હમાસ માટે પુરસ્કારથી વધુ કંઈ નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top