ચૂંટણી આવતાની સાથે જ જાણે આયારામ ગયા રામની સિઝન શરૂ થઇ જાય છે. ખરેખર તો વ્યક્તિ જ્યારે જાહેર જીવનમાં પ્રવેશે છે ત્યારે તેનો હેતુ એક અને માત્ર એક સમાજ સેવાનો હોય છે. એટલું જ નહીં જે વિચારધારામાં તે વ્યક્તિ માનતી હોય તે પક્ષની પસંદગી કરે છે. પરંતુ આ તમામ નૈતિકતા એક માત્ર ટિકિટની સામે ઝૂકી જાય છે. ગુજરાતમાં ભાજપે એક અખતરો કર્યો છે. આ અખતરા પ્રમાણે તમામ સિનિયર નેતાઓને ઘરે બેસાડી દેવામાં આવ્યા છે. આ તમામ સિનિયર નેતાઓએ પણ ચૂપચાપ પાર્ટીનો નિર્ણય માથે ચડાવી દીધો છે. જો કે, પક્ષ પણ તેમને સંગઠનમાં કોઇ મોટુ પદ આપી શકે છે. પરંતુ ભાજપના અનેક એવા બળવાખોર નેતા છે.
જેમને ટિકિટ નહીં મળતા અથવા તો તેઓ અપક્ષ લડી રહ્યાં છે અથવા તો અન્ય પાર્ટીમાંથી. ભાજપના કેટલાક નેતાની વાત કરીએ તો પાદરામાં પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલ, દિનુ મામાની ટિકિટ કપાતા ભાજપથી નારાજ થયા છે, અને ભાજપમાંથી રાજીનામું આપી તેમણે અપક્ષ ઉમેદવારી કરી છે. તેવી જ રીતે ઉત્તર ગુજરાતના બાયડમાં ધવલસિંહ ઝાલાએ ભાજપમાંથી રાજીનામું આપી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.બાયડના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા એક સમયે અલ્પેશ ઠાકોરના જોડીદાર હતા. અલ્પેશ ઠાકોરની આંગળી પકડીને તેઓ તેમની પાછળ પાછળ જતા હતા, પરંતુ આ વખતે અલ્પેશ ઠાકોરને પણ ટિકિટ મેળવવામાં પરસેવો છૂટી ગયો હતો. તેવામાં અલ્પેશ ઠાકોર ધવલ સિંહ ઝાલાની ટિકિટ માટે ભલામણ કરી શકે તેવા કોઈ સંજોગો હતા નહીં.
બીજી તરફ બાયડમાંથી ભાજપે ધવલસિંહ ઝાલાની ટિકિટ કપાતા ધવલસિંહ ઝાલા નારાજ થયા અને તેમણે ભાજપમાંથી રાજીનામું આપી, બાયડમાંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. આમ ધવલસિંહ ઝાલા હવે ભાજપની સામે જ અને એક સમયના તેમના સાથીદાર અલ્પેશ ઠાકોરની સામે મેદાને જંગમાં છે.પાદરાના પૂર્વ ધારાસભ્ય દિનુમામા પણ ભાજપથી નારાજ થઈ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. દીનુ મામાને મનાવવા માટે ભાજપ દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ તે નિષ્ફળ નીવડ્યા હતા. તેવી જ રીતે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ટિકીટ કપાતા તેઓ પણ ભાજપ સામે બાયો ચડાવી ચૂક્યા છે. મધુ શ્રીવાસ્તવને પણ મનાવાના પ્રયાસો કરાયા હતા, પરંતુ તેમાં પણ ભાજપ પ્રદેશ નેતૃત્વને નિરાશા મળી હતી. આ ઉપરાંત નાદોંદમાં પણ પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવા ભાજપથી નારાજ થઈ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જ્યારે ઉત્તર ગુજરાતના ધાનેરામાં પણ માવજી દેસાઈએ ભાજપથી છેડો ફાડી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. હવે આ નેતાઓને જે તે સમયે ભાજપે ટિકિટ ફાળવી ત્યારે એ વાત તો સ્પષ્ટ હતી કે, કોઇ કે કોઇની ટિકિટ તો કપાઇ જ હશે અને ત્યારે જ તેમને આ ટિકિટ મળી હશે. પરંતુ તેમણે કોઇની ટિકિટ કાપી તેનો વિચાર કોઇ કરતું નથી અને પોતાની ટિકિટ કપાઇ તેના ઉપર જ મનોમંથન કરીને અન્યાય થયો હોવાની ભાવના અનુભવે છે.
સમાજ સેવાના હેતુથી જાહેર જીવનમાં પ્રવેશનારાઓની વિચારધારા જ બદલાઇ જાય છે. પહેલા અનેક નેતા એવા હતાં કે જેમણે તેમની વિચારધારાના કારણે અનેક મોટા પદના બલિદાન આપી દીધા હતા. હવે નેતાની વાત કરીએ તો સૌથી પહેલા તો આખી લડાઇ ટિકિટ માટેની હોય છે. ટિકિટ માટે હાઇકમાન્ડ ઉપર દબાણ લાવવામાં આવે છે અથવા તો ભલામણનો મારો કરવામાં આવે છે.
માની લઇએ કે એક વાર ટિકિટ મળી પણ જાય અને ઉમેદવાર જીતી પણ જાય ત્યાર બાદ જો સરકાર બને તો પછી મંત્રી પદ માટેની ભલામણ શરૂ થઇ જાય છે. તેના માટે પણ અનેક કાવાદાવા કરવામાં આવે છે. અને જો મંત્રી પદ મળી જાય તો પણ ઉમેદવારને સંતોષ થતો નથી. ત્યાર પછી સારામાં સારા પોર્ટફોલિયો એટલે કે મંત્રાલય માટે બબાલ શરૂ થઇ જાય છે. આ જે મુળ સમાજ સેવાનો હેતું તો ભૂલાઇ જ જાય છે અને બીજાના ખભા ઉપર પગ મૂકીને નેતા ઉપર આવવાનો પ્રયાસ કરે છે. અને જ્યારે અન્ય કોઇ તેમના ખભા ઉપર પગ મૂકીને ઉપર જાય ત્યારે કહેવામાં આવે છે કે ખૂબ અન્યાય થયો.