છેલ્લા કેટલાક સમયથી “કલ્કી 2898 એડી” માંથી દીપિકાને દૂર કરવા પાછળના કારણોની ચર્ચા ચાલી રહી છે. જેવામાં એક અહેવાલમાં જાણવા મળ્યું કે દીપિકાએ પહેલી ફિલ્મ દરમિયાન બીજા ભાગ ‘કલ્કી 2’ માટે 20 દિવસનું શૂટિંગ કરી લીધું હતું. પરંતુ પાછળથી દિપીકાએ 25% વધુ ફી માગી હતી. જેથી ડિરેક્ટરોએ તેને આ ફિલ્મમાંથી દૂર કરવાનો નિર્ણય લીધો છે.
“કલ્કી 2898 એડી” માંથી દીપિકાની બહાર નીકળવાની ખબરથી સિનેમા ઉદ્યોગમાં ચર્ચા ગરમાઈ ગઈ છે. ફિલ્મના ડાઇરેક્ટર નાગ અશ્વિનની આ મેગા-પ્રોજેક્ટમાંથી અભિનેત્રીને દૂર કરવાનો નિર્ણય કેમ લેવામાં આવ્યો તેના અંગે અનેક અટકળો ચાલી રહી છે.
પ્રોડક્શન હાઉસ વૈજયંતી ફિલ્મ્સે X પર લખ્યું “દીપિકા પાદુકોણ “કલ્કી 2898 એડી”ના સિક્વલનો ભાગ નહીં બને. પહેલી ફિલ્મમાં લાંબી સફરતા મળ્યા છતાં અમે આ ભાગીદારી ચાલુ રાખી શક્યા નહીં.”
આ પોસ્ટ બાદ અંદરની વાત બહાર આવી. અહેવાલ મુજબ દીપિકાએ પહેલી ફિલ્મના શૂટિંગ દરમિયાન જ “કલ્કી 2” માટે 20 દિવસ સુધી શૂટિંગ કર્યું હતું. પરંતુ ત્યારબાદ તેમના મેનેજમેન્ટે નિર્માતાઓ સામે 25% થી વધુ ફી વધારવાની માંગણી કરી. સૂત્રોના જણાવ્યા મુજબ દીપિકાને લાગતું હતું કે પહેલી ફિલ્મમાં તેમના અભિનય માટે થયેલી પ્રશંસાને કારણે તેઓ બદલી ન શકાય. આ વાટાઘાટો દરમિયાન નિર્માતાઓ સાથે મતભેદ ઊભા થયા અને આખરે તેમને પ્રોજેક્ટમાંથી દૂર કરવાનો નિર્ણય લેવાયો.
આ સત્તાવાર જાહેરાત પછી દીપિકાએ તેમના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી. જેમાં તેઓ શાહરૂખ ખાન સાથે ફિલ્મ “કિંગ”ના સેટ પર દેખાતા હતા. તેમણે લખ્યું “18 વર્ષ પહેલાં ‘ઓમ શાંતિ ઓમ”ના શૂટિંગ વખતે શાહરૂખે મને શીખવ્યું કે ફિલ્મ બનાવવાનો અનુભવ અને તમે જેની સાથે તે બનાવો છો તે લોકો, તેની સફળતા કરતાં વધુ મહત્વપૂર્ણ છે કદાચ એટલા માટે જ અમે અમારી છઠ્ઠી ફિલ્મ સાથે બનાવી રહ્યા છીએ.”
આ પોસ્ટને “કલ્કી 2” ના નિર્માતાઓ માટેનો દીપિકાનો નરમ જવાબ માનવામાં આવી રહ્યો છે.
હવે મોટો સવાલ એ છે કે “કલ્કી 2″માં દીપિકાની જગ્યાએ કઈ અભિનેત્રી આવશે. “કલ્કી 2898 એડી” સુપરહિટ રહી હતી અને તેના સિક્વલ માટે ચાહકોમાં ભારે ઉત્સુકતા છે. દીપિકાના અભાવમાં ફિલ્મ શું પ્રભાવ પાડશે તે જોવાનું રહ્યું.