“કાંટા લગા ગર્લ” શેફાલી જરીવાલાના અવસાનના સમાચાર સામે આવ્યા બાદ સમગ્ર મનોરંજન જગત અને પ્રશંસકોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. તા.27 જૂન 2025ની શુક્રવારે રાત્રે શેફાલીના અવસાનની ઘટનાઓએ બધાને હચમચાવી દીધા હતા.
પોલીસે જણાવ્યું કે, શેફાલી જરીવાલાનું મૃત્યુ તેમના ઘરે જ થયું હતું. તેમની તબિયત ખરાબ થતાં તેમને તરત જ બેલેવ્યુ હોસ્પિટલ લઇ જવાયા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. માહિતી મુજબ હોસ્પિટલ પહોંચતા પહેલા જ શેફાલીનું અવસાન થઈ ચૂક્યું હતું.
અંબોલી પોલીસે જણાવ્યું કે તેમના મૃત્યુ પાછળનું સંભવિત કારણ લો બ્લડ પ્રેશર હોય શકે છે. ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળેથી પુરાવાઓ એકત્ર કર્યા છે. શેફાલીએ શુક્રવારે તેમના ઘરે સત્યનારાયણ પૂજાનું આયોજન કર્યું હતું, જેના કારણે દિવસભર તેમણે ઉપવાસ રાખ્યો હતો. પૂજા બાદ જ્યારે શેફાલીએ ફ્રિજમાં રાખેલું ખોરાક ખાધું, ત્યારબાદ તેઓ બેભાન થઇ ગઈ હતી. તેમના પતિ પરાગ ત્યાગીએ પણ આ માહિતી પોલીસને આપી છે.
તપાસ દરમિયાન પોલીસને તેમના ઘરમાંથી ગ્લુટાથિઓન અને વિટામિન યુક્ત એન્ટિ-એજિંગ ગોળીઓ મળેલી છે. તેમ છતાં, પોલીસને હાલ સુધી કોઈ સાક્ષી કે પુરાવો મળ્યો નથી જે કોઈ તૃટિ કે દુષ્કૃત્ય તરફ ઈશારો કરે.
અંબોલી પોલીસના જણાવ્યા અનુસાર, આકસ્મિક મૃત્યુનો કેસ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પરિવારજનો તરફથી પણ કોઈ શંકાસ્પદ નિવેદન આપવામાં આવ્યું નથી. શેફાલી જરીવાલાનું અચાનક મૃત્યુ સમગ્ર ઇન્ડસ્ટ્રી માટે એક મોટો ખોટ ગણવામાં આવી રહ્યો છે.