Comments

નારીવાદની ખરી જરૂર અહીં છે

સપ્ટેમ્બર, ૨૦૨૩માં આપણા દેશની સંસદમાં ‘નારીશક્તિ વંદના અધિનિયમ’નામનો ખરડો પસાર કરવામાં આવ્યો, જેમાં સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા બેઠકો આરક્ષિત રાખવાની જાગવાઈ છે. આ કાર્ય માટે ભગવાને પોતાની પસંદગી કરી હોવાનું જણાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુશાલી વ્યક્ત કરી હતી. આ પહેલ આવકાર્ય છે. તેનાથી મહિલાઓના પ્રતિનિધિત્વની સ્થિતિમાં કશું પરિવર્તન આવશે કે કેમ એ તો સમય કહેશે.

એ જ મહિને પ્રકાશિત થયેલા અન્ય એક અહેવાલમાં ભારતીય મહિલાઓની વર્તમાન સ્થિતિ વિશે અંદાજ આવે છે. અલબત્ત, આ અહેવાલ આરોગ્યને લગતો છે. કેન્સરના ઈલાજમાં લૈંગિક ભેદભાવ બાબતે લાન્સેટ કમિશન દ્વારા એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. કુલ ૧૮૫ દેશોમાં કેન્સર બાબતે નિર્ણય લેવાની, જાણકારી તેમજ આર્થિક બાબતોની પ્રક્રિયા પર સત્તાની અસમાનતા શો ભાગ ભજવે છે તેને અહેવાલમાં તપાસવામાં આવી છે. તેનાં તારણો વિચારતા કરી મૂકે એવાં છે.

એ મુજબ, વિશ્વભરના દેશોમાં મહિલાઓનાં અકાળે થતા મૃત્યુ માટેનાં ત્રણ મુખ્ય કારણ પૈકીનું એક કેન્સર છે, પણ જાણકારી તેમજ નિર્ણય લેવાની સત્તા ન હોવાને કારણે કેન્સરનું નિદાન થયા પછી મહિલાઓ એ બાબતે દરકાર ઓછી લેતી જણાઈ છે. કેન્સરને કારણે તેઓ ‘આર્થિક મુશ્કેલી’અનુભવતી હોવાનું જણાયું છે. વેળાસર નિદાન કરવામાં આવ્યું હોત અને દરકાર લેવામાં આવી હોત તો ભારતમાં કેન્સરથી થયેલાં મહિલાઓના મૃત્યુના કિસ્સામાં બે તૃતીયાંશ કિસ્સા રોકી શકાય એવા હતા અને ૩૭ ટકા કિસ્સામાં સારવાર થઈ શકે એમ હતી.

સમગ્ર વિશ્વમાં એ બાબત લગભગ સામાન્ય કહી શકાય એવી છે કે સ્વાસ્થ્યની બાબતમાં લૈંગિક બાબત મહત્ત્વની ભૂમિકા અદા કરે છે. ઘણાં રાષ્ટ્રોમાં વંચિત સમુદાયની મહિલાઓની શિક્ષણ, રોજગાર તેમજ સ્વાસ્થ્યની મર્યાદિત પહોંચ આના માટે જવાબદાર ગણાવી શકાય. કેમ કે, એને કારણે વેળાસર નિદાન અને સારવાર થઈ શકતાં નથી.

આની સાથે સંકળાયેલી આનુષંગિક બાબતો જાણવા જેવી છે. વિશ્વભરની મહિલાઓમાં સૌથી સામાન્ય કેન્સર સ્તન કેન્સર છે, પણ તેના માટે વ્યવસાયનાં કે પર્યાવરણનાં કેવાં જાખમો જવાબદાર છે એ બાબતે ખાસ સંશોધન થયું નથી. સાથે એ બાબત ધ્યાનમાં લેવા જેવી છે કે કેન્સરની સારવાર સાથે સંકળાયેલી ઓન્કોલોજી શાખામાં મહિલાઓનું પ્રતિનિધિત્વ નિર્ણાયક અને અગ્ર ભૂમિકામાં પૂરતા પ્રમાણમાં નથી.

લાન્સેટના ભારત ખાતેનાં કમિશ્નર ડૉ. ઈશુ કટારિયાના જણાવ્યા અનુસાર કેન્સરનું નિદાન થયું હોય એવી ભારતની મહિલાઓનાં મૃત્યુ પરિવારની ઉદાસીનતા, તેમની ખુદની ઉદાસીનતા, નાણાંનો તેમજ સારવાર સુધીની પહોંચના અભાવને કારણે થયાં છે. તેમણે કહ્યું, ‘કેન્સર બાબતે ‘નારીવાદી’અભિગમ અપનાવવા પર ભાર મૂકવાની જરૂર છે. મહિલાઓમાં થતા કેન્સરને પ્રાથમિકતા આપવાની જરૂર છે. કેન્સર સાથે મહિલાઓએ પોતાને થયેલા એ રોગ ઉપરાંત વિવિધ રીતે પનારો પાડવાનો આવે છે, જેમાં તેઓ અવેતન બરદાસી, કેન્સર નિવારણમાં ભાગ લેનાર, સ્વાસ્થ્યસુવિધા પ્રદાન કરનાર, સંશોધક અને નીતિ ઘડનાર એમ વિવિધ સ્તરે હોઈ શકે છે. આ સંદર્ભે તેમણે લૈંગિક પૂર્વગ્રહ અને ભેદભાવનો સામનો કરવાનો આવે છે. એ તેમની વય, જાતિ, સામાજિક-આર્થિક સ્તર વગેરેને કારણે હોઈ શકે. આને કારણે યોગ્ય નિદાન અને સારવાર સુધી પહોંચવાની તેમની ક્ષમતા રુંધાય છે.’

મહિલાઓના કેન્સરના ભારતમાં ૨૦૨૦માં મુખ્ય ત્રણ પ્રકાર જાવા મળ્યા- સ્તનનું, ગરદનનું અને ગર્ભાશયનું. કેન્સરથી થતાં ૨૩ ટકા મૃત્યુમાં ચેપ કારણભૂત હોવાનું જણાયું, જેમાં ગરદનના કેન્સર માટે એચ.પી.વી. (હ્યુમન પેપિલોમા વાઈરસ), યકૃતના કેન્સર માટે હીપેટાઈટીસ બી અને સી મુખ્ય ગણાવી શકાય. અહેવાલ અનુસાર મૃત્યુનું છ ટકા પ્રમાણ તમાકુને આભારી છે. મદ્યપાન અને સ્થૂળતા કેન્સરથી થતા માત્ર એક ટકા મૃત્યુનું કારણ હોય છે.

અમેરિકાની ખ્યાતનામ ‘નેશનલ કેન્સર ઈન્સ્ટિટ્યૂટ’નાં ઓન્કોલોજિસ્ટ અને વરિષ્ઠ સલાહકાર ઓફિરા જિન્સબર્ગ સ્પષ્ટપણે જણાવે છે કે મહિલાઓમાં થતા કેન્સર પર પિતૃસત્તાક સમાજનો પ્રભાવ મહદંશે ધ્યાનમાં આવ્યો નથી. મહિલાઓના સ્વાસ્થ્યને મુખ્યત્વે માતૃત્વ અને તેને લગતી બાબતો પૂરતું જ મર્યાદિત કરી દેવામાં આવ્યું છે. કેન્સરને મોટે ભાગે અવગણવામાં આવ્યું છે. આ સંજાગોમાં આ અહેવાલમાં મહિલાઓમાં થતા કેન્સર બાબતે આચરવામાં આવી રહેલો લૈંગિક ભેદભાવ એક મહત્ત્વનું તારણ અને લક્ષણ બની રહ્યું છે. સમાજમાં પ્રચલિત નારીવાદની સંકુચિત વ્યાખ્યા કે અભિગમ સુદ્ધાં મહિલાઓના કેન્સરને લાગુ પડતો નથી.

મહિલાઓમાં વ્યાપેલા કેન્સર અંગેની આ પરિસ્થિતિ ક્યાંક વધુ તો ક્યાંક ઓછી, પણ વૈશ્વિક સ્તરે છે એ હકીકત છે. આપણે ભલે નારીસન્માનને આપણી પરંપરા ગણાવીએ કે નારીગૌરવ, નારીશક્તિ યા નારીવંદનાનાં ગાણાં ગાઈએ, મહિલાઓની વાસ્તવિક સામાજિક સ્થિતિ શી છે એ અજાણી બાબત નથી. સ્વાસ્થ્ય બાબતે, અને ખાસ કરીને કેન્સર બાબતે વાસ્તવિકતા શી હશે એ ધારણા કરવી અઘરી નથી.

આ અહેવાલમાં અનેક કિસ્સાઓ ટાંકવામાં આવ્યા છે, જે મહિલાઓની સ્થિતિની અસલિયતને ઉજાગર કરે છે. સંસદમાં મહિલાઓના પ્રતિનિધિત્વને લગતો ખરડો પસાર થાય એ આનંદની વાત છે, પણ એ મંઝીલ સુધીના રસ્તાનું કેવળ પ્રથમ ડગલું છે. ઘણો લાંબો પંથ કાપવાનો બાકી છે. મહિલાઓના સ્વાસ્થ્યની આવી સ્થિતિ માટે સત્તાધીશો એકલા કશું ન કરી શકે. સમાજના સ્તરે વ્યાપક ધોરણે, નાગરિકધર્મને ધ્યાનમાં લઈને નક્કર કામ કરવું પડે. અને તેનો આરંભ વ્યક્તિગત સ્તરે, પોતાના પરિવારથી કરવાનો થાય. એ સહેલું નથી? કે બહુ અઘરું પડે એમ છે?
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top