SURAT

આસોના વરસાદે ખેડૂતોને રડાવ્યાઃ ડાંગર પલળ્યો, શેરડી ફરી રોપવી પડશે, સુરતના ખેડૂત નેતાએ CMને પત્ર લખ્યો

સુરતઃ દક્ષિણ ગુજરાતમાં હજારો હેક્ટર ખેડૂતોની જમીનમાં પાક તૈયાર થઈ ગયો હતો અને હજારો એકર જમીનમાં શેરડીનું રોપણ કરવામાં આવેલું હતું ત્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. આ વરસાદને કારણે સુરત જિલ્લાના અનેક વિસ્તારમાં ખેડૂતોના ડાંગર, શેરડી, શાકભાજી અને બાગાયતી પાકોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.

સૂકાવા મુકેલો ડાંગરનો પાક પલળી ગયો
દક્ષિણ ગુજરાતમાં હાલમાં ખેડૂતોના ખેતરમાં ડાંગરનો પાક તૈયાર થયો છે તથા અનેક વિસ્તારમાં ડાંગર કાપણીની કામગીરી ચાલી રહી છે પરંતુ ભારે પવન સાથે વરસેલા વરસાદને કારણે ડાંગરનાં તૈયાર થયેલા આશરે ૧.૧૮ લાખ હેક્ટર પાકમાં નુકસાન થયું છે.

ખાસ કરીને સુરત જિલ્લામાં અનેક વિસ્તારમાં જે ડાંગરનો પાક કાપણી કરીને ખેતરમાં સુકાવા માટે મુક્યો હતો તે ડાંગર પણ પાણીમાં પલળી ગયા છે. આ પલળી ગયેલા ડાંગરના ગ્રેડિંગ નીચે આવાને કારણે પણ ખેડૂતોને નુકસાન જશે. આ જ રીતે બાજરી, જુવાર, તલ સહિતનાં પાકને નુકસાન થવા પામેલ છે. જેથી ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થવાનું છે.

ખેડૂતોએ શેરડીનું વાવેતર ફરી કરવું પડશે
સુરત જિલ્લામાં અનેક વિસ્તારમાં હાલમાં શેરડીના પાકનું વાવેતર કરવામાં આવેલ છે. જેમ કે સાયણ સુગર હસ્તક ૫૭૦૦ એકર, બારડોલી સુગર હસ્તક ૧૪૯૨૮ એકર, ચલથાણ સુગર હસ્તક ૫૬૦૦ એકર, કામરેજ સુગર હસ્તક ૪૮૦૦ એકર,પંડવાઇ સુગર હસ્તક ૧૩૦૦ એકર, મહુવા સુગર હસ્તક ૧૪૦૦ એકર તથા ગણદેવી સુગર હસ્તક ૯૫૦૦ એકર મળી કુલ ૪૫,૮૨૮ એકર જમીનમાં શેરડીનું વાવેતર કરવામાં આવેલ હતું.

પરંતુ દક્ષિણ ગુજરાતનાં વિસ્તારમાં ભારે પવન સાથે પડેલ વરસાદને કારણે ખેડૂતોના શેરડીનો પાક યોગ્ય રીતે ઉગી શકે તેવી હાલતમાં નથી. જેથી આવા તમામ ખેડૂતોએ શેરડીનું ફરી વાવેતર કરવું પડે તેમ છે.જેને કારણે ખેડૂતોની હાલત કફોડી બની જવા પામેલ છે. જેથી આવા અસરગ્રસ્ત વિસ્તારમાં ખેડૂતોને થયેલ નુકસાન માટે સર્વે કરાવી આર્થિક સહાય ચૂકવવામાં આવે એ જરૂરી છે ત્યારે જ ખેડૂત ફરી પગભર થઈ શકે એમ છે.

સરવે કરી વળતર ચૂકવવા માંગ ઉઠી
ખેડૂત નેતા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. નાયકે માંગણી કરી છે ગુજરાત સરકાર દ્વારા ખાસ કિસ્સામાં દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે થયેલ વરસાદ ને કારણે ખેડૂતોના શેરડી, ડાંગર, શાકભાજી અને બાગાયતી પાકોને થયેલા નુકસાનનો તત્કાલ સર્વે કરાવી નુકસાન વળતર ચૂકવવામાં આવે તે અસરગ્રસ્ત ખેડૂતો માટે ખૂબ જરૂરી છે.

ખેડૂતોને આશરે 150 કરોડ રૂપિયા કરતા વધુનું નુકસાન થયાનો અંદાજ છે. જેનો તત્કાળ સર્વે કરાવવામાં આવે ખાસ કિસ્સામાં જે ખેડૂતને નુકસાન થવા પામેલ છે તેમને અને સુગર મિલો માટે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે એવી માગણી નાયકે કરી છે.

Most Popular

To Top