Charchapatra

ટી.વી. કરતાં રેડિયોનો આંખે દેખ્યો અહેવાલ આનંદદાયક હતો

અગાઉ જ્યારે ટેલિવિઝનની શોધ થઈ ન હતી ત્યારે રેડિયો એ એક જ મનોરંજનનું માધ્યમ ગણાતું હતું. બીજું રેડિયો ઘરમાં હોવો એ સ્ટેટ્સ સિમ્બોલ ( મોભાનું પ્રતીક) ગણાતું હતું. આપણા ભારતમાં અને એમાંય ખાસ કરીને ગુજરાતમાં,ક્રિકેટનો દરેક વ્યક્તિને ગાંડો શોખ હોય છે અને જ્યારે પણ આપણા ગુજરાતમાં મેચ હોય, ત્યારે સ્ટેડિયમ પ્રેક્ષકોથી ખીચોખીચ ભરાઈ જાય છે. તે વખતે ક્રિકેટનો બોલ ટુ બોલ આંખે દેખ્યો અહેવાલ રેડિયો ઉપર આપવામાં આવતો હતો અને જેના ઘેર રેડિયો હોય તેના ઘેર હકડેઠઠ ભીડ જોવા  મળતી હતી.

તે વખતે રેડિયો ઉપર હિન્દી ઉપરાંત અંગ્રેજીમાં રનિંગ કોમેન્ટરી પ્રસારિત થતી હતી. હિન્દી કોમેન્ટરીમાં સર્વશ્રી જશદેવસિંઘ, શ્રી મુરલી મનોહર મંજુલ, શ્રી સુશીલ દોશી, શ્રી સ્કંધ ગુપ્ત, શ્રી રવિ ચતુર્વેદી આ બધાં હિન્દી કોમેન્ટેટરોની બોલબાલા હતી અને હિન્દી ભાષા ઉપર તેઓનું સારું પ્રભુત્વ હતું, એમાંય વળી સુશીલ દોશી અને મુરલી મનોહર મંજુલ કોમેન્ટરી કરે ત્યારે કોઈ રેડિયો ઉપરથી આઘોપાછો થાય નહીં. એમની વાક્છટા એટલી જોરદાર અને રસપ્રદ રહેતી હતી કે કોમેન્ટરી સાંભળનારાઓ દંગ રહી જતાં હતાં. તો અંગ્રેજીમાં શ્રી સુરેશ સરૈયા, શ્રી જે પી નારાયણન, શ્રી આશિષ રે, શ્રી આર. બાલુ અલગનન, શ્રી શિવાજી દાસગુપ્તા, શ્રી ડીકી રત્નાકર વિગેરેનો દબદબો હતો.

આ ઉપરાંત વિશેષજ્ઞ તરીકે શ્રી રાજસિંહ ડુંગરપુર, શ્રી ચંદુ સરવટે, શ્રી ચંદુ બોરડે, શ્રી લાલા અમરનાથ, શ્રી બાપુ નાડકર્ણી વિગેરે સેવાઓ આપતાં હતાં અને તેઓના અનુભવો શેર કરતાં હતાં.આ બધાં મેદાનનું, પીચનું, ખેલાડીઓની ખૂબીઓનું, દર્શકોનું તાદ્દશ વર્ણન કરતાં હતાં કે રેડિયોની રનિંગ કોમેન્ટરીમાં ચાર ચાંદ લાગી જતાં હતાં. સુશીલ દોશી તો ચોક્કો કે છક્કો વાગે કે કોઈ ખેલાડીની વિકેટ પડે તો એવી સ્ટાઈલમાં બોલતાં કે ભલભલા દર્શકો મુગ્ધ બની જતાં હતાં. હવે પરિવર્તિત અને બદલાયેલા સમાજ, જનમાનસ અને અવનવી ટેકનોલોજીના યુગમાં ટેલિવિઝન (દૂરભાષ) નો આવિષ્કાર થવાથી રેડિયોની કોમેન્ટરી લગભગ નામશેષ થઈ ગઈ છે.

હવે ટેલિવિઝનમાં લાઈવ ક્રિકેટ જોવા મળે છે અને રીટાયર્ડ થયેલા નવા જૂના ક્રિકેટરો લાઈવ કોમેન્ટરી આપે છે. આ લોકોની ભાષાશુદ્ધિ હોતી નથી કે પૂરતું જ્ઞાન હોતું નથી. આ લોકો એવી બેહૂદી ટિપ્પણીઓ કરે છે કે કોમેન્ટરીનો આખો મતલબ જ બદલાઈ જાય છે. આવા કોમેન્ટેટરો એકબીજાના ટાંટિયા ખેંચવામાંથી ઊંચા આવતાં નથી અને કોમેન્ટરીનું જે રીતે વર્ણન કરે છે એ જરા પણ સાંભળવું ગમે એવું હોતું નથી. બીજું ટેલિવિઝન ઉપર જેવી કોઈ વિકેટ પડે કે તરત જ જાહેરાતોનો મારો શરૂ થઈ જાય છે એથી વિકેટ પડ્યાનો કે સુંદર કેચ થયાનો ચાર્મ માર્યો જાય છે. સાચે જ અગાઉ જે રેડિયો ઉપર કોમેન્ટરી આવતી હતી એ લાજવાબ હતી.
હાલોલ   – યોગેશભાઈ જોષી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top