યશરાજ બેનર્સ ઘણી ટેલેન્ટને સપોર્ટ કરે છે. લાગે કે કોઇ અભિનયમાં સારું કરે તેમ છે તો ફિલ્મમાં કામ આપી દે અને દિગ્દર્શન કરશે એવું લાગે તો દિગ્દર્શન સોંપી દે છે. દિવ્યાંગ ઠક્કરની ‘જયેશભાઇ જોરદાર’ રજૂ થઇ અને હવે ‘મિસીસ ચેટરજી વર્સિસ નોર્વે’ રજૂ થશે જેનું દિગ્દર્શન અસીમા છિબ્બરે કર્યું છે. અસીમા જયારે હૈદ્રાબાદથી મુંબઇ આવી ત્યારે ધારતી નહોતી કે દિગ્દર્શન કરશે પણ ‘અબ તક છપ્પન’, ‘પ્યાર કે સાઇડ ઇફેકટ’, ‘લેટ્સ ગો અગેઇન’, ‘કાઇટ્સ’ અને ‘રોકસ્ટાર’માં તે સહાયક દિગ્દર્શક રહી અને પછી ટી.વી. શ્રેણીના દિગ્દર્શન તરફ વળી.
‘એમટીવી ફના: એન ઇમ્પોસીબલ લવસ્ટોરી’, ‘કૈસી યે યારીયાં’, ‘લેડીઝ રૂમ’, ‘પીએમ સેલ્ફીવાલે’ ટી.વી. સિરીયલો પછી તે પહેલીવાર ‘મિસીસ ચેટરજી વર્સિસ નોર્વે’ વડે ફિલ્મના દિગ્દર્શનમાં પ્રવેશી છે. આ ફિલ્મ એક માની કહાણી કહે છે જે એક દેશ સામે સંઘર્ષમાં ઊતરે છે. રાની મુખરજીની મુખ્ય ભૂમિકા છે અને તે કહે છે કે મારી 25 વર્ષની કારકિર્દીમાં આ સૌથી મહત્વની ફિલ્મ છે. ગયા વર્ષે ઓકટોબરમાં જ તેનું શૂટિંગ પૂરું થઇ ગયું હતું. આ ફિલ્મ બાળકો અને માનવ અધિકાર વિશે ઉહાપોહ જગાવનારા એક સાચા કિસ્સા પરથી બની છે. ફિલ્મમાં પોતાના બાળક માટે એક મા જે ઝંઝાવાતી લડાઇ લડે છે તેની વાત છે. રાની કહે છે કે દેશભરના પ્રેક્ષકોને આ ફિલ્મ પોતાની લાગશે.
અસીમા છિબ્બર આ પહેલાં ‘મેરે ડેડકી મારુતી’નું દિગ્દર્શન કર્યું હતું અને તે પટકથા પણ લખી ચૂકી છે. ‘ચક દે ઇન્ડિયા’માં તે રિમીત અમીનની સહાયક દિગ્દર્શક બની પછી તેનામાં નવો આત્મવિશ્વાસ આવ્યો. હવે તો ‘કેટીના’ નામની ફિલ્મ પણ બનાવી રહી છે જેમાં દિશા પટની, વિજય રાજ ને લિલેટ દૂબે વગેરે છે. અસીમા પોતાને લકી પણ માને છે અને કહે છે કે સારા વિષય સાથે ફિલ્મ બનાવવાનો આનંદ બહુ જૂદો હોય છે. ફિલ્મ જગતમાં પુરુષોનો જ પ્રભાવ છે પણ હવે જો ટેલેન્ટ હોય તો તક મળી શકે છે. દિલ્હી અને યુકેમાં ભણ્યા પછી તે મુંબઇ આવી હતી અને ટી.વી. સિરીયલોના દિગ્દર્શન કરતા કરતા ફિલ્મનાં દિગ્દર્શન માટે પોતાને તૈયાર કરતી હતી. તે બને ત્યાં સુધી સ્ત્રી અને કુટુંબને કેન્દ્રમાં રાખી ફિલ્મ બનાવવા ઉત્સુક છે. યશરાજ ફિલ્મે આપેલી તકથી તે ખુશ છે અને રાની મુખરજીએ કરેલા કામથી વધારે ખુશ છે. તે કહે છે કે હવે પ્રેક્ષકને કશુંક જૂદું આપો તો તે જોવા તૈયાર છે અને ‘મિસીસ ચેટરજી વર્સિસ નોર્વે’નાં શીર્ષકમાન જ એક સ્ત્રી સામે એક દેશને મુકી દીધો છે.