Comments

મનની ખૂબી

ઈશ્વરે સૃષ્ટિનું સર્જન કર્યું અને બધા જીવને કહ્યું કે, ‘મેં આ સૃષ્ટિનું સર્જન કર્યું છે. આ મૃત્યુલોક ઉપર તમારે માનવ બનીને નશ્વર દેહ લઈને જવાનું છે.ત્યાં જીવન જીવવાનું છે.’ આ સાંભળી જીવ ચિંતિત થઈ ઊઠ્યા. તેમણે કહ્યું, ‘ના પ્રભુ, અમારે તમને છોડીને ક્યાંય નથી જવું.’ ઈશ્વર બોલ્યા, ‘સૃષ્ટિનું સર્જન થયું છે તો સૃષ્ટિના નિયમો પણ પાળવા પડશે. જીવ તમારે માનવનો જન્મ લઈ અને આ સૃષ્ટિ પર રહેવા જવું જ પડશે.’ જીવ રડવા લાગ્યા અને બોલ્યા, ‘પ્રભુ, મને ખબર છે કે આ સૃષ્ટિ પર ઘણી મોહ માયા છે અને મોહમાયાના બંધનમાં બંધાઈને અમે તમને ભૂલી જઈશું. અમે તમારાથી દૂર થઈ જઈશું. તમે અમને શા માટે તમારાથી દૂર કરો છો?’ 

ઈશ્વર બોલ્યા, ‘હા, ત્યાં મોહમાયા છે અને તમે એ મોહમાયાના બંધનમાં તમે બધાં જકડાઈ પણ જશો, પણ મેં બે એવા માર્ગ રાખ્યા છે કે જેના દ્વારા તમે મારી સાથે જોડાયેલાં રહી શકશો. મને ભૂલશો નહીં.’ બધા જીવોએ રડતાં રડતાં પૂછ્યું, ‘પ્રભુ, એવા કયા બે માર્ગ છે?’ ભગવાન હસ્યા અને મંદ સ્મિત સાથે બોલ્યા, ‘હે જીવો, મેં તમારા દરેકની અંદર એક મન મૂક્યું છે અને આ મનની એક એવી ખૂબી કે એ મનને હંમેશા અસંતુષ્ટ રહે એવું વરદાન આપ્યું છે. એટલે તમને પૃથ્વીલોક ઉપર ગમે તેટલી મોહમાયા સુખસાધનો મળે  છતાં પણ તમારું મન અસંતુષ્ટ રહેશે અને અસંતુષ્ટ મન કંઈક ને કંઈક માંગણી કરતું રહેશે.’ જીવોએ પૂછ્યું, ‘તો તો પ્રભુ અમે શું કરીશું?

પ્રભુ બોલ્યા, ‘તમારા મનની માંગણીઓ પૂરી કરાવવા માટે તમે ફરી ફરીને મારી પાસે આવશો અને મને પ્રાર્થના કરીને તે વસ્તુઓ મેળવવા આપવા અરજ કરતા રહેશો.’ જીવોએ પૂછ્યું, ‘પ્રભુ, બીજો કયો રસ્તો છે?’ પ્રભુ મંદ મંદ સ્મિત કરતા બોલ્યા, ‘બીજો રસ્તો છે મનનો સંતોષ. પણ આ સંતોષ મેળવવો બહુ અઘરો છે. જો તમને સંતોષ મેળવવો હશે તો તમારે સઘળું ભૂલી મારી પાસે આવવું પડશે. તન અને મન બધું જ મને સમર્પિત કરી અને મારામાં જ મારી પ્રાર્થનાઓમાં જ ખોવાઈ જવું પડશે. મારા નામમાં જ ખોવાઈ જવું પડશે.તો સંતોષ મળશે અને મારી સાથે તમે જોડાયેલાં રહેશો.’ આપણા મનની ખૂબી છે કે મનનો અસંતોષ અને મનનો સંતોષ આપણને ઈશ્વર સાથે જોડાયેલાં રાખે છે.  – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top