એક માણસ ચાલતો ચાલતો એક ઝેન ગુરુના આશ્રમમાં પહોંચી ગયો.તેણે ઝેન ગુરુને કહ્યું, ‘આપને જીવનનું ગૂઢ જ્ઞાન છે તો મારે તમારી એક મદદ જોઈએ છે.’ ગુરુજીએ કહ્યું, ‘હું તો બધાને મદદ કરવા આતુર રહું છું. બોલ, હું તને શું મદદ કરી શકું?’ માણસે કહ્યું, ‘ગુરુજી, છેલ્લાં કેટલાં વર્ષોથી સાચી ખુશી શોધી રહ્યો છું,પણ મને તે મળતી નથી અને જેટલી કોશિશ કરું છું એટલી ખુશી જાણે જીવનમાંથી ઓછી થતી જાય છે.હું નાખુશ જ રહું છું, તો તમે મને મદદ કરશો? શું તમે મને સાચી ખુશી કેવી રીતે મળે? ક્યાં મળે તે સમજાવશો?’
ઝેન ગુરુ ખડખડાટ હસ્યા.માણસને તેમના હસવાનું કારણ ખબર જ ન પડી.તે ઝેન ગુરુની સામે પ્રશ્નાર્થ નજરે જોતો રહ્યો.ઝેન ગુરુ હસતાં હસતાં બોલ્યા, ‘દોસ્ત, દરેક માણસ સતત ખુશી શોધવા દોડતો રહે છે અને આ ખુશી મેળવવાની દોટ જ તેની નાખુશીનું મૂળ કારણ છે.માણસ ખુશ થવા અને ખુશી મેળવવા આંખ બંધ કરીને દોડતો રહે છે અને જીવનમાં તેની આજુબાજુ અઢળક ખુશીની ક્ષણો વેરાયેલી પડી છે તે જોતો જ નથી, એટલે આ ખુશીની શોધ જ તેને નાખુશ અને દુઃખી બનાવે છે.’
માણસ બોલ્યો, ‘માફ કરજો ગુરુજી, પણ પોતાના માટે અને પોતાનાં પ્રિયજનો માટે ખુશી શોધવી કંઈ ખોટું થોડું છે? દરેક જણ ખુશી શોધે જ છે.’ ઝેન ગુરુ બોલ્યા, ‘મારા દોસ્ત, તને જીવન મળ્યું છે.તું શ્વાસ લઇ રહ્યો છે.હાલી ચાલી વિચારી શકે છે.જેમના માટે ખુશી શોધવા નીકળ્યો છે તેવાં પ્રિયજનો છે. તારી પાસે શું આ બધું ખુશીને લાયક નથી?’ માણસ કંઈ ન બોલ્યો. ઝેન ગુરુએ આગળ કહ્યું, ‘દોસ્ત, તને જીવન મળ્યું છે.જીવનમાં જે કંઈ પણ મળ્યું છે તેનો તેં શાંતિથી વિચાર કર્યો છે?
શું શું ભગવાને આપ્યું છે તે નજીકથી જોયું છે? જે કંઈ પણ મળ્યું હોય તેનો પ્રેમથી સ્વીકાર કર્યો છે? જયારે તું આ ત્રણ કાર્ય કરીશ, જીવનને, જીવનમાં જે મળ્યું છે તેનો પ્રેમથી સ્વીકાર કરીશ ત્યારે તારે ખુશી શોધવા નહિ જવું પડે કારણ કે તને જીવનની પ્રત્યેક ક્ષણમાં ખુશી મળશે.તું જીવનમાં જે છે તેનો સ્વીકાર કરીશ.ખુશીની શોધની આંધળી દોડ અટકાવી આજુબાજુ નજર કરીશ તો આપોઆપ તારા જીવનમાં ખુશીઓ ઝળકી ઊઠશે.’ ઝેન ગુરુએ માણસને સાચી સમજ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.